Breaking News : અમેરિકાએ પોતાના જ પગ પર મારી કુહાડી ! પાયલોટોને બચાવવા પોતાના જ વિમાનો કેમ ફૂંકી માર્યા?

શું તમે ક્યારેય સાંભળ્યું છે કે, કોઈ દેશ પોતાના જ કરોડો રૂપિયાના વિમાનોને બોમ્બથી ઉડાવી દે? અમેરિકાએ હાલમાં જ ઈરાનના રણમાં આવું જ કંઈક કર્યું. ઈરાની સેનાના હાથે ફસાયેલા પોતાના પાયલોટોને બચાવવા માટે અમેરિકાએ એક મોટું ઓપરેશન હાથ ધર્યું હતું.

Breaking News : અમેરિકાએ પોતાના જ પગ પર મારી કુહાડી ! પાયલોટોને બચાવવા પોતાના જ વિમાનો કેમ ફૂંકી માર્યા?
| Updated on: Apr 06, 2026 | 4:52 PM

અમેરિકાએ ઈરાનમાંથી તેના ફાઇટર પાઇલટ્સને બહાર કાઢવા માટે એક જોખમી બચાવ કામગીરી શરૂ કરી હતી. ઈરાની સૈન્ય દ્વારા તેમના F-15E સ્ટ્રાઈક ઇગલ વિમાનને તોડી પાડ્યા પછી આ પાઇલટ્સ ઈરાની ક્ષેત્રમાં ફસાયેલા હતા. એવામાં પાઇલટ્સને બચાવવાનું યુ.એસ.નું મિશન તો સફળ રહ્યું પરંતુ તે માટે ભારે કિંમત ચૂકવવી પડી હતી. આ કામગીરી દરમિયાન, અમેરિકાએ પોતાના એક કે બે હાઇ-ટેક વિમાન ગુમાવ્યા.

લેન્ડિંગ બાદ વિમાનો નકામા થઈ ગયા

મીડિયા અહેવાલો અનુસાર, આ જોખમી બચાવ અભિયાન દરમિયાન અમેરિકી સેનાએ ઈરાનના રણમાં બનેલા એક અસ્થાયી એરફિલ્ડ પર ઘણા સ્પેશિયલ ઓપરેશન્સ ટ્રાન્સપોર્ટ વિમાનો તૈનાત કર્યા હતા. આનો મુખ્ય હેતુ બીજા ફસાયેલા અમેરિકી પાયલોટને ત્યાંથી બહાર કાઢવાનો હતો. જો કે, સ્થિતિ ત્યારે વણસી ગઈ જ્યારે લેન્ડિંગ બાદ એક કે બે વિમાન નકામા થઈ ગયા. આવું કાં તો, કોઈ ટેકનિકલ ખામીને કારણે થયું અથવા તો પછી તે વિમાન રણની જમીનમાં ફસાઈ ગયા હતા.

સેનાએ પોતાના જ વિમાનોને બોમ્બથી ઉડાવી દીધા

બચાવ અભિયાન દરમિયાન ઈરાની સેના સતત નજીક આવી રહી હતી, તેવી સ્થિતિમાં મિશન પૂરું કરવા માટે અમેરિકી સેનાએ વધુ વિમાનો બોલાવવા પડ્યા. એક પ્રાદેશિક ગુપ્તચર અધિકારીએ એસોસિએટેડ પ્રેસને જણાવ્યું કે, અમેરિકી સૈનિકોએ તે બે ટ્રાન્સપોર્ટ વિમાનોને બોમ્બથી ઉડાવી દીધા હતા, જેમને અકસ્માતને કારણે તેઓ પાછળ છોડવા માટે મજબૂર થયા હતા.

અમેરિકાએ પોતાના જ વિમાનોનો નાશ કેમ કર્યો?

અમેરિકી સેનાએ આ વિમાનોનો નાશ એટલા માટે કર્યો, જેથી તેમાં લાગેલી અત્યંત સંવેદનશીલ ટેકનોલોજી અને સાધનો ઈરાની સેનાના હાથમાં ન આવી જાય. દુશ્મનના વિસ્તારમાં ચલાવવામાં આવતા જોખમી મિશન દરમિયાન આ એક પ્રોટોકોલ (નિયમ) છે. ઓસામા બિન લાદેનને મારવા માટે એબટાબાદમાં ચલાવાયેલા મિશન દરમિયાન પણ અમેરિકી સેનાએ આ જ પ્રોટોકોલનું પાલન કર્યું હતું. આ વિમાનોમાં અત્યંત ગુપ્ત કોમ્યુનિકેશન, નેવિગેશન અને સ્પેશિયલ ઓપરેશન સિસ્ટમ્સ હોય છે. આ ટેકનોલોજીની સુરક્ષા કરવી, આર્થિક નુકસાન કરતા વધુ મહત્વની માનવામાં આવે છે.

સામે આવ્યો વીડિયો

ઈરાની સરકારી મીડિયાએ કેટલીક તસવીરો અને વીડિયો જાહેર કર્યા છે. આમાં એક વિમાનના સળગેલા અવશેષો જોઈ શકાય છે, જે ફિક્સ્ડ-વિંગ ટ્રાન્સપોર્ટ વિમાન જેવા લાગે છે. આ અવશેષો ઈસ્ફહાન પ્રાંતના એક સપાટ રણ વિસ્તારમાં વેરવિખેર પડ્યા હતા. આ વિમાનો લોકહીડ માર્ટિન C-130 શ્રેણીના હોવાનું જણાય છે, જેની કિંમત 100 મિલિયન ડોલરથી પણ વધુ છે. આ વિમાનોનો ઉપયોગ ખાસ કરીને દુશ્મન વિસ્તારોમાં સૈનિકોને ઉતારવા અને પરત લાવવા માટે થાય છે.

રોટરક્રાફ્ટના પણ અવશેષો દેખાયા

વિમાનના કાટમાળમાં રોટરક્રાફ્ટના અવશેષો પણ જોવા મળ્યા હતા, જે સંભવતઃ બોઇંગ MH-6 લિટલ બર્ડ્સ હતા. ‘ફ્લાઇટ ગ્લોબલ’ના અહેવાલ મુજબ, આ નાના હેલિકોપ્ટરોને MC-130J વિમાનની અંદરથી જ તૈનાત કરી શકાય છે. ઈરાનની સંયુક્ત સૈન્ય કમાન્ડે બાદમાં દાવો કર્યો હતો કે, અમેરિકાએ પોતાના વિમાનો પર બોમ્બમારો એટલા માટે કર્યો, જેથી રાષ્ટ્રપતિ ટ્રમ્પને શરમજનક સ્થિતિમાંથી બચાવી શકાય.

Breaking News: ઈરાન-અમેરિકા વચ્ચે થઈ શકે છે 45 દિવસનું સીઝફાયર, મિડલ ઈસ્ટ યુદ્ધ પર આવી નવી રિપોર્ટ

Follow Us