
જ્યારે આખી દુનિયા ઉર્જા કટોકટી અને પશ્ચિમ એશિયાના તણાવથી ફફડી રહી છે, ત્યારે ભારત માટે રાહતના સમાચાર આવ્યા છે. દોહામાં ભારત અને કતાર વચ્ચે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં કતારે સ્પષ્ટ કર્યું છે કે તે ભારતનો સૌથી ભરોસાપાત્ર ઉર્જા ભાગીદાર બની રહેશે. ભારત માટે આ સમાચાર એટલા માટે મહત્વના છે કારણ કે દેશની જરૂરિયાતનો 45% LNG અને 20% LPG એકલું કતાર જ પૂરું પાડે છે.
થોડા સમય પહેલા પશ્ચિમ એશિયામાં સંઘર્ષ દરમિયાન કતારના એક્સપોર્ટ પ્લાન્ટ્સ પર હુમલા થતા ગેસ સપ્લાય અટકી પડવાની ભીતિ સેવાઈ રહી હતી. પરંતુ હવે 8 એપ્રિલથી જાહેર થયેલા બે અઠવાડિયાના સીઝફાયર (યુદ્ધવિરામ) એ ભારત માટે આશાનું કિરણ જન્માવ્યું છે. ભારતના તેલ અને ગેસ મંત્રી હરદીપ સિંહ પુરી અને કતારના ઉર્જા મંત્રી સાદ શરીદા અલ-કાબી વચ્ચેની મુલાકાતમાં ગ્લોબલ સપ્લાય ચેઈનને કોઈ પણ અવરોધ વિના ચાલુ રાખવા પર સહમતી સધાઈ છે.
Very happy to meet Qatar Minister of State for Energy Affairs, and President and CEO of QatarEnergy, H.E. Mr. Saad Sherida Al-Kaabi in Doha during my two day visit to Qatar.
Conveyed the greetings and message of solidarity and support on behalf of PM Sh @narendramodi Ji to His… pic.twitter.com/OeeUygTbIn
— Hardeep Singh Puri (@HardeepSPuri) April 10, 2026
ભારત માત્ર પોતાની ઉર્જા સુરક્ષા જ નથી સંભાળી રહ્યું, પરંતુ પડોશી દેશોની પણ મદદ કરી રહ્યું છે. ભારત સરકારે તાજેતરમાં જ શ્રીલંકાને 38 મેટ્રિક ટન પેટ્રોલિયમ પેદાશોની સપ્લાય કરી છે અને મોરેશિયસ સાથે પણ ગેસ સપ્લાય માટે સમજૂતીને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. આ રણનીતિથી ભારત દક્ષિણ એશિયામાં એક મજબૂત ઉર્જા કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે.
વૈશ્વિક અસ્થિરતા વચ્ચે પણ ભારતની આંતરિક શક્તિ વધી રહી છે. દેશની કુલ વીજળી ઉત્પાદન ક્ષમતા હવે 531 ગીગાવોટને પાર કરી ગઈ છે. ખાસ વાત એ છે કે આમાં અડધાથી વધુ હિસ્સો એવા સ્ત્રોતોનો છે જે પ્રદૂષણ ફેલાવતા નથી. એપ્રિલથી જૂન દરમિયાન અનેક નવા પ્રોજેક્ટ્સ શરૂ થવાના છે, જેનાથી ભારતની ઉર્જા સુરક્ષા વધુ અભેદ્ય બનશે.
હવે જોવાનું એ રહેશે કે કતાર સાથેની આ મિત્રતા આવનારા સમયમાં ભારતીય બજારમાં તેલ અને ગેસના ભાવોને કેટલા સ્થિર રાખી શકે છે.