પાકિસ્તાનના પંજાબ પ્રાંતના નવા મુખ્યમંત્રી બન્યા હમઝા શાહબાઝ, મની લોન્ડરિંગ કેસમાં આવી ચુક્યુ છે નામ
લાહોર હાઈકોર્ટે (Lahore High Court) શુક્રવારે પંજાબ એસેમ્બલીને નિર્દેશ આપ્યો હતો કે, રાજ્યના બીજા સૌથી મોટા પ્રાંતના નવા મુખ્યપ્રધાનની ચૂંટણી માટે 16 એપ્રિલ પહેલા મતદાન કરાવવું જોઈએ.
પાકિસ્તાનના (Pakistan) પંજાબ પ્રાંતને હમઝા શાહબાઝના (Hamza Shahbaz) રૂપમાં નવા મુખ્યમંત્રી મળ્યા છે. PML-Nના નેતા અને પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફના (Shehbaz Sharif) પુત્ર હમઝા શાહબાઝને શનિવારે વિધાનસભા સત્ર દરમિયાન ભારે હોબાળા વચ્ચે પંજાબના નવા મુખ્ય પ્રધાન તરીકે ચૂંટવામાં આવ્યા હતા. હમઝા શાહબાઝ 197 મતો સાથે પંજાબના 21મા મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા. તે જ સમયે, ડેપ્યુટી સ્પીકર દોસ્ત મોહમ્મદ મજારી પર હુમલો કરવા બદલ પંજાબ વિધાનસભાના ત્રણ પીટીઆઈ સભ્યોની મતદાન પહેલા ધરપકડ કરવામાં આવી હતી. પીટીઆઈએ નવા મુખ્યમંત્રીની પસંદગી માટે સત્રનો બહિષ્કાર કર્યો હતો. હમઝાના હરીફ પરવેઝ ઈલાહીને કોઈ મત મળ્યા નથી કારણ કે તેમની પાર્ટી અને પીટીઆઈએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો.
પંજાબના મુખ્યમંત્રી માટે બે ઉમેદવારોના નામ ચાલી રહ્યા હતા. પંજાબ વિધાનસભાના સ્પીકર અને પીએમએલ-ક્યૂના નેતા પરવેઝ ઈલાહી બંને અને વડાપ્રધાન શાહબાઝ શરીફના પુત્ર પીએમએલ-એનના નેતા હમઝા શાહબાઝ હતા. હમઝા શાહબાઝનું નામ મની લોન્ડરિંગ કેસમાં આવી ચૂક્યું છે. ઉસ્માન બજદારના રાજીનામા બાદ પંજાબના મુખ્યમંત્રીનું પદ ખાલી પડ્યું હતું. આ પહેલા શુક્રવારે લાહોર હાઈકોર્ટે પંજાબ એસેમ્બલીને નિર્દેશ આપ્યો હતો કે, રાજ્યના બીજા સૌથી મોટા પ્રાંતના નવા મુખ્યપ્રધાનની ચૂંટણી માટે 16 એપ્રિલ પહેલા મતદાન કરાવવું જોઈએ.
ઉસ્માન બજદારે 1 એપ્રિલે પંજાબના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું
નવા મુખ્ય પ્રધાન માટે અગાઉ 3 એપ્રિલે મતદાન થવાનું હતું, પરંતુ વિરોધ કરી રહેલા વિપક્ષી સભ્યોએ કથિત રીતે એસેમ્બલી હોલમાં તોડફોડ કર્યા પછી 6 એપ્રિલ સુધી મુલતવી રાખવામાં આવ્યું હતું. બાદમાં તેને 16 એપ્રિલ સુધી સ્થગિત કરવામાં આવ્યું હતું. પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનના નજીકના સાથી ઉસ્માન બજદારે 1 એપ્રિલે પંજાબના મુખ્ય પ્રધાન તરીકે રાજીનામું આપ્યું હતું, જેના પગલે પંજાબ એસેમ્બલીએ ગૃહના નવા નેતાની પસંદગી માટે સત્ર બોલાવ્યું હતું.
નેશનલ એસેમ્બલીના ડેપ્યુટી સ્પીકરે ઇમરાન ખાન સામેની અવિશ્વાસની દરખાસ્તને ચૂંટાયેલી સરકાર સામે આંતરરાષ્ટ્રીય ષડયંત્ર ગણાવીને ફગાવી દેતાં પંજાબ એસેમ્બલીના ડેપ્યુટી સ્પીકરે પણ સત્ર સ્થગિત કરી દીધું હતું. જ્યારે પંજાબ એસેમ્બલીના ડેપ્યુટી સ્પીકર દોસ્ત મજારીએ સત્ર બોલાવ્યું ત્યારે સત્તાધારી પીટીઆઈના ધારાસભ્યોએ તેમની સામે અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી. ઠરાવ રજૂ કર્યા પછી, પંજાબ એસેમ્બલીને સરકારે સીલ કરી દીધી હતી અને ત્યાં ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : રશિયાએ બ્રિટિશ PM બોરિસ જોન્સનને તેમના દેશમાં પ્રવેશ પર મૂક્યો પ્રતિબંધ, UKના પ્રતિબંધોના જવાબમાં કરી કાર્યવાહી