
રશિયાએ BRICS સંગઠનમાં ભારતના નેતૃત્વ અને તેના કાર્યકાળ દરમિયાન મળેલા પરિણામોની મુક્ત મને પ્રશંસા કરી છે. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનના સત્તાવાર પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે જણાવ્યું છે કે BRICS સભ્ય દેશો વચ્ચે પરસ્પર સહયોગ સતત મજબૂત બની રહ્યો છે. તેમણે એક મોટો ખુલાસો કરતાં જણાવ્યું કે વર્તમાન સમયમાં BRICS સભ્ય દેશો સાથે રશિયાના 90 ટકા નાણાકીય વ્યવહારો માત્ર અને માત્ર નેશનલ કરન્સી (સંબંધિત દેશોના પોતાના ચલણ) માં જ થઈ રહ્યા છે.
દિમિત્રી પેસ્કોવે સ્પષ્ટતા કરી હતી કે આ પગલાંનો મુખ્ય ઉદ્દેશ્ય ડૉલરને સંપૂર્ણ ખતમ કરવાનો નથી, પરંતુ વેપારમાં પેમેન્ટ વિકલ્પોને વધુ સુરક્ષિત અને વૈવિધ્યસભર બનાવવાનો છે. જોકે, તેમણે પશ્ચિમી દેશો પર આડકતરો નિશાન સાધતા એમ પણ કહ્યું કે કેટલાક દેશો પોતાની કરન્સીનો ઉપયોગ વિદેશ નીતિના હથિયાર કે દબાણ બનાવવાના સાધન તરીકે કરી રહ્યા છે.
પેસ્કોવના જણાવ્યા અનુસાર, BRICS સંગઠન હાલમાં ત્રણ મુખ્ય ક્ષેત્રો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, જેમાં માનવીય સહયોગ અને આર્થિક સહયોગ મોખરે છે. રશિયા સંગઠનના સભ્યપદનો વિસ્તાર કરવા માટે પણ સંપૂર્ણ કટિબદ્ધ છે.
આ ઉપરાંત સુરક્ષાના મોરચે પણ મજબૂત વ્યવસ્થા વિકસાવવામાં આવી રહી છે, જેમાં ડ્રગ્સ-માદક દ્રવ્યોની દાણચોરી અટકાવવી અને આતંકવાદ વિરોધી ઓપરેશન્સમાં એકબીજાને ટેકો આપવાનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, સભ્ય દેશો વચ્ચે સ્પેસ (અંતરિક્ષ) સેક્ટરમાં પણ સહકાર તેજ ગતિએ આગળ વધી રહ્યો છે.
ભારત અંગે વાત કરતાં પેસ્કોવે ભારપૂર્વક જણાવ્યું કે ભારત એ રશિયાનો અત્યંત વિશ્વાસુ અને વ્યૂહાત્મક ભાગીદાર (Strategic Partner) છે. બંને દેશો વિવિધ ક્ષેત્રોમાં સંયુક્ત ભાગીદારી વધારી રહ્યા છે અને ભારત સાથેનો મોટો વેપાર પણ રાષ્ટ્રીય કરન્સીમાં જ સુપેરે ચાલી રહ્યો છે.
યુક્રેન સંઘર્ષ અંગે પેસ્કોવે સ્પષ્ટ કર્યું કે રશિયા આ યુદ્ધનો કાયમી અને શાંતિપૂર્ણ ઉકેલ ઈચ્છે છે. તેમણે 2014 ના ઘટનાક્રમનો ઉલ્લેખ કરતાં અમેરિકા, બ્રિટન અને યુરોપીયન દેશો પર સત્તાપલટો કરવાની કાવતરાં રચવાનો આરોપ મૂક્યો હતો.
તેમણે ઉમેર્યું કે શાંતિ સ્થાપવા માટે ભારત દ્વારા કરવામાં આવી રહેલા તમામ રાજદ્વારી પ્રયાસોનું રશિયા હૃદયપૂર્વક સ્વાગત કરે છે. સાથે જ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી યુદ્ધ સમાપ્ત કરાવવા માટે થતી પહેલનું પણ સમર્થન કર્યું હતું. જોકે, તેમણે ચેતવણી આપતા જણાવ્યું કે કેટલાક યુરોપીયન દેશો યુક્રેનને રશિયા સામે હાર અપાવવા માટે સતત ઉશ્કેરી રહ્યા છે, પરંતુ રશિયા તેમના આ મનસૂબા ક્યારેય સફળ થવા દેશે નહીં.