પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફનો મોટો દાવો, ઈમરાન ખાને દુબઈમા નેકલેસ સહીત 14 કરોડના ઉપહાર વેચી માર્યા
Pakistan Politics : ઈસ્લામાબાદમાં આયોજિત ઈફ્તાર પાર્ટી દરમિયાન પત્રકારો સાથે વાત કરતા પીએમ શાહબાઝ શરીફે કહ્યું કે ઈમરાન ખાને દુબઈમાં જે મોંઘી ભેટ વેચી છે તેમાં ડાયમંડ જ્વેલરી સેટ, બ્રેસલેટ અને કાંડા ઘડિયાળનો સમાવેશ થાય છે.
પાકિસ્તાનના (Pakistan) સત્તામાંથી બહાર થયા બાદ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની (Imran Khan) મુશ્કેલીઓ વધી રહી છે. પાકિસ્તાનના નવા વડાપ્રધાન શાહબાઝ શરીફે (Shehbaz Sharif) ઈમરાન ખાન પર દુબઈમાં 14 કરોડ રૂપિયાના તોશાખાનાની ભેટ વેચવાનો આરોપ લગાવ્યો છે. પાકિસ્તાનના જિયો ન્યૂઝના અહેવાલ મુજબ, ઈમરાન ખાને અન્ય દેશોમાંથી મળેલી ભેટને દુબઈમાં 14 કરોડ રૂપિયામાં વેચી છે. ઈસ્લામાબાદમાં આયોજિત ઈફ્તાર પાર્ટી દરમિયાન પત્રકારો સાથે વાત કરતા પીએમ શાહબાઝ શરીફે કહ્યું કે ઈમરાન ખાને દુબઈમાં જે મોંઘી ભેટ વેચી છે તેમાં ડાયમંડ જ્વેલરી સેટ, બ્રેસલેટ અને કાંડા ઘડિયાળનો સમાવેશ થાય છે.
તમને જણાવી દઈએ કે શાહબાઝ શરીફે આ આરોપ એવા સમયે લગાવ્યો છે જ્યારે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં દાખલ તોશાખાનાની વિગતો માંગતી અરજી પર સુનાવણી ચાલી રહી છે. અરજી પર ટિપ્પણી કરતા તત્કાલિન વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું હતું કે તેઓ ઓફિશિયલ સિક્રેટ એક્ટ, 1923 હેઠળ વિગતો જાહેર કરી શકતા નથી.
હવે આ સમગ્ર મામલે ઈમરાન સરકારના પૂર્વ મંત્રી અને પીટીઆઈ નેતા ફવાદ ચૌધરીનું નિવેદન પણ સામે આવ્યું છે. ફવાદ ચૌધરીએ વડાપ્રધાન શાહબાઝ શરીફના નિવેદનને નકારી કાઢ્યું છે અને કહ્યું છે કે પાકિસ્તાનના નવા વડાપ્રધાન અમારા નેતા ઈમરાન ખાનની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ઘણો જ કિંમતી હાર 18 કરોડ રૂપિયામાં વેચવાનો આરોપ
પાકિસ્તાનની ટોચની તપાસ એજન્સીએ એવા આરોપોની તપાસ શરૂ કરી છે કે ભૂતપૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને તેમના કાર્યકાળ દરમિયાન ભેટમાં આપેલો અમૂલ્ય હાર સરકારી તોશાખાનામાં જમા કરાવવાને બદલે 18 કરોડ રૂપિયામાં એક ઝવેરીને વેચવામાં આવ્યો હતો. મીડિયા અહેવાલો અનુસાર, ખાનને ભેટમાં આપેલો હાર તોશાખાનામાં જમા કરાવવામાં આવ્યો ન હતો, પરંતુ ભૂતપૂર્વ વિશેષ સહાયક ઝુલ્ફીકાર બુખારીને આપવામાં આવ્યો હતો, જેમણે તેને લાહોરના એક સરાફને 18 કરોડ રૂપિયામાં વેચ્યો હતો.
સમાચાર અનુસાર, ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (FIA) એ આરોપો પર ખાન વિરુદ્ધ તપાસ શરૂ કરી છે. તે જણાવે છે કે સરકારી ઓફિસમાં હોય ત્યારે મળેલી ભેટોને અડધી કિંમત ચૂકવીને વ્યક્તિગત મિલકત તરીકે રાખી શકાય છે, પરંતુ ખાને રાજ્યની તિજોરીમાં થોડા હજાર રૂપિયા જમા કરાવ્યા.