
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ફરી એક મોટી ચેતવણી આપી છે.ટ્રમ્પે કહ્યું કે, જો ઈરાને જલ્દી પરમાણું કરાર પર પ્રસ્તાવ ન આપ્યો. તો અમેરિકા પહેલાથી પણ મોટા હુમલા કરશે. તેમણે કહ્યું કે, ઘડિયાળ ચાલી રહી છે અને ઈરાન પાસે વધારે સમય રહ્યો નથી. ટ્રમ્પે અમેરિકી મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે,અમેરિકા હજુ પણ યુદ્ધ પૂર્ણ કરવા માટે તૈયાર છે, પરંતુ ઈરાન હજુ પણ અમેરિકાની માંગણીઓ સ્વીકારવા તૈયાર નથી. ટ્રમ્પને આશા છે કે, ઈરાન એક નવો પ્રસ્તાવ રજૂ કરશે જે પહેલાના પ્રસ્તાવ કરતાં વધુ સારો હશે.
ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જો ઈરાને જલ્દી નિર્ણય ન લીધો તો તેની પાસે કાંઈ વધશે નહી. તેમણે વાતચીત માટે કોઈ સમય નક્કી કર્યો નથી. બંન્ને દેશો વચ્ચે પરમાણું કાર્યક્રમને લઈ બંન્ને દેશો વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. અમેરિકી અધિકારીઓના જણાવ્યા મુજબ ટ્રમ્પે મંગળવારના રોજ વ્હાઈટ હાઉસના સિચુએશન રુમમાં પોતાની રાષ્ટ્રીય સુરક્ષા ટીમ સાથે બેઠક કરશે. જેમાં ઈરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી વિકલ્પો પર ચર્ચા થશે. કહેવામાં આવી રહ્યું છે કે, જો વાતચીત આગળ નહી વધે તો અમેરિકા ફરીથી હુમલા શરુ કરી શકે છે.
રવિવારના રોજ ટ્રમ્પે ઈઝરાયલી વડાપ્રધાન બેજામિન નેતન્યાહુ સાથે ફોન પર વાત કરી હતી. બંન્ને નેતાઓએ ઈરાનની હાલની સ્થિતિ પર ચર્ચા કરી. આ પહેલા શનિવારના રોજ ટ્રમ્પે વર્જીનિયા સ્થિત પોતાના ગોલ્ફ ક્લબમાં રાષ્ટ્રીય સુરક્ષા અધિકારીઓની સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ, વિદેશ સચિવ માર્કો રુબિયો, વ્હાઇટ હાઉસના ખાસ દૂત સ્ટીવ વિટકોફ અને સીઆઈએ ચીફ જોન રેટક્લિફ હાજર હતા.
આ વચ્ચે પાકિસ્તાન અને કતર બંન્ને દેશ અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થતા કરી રહ્યા છે. પાકિસ્તાનના ગૃહમંત્રીએ તેહરાન જઈ ઈરાનના નેતાઓ સાથે વાતચીત કરી છે. તો કતરના વડાપ્રધાને પણ પાકિસ્તાન અને ઈરાનના નેતાઓ સાથે ફોનમાં વાત કરી છે.
અબુ ધાબીના બરાકાહ ન્યુક્લિયર પાવર પ્લાન્ટની બહાર ડ્રોન હુમલો થયો હતો. આ હુમલાને કારણે ઇલેક્ટ્રિક જનરેટરમાં આગ લાગી હતી. યુએઈ સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે ત્રણ ડ્રોન દેશના ક્ષેત્રમાં ઘૂસ્યા હતા, જેમાંથી બેને તોડી પાડવામાં આવ્યા હતા.યુએઈ સીધી રીતે ઈરાનનું નામ લઈ રહ્યું નથી. પરંતુ અધિકારીઓએ કહ્યું આ હુમલો ખુબ ગંભીર છે.