Operation Kaveri : સુદાનમાં ઓપરેશન કાવેરી શરૂ, INS સુમેધા 278 ભારતીયો સાથે જેદ્દાહ પહોચ્યું
સુદાનમાં ફસાયેલા ભારતીયોને પહેલા જેદ્દાહ લાવવામાં આવી રહ્યા છે, ત્યારબાદ તેમને એરલિફ્ટ કરીને ભારત લાવવામાં આવશે. નેવીની સાથે ભારતીય વાયુસેના પણ સુદાનમાંથી ભારતીયોને બહાર કાઢવા મેદાનમાં ઉતરી છે.
સુદાનમાં હિંસા વચ્ચે ફસાયેલા ભારતીયોને બહાર કાઢવાનું અભિયાન શરૂ થઈ ગયું છે. આ માટે ભારત સરકાર ઓપરેશન કાવેરી ચલાવી રહી છે. ભારતના વિદેશ મંત્રાલય તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, INS સુમેધા, સુદાનમાં ફસાયેલા 278 લોકોને લઈને જેદ્દાહ પહોંચ્યુ છે.
બીજી તરફ સુદાન ઈન્ડિયન એરફોર્સનું C-130J એરક્રાફ્ટ પણ 135 ભારતીયોને લઈને જેદ્દાહ પહોંચી ગયું છે. ભારતીયોની આ ત્રીજી બેચ છે. વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરને ટ્વિટ કર્યું છે કે, જેદ્દાહ પહોંચેલા તમામ લોકોની ભારતની આગળની યાત્રા ટૂંક સમયમાં શરૂ થશે. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ટ્વીટ કરીને સાઉદી અરેબિયાના વિદેશ મંત્રી ફૈઝલ બિન ફરહાન અને અન્ય અધિકારીઓનો સહકાર બદલ આભાર માન્યો હતો.
હકીકતમાં, સુદાનમાં 72 કલાકના યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી છે. જેના પર બંને જનરલ સહમત થયા હતા. આ અંગે માહિતી આપતાં અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને જણાવ્યું કે 10 દિવસમાં લડાઈને કારણે સેંકડો લોકોના મોત થયા છે અને ઘણા વિદેશીઓ સુદાનમાંથી બચવા માટે દેશ છોડીને ચાલ્યા ગયા છે.
24 એપ્રિલથી 72 કલાક માટે યુદ્ધવિરામ
બ્લિંકને કહ્યું કે આ પહેલા પણ સુદાનમાં યુદ્ધવિરામ કરાવવાનો પ્રયાસ થયો હતો, પરંતુ અમે નિષ્ફળ ગયા. બ્લિંકને જણાવ્યું કે 24 એપ્રિલથી 72 કલાક માટે યુદ્ધવિરામ લાગુ રહેશે. આ પહેલા ફ્રાન્સની વાયુસેના સુદાનથી પાંચ ભારતીયોને લાવી હતી.
મીડિયા રિપોર્ટ્સથી પ્રાપ્ત માહિતી અનુસાર, અર્ધલશ્કરી દળ સુદાનની રાજધાની ખાર્તુમમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કબજો કરવાનો પ્રયાસ કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે અહીં ફસાયેલા વિદેશી નાગરિકોમાં ભારતીય સમુદાયના લગભગ 3,000 લોકો છે. કેરળના આલ્બર્ટ ઓગસ્ટિન (48)નું અહીં હિંસામાં ગોળી વાગવાને કારણે મૃત્યુ થઈ ચૂક્યું છે.
વિદેશ મંત્રીએ પીએમ મોદીને માહિતી આપી
હકીકતમાં, સુદાનના ગૃહયુદ્ધમાં વધી રહેલી હિંસા બાદ ગત શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યાં ફસાયેલા ભારતીય લોકોની સુરક્ષા માટે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. જેમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ હાજરી આપી હતી અને પીએમને સુદાનની સ્થિતિ વિશે માહિતી આપી હતી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
આંતરરાષ્ટ્રીય સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…