
અંકારામાં પત્રકારો સાથે વાતચીત કરતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે- ઇરાન મને પણ નિશાન બનાવવાની ફિરાકમાં છે. તેઓ કોઈને છોડતા નથી. મેં તેમને કહી દીધું છે કે જ્યારે પણ તમે હુમલો કરશો, અમે પણ હુમલો કરીશું. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન સાથેની સમજૂતી ખતમ કરવાની જાહેરાત કરી છે. અંકારામાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે ઇરાન સાથે હવે કોઈ સમજૂતી થશે નહીં. અમે બધું જ ખતમ કરી દીધું છે. ટ્રમ્પે આ જાહેરાત ઇરાન દ્વારા કુવૈત અને બહેરીનમાં અમેરિકી સૈન્ય મથકો પર કરાયેલા હુમલાના થોડા સમય બાદ જ કરી છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે આગળ કહ્યું કે ઇરાને મારી સાથે જૂઠું બોલ્યું. તેથી હવે તેહરાન સાથે આગળ કોઈ વાતચીત થઈ શકે નહીં. અમે તેહરાનને પરમાણુ મુક્ત કરીશું. આ માટે ટૂંક સમયમાં જ પ્લાનનો અમલ કરવામાં આવશે. બીજી તરફ, ઇરાને અમેરિકાને જવાબ આપતા કહ્યું છે કે અમે યુદ્ધ માટે તૈયાર છીએ. અમેરિકાએ હોર્મુઝમાં વિશ્વાસઘાત કર્યો છે. તેથી તેની સાથેની વાતચીત પર ભરોસો ન કરી શકાય.
ટ્રમ્પે કહ્યું કે ઇરાનના લોકો કોઈને છોડતા નથી. મને પણ નિશાન પર લીધો છે. તેઓ મને પણ છોડવા માંગતા નથી. તે લોકો ખૂબ જ ગંદા છે. મેં તે લોકોને કહી દીધું છે કે જો તમે હુમલો કરશો, તો અમે છોડીશું નહીં. ઇરાનના લોકો કોઈની વાત માનતા નથી.
ટ્રમ્પે આ સાથે જ નાટો (NATO) સભ્યો પર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે નાટોના સભ્યો આતંકવાદીઓ સામેની લડાઈમાં મને મદદ નથી કરી રહ્યા. હું નાટોથી બહુ ખુશ નથી. તેમણે આગળ ઉમેર્યું કે તેહરાનને પરમાણુ મુક્ત કરીને જ જંપીશ. આ માટે અમે કામ કરી રહ્યા છીએ.
તેહરાનમાં ખામેનેઈની અંતિમયાત્રા દરમિયાન ઇરાનના કટ્ટરપંથીઓએ ટ્રમ્પની હત્યાના નારા લગાવડાવ્યા હતા. આ દરમિયાન ‘ડેથ ટુ અમેરિકા’ના સ્લોગન પણ લગાવવામાં આવ્યા હતા. એટલું જ નહીં, ઇરાનની વિશેષજ્ઞ પરિષદે એક ફતવો જાહેર કરીને કહ્યું હતું કે ટ્રમ્પની હત્યા કરવી એ તમામ ઇરાનીઓ માટે એક ધાર્મિક કર્તવ્ય છે.
મંગળવારે (7 જુલાઈ) ઇરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડે હોર્મુઝમાં કતાર અને સાઉદીના જહાજો પર હુમલો કરી દીધો હતો. આનાથી નારાજ અમેરિકાએ 8 જુલાઈની સવારે ઇરાનના અનેક ઠેકાણાઓ પર હુમલો કર્યો. ઇરાને જવાબી કાર્યવાહી કરતા કુવૈત અને બહેરીન પર એટેક કર્યો. અમેરિકા આનાથી ઘણું નારાજ છે. શરતો તોડવા બદલ કતારે પણ ઇરાનને દોષિત ઠેરવ્યું છે. કતારનું કહેવું છે કે ઇરાને 60 દિવસ સુધી કોઈપણ જહાજ પર હુમલો ન કરવાનું વચન આપ્યું હતું, પરંતુ તેણે પોતાનું જ વચન તોડી નાખ્યું છે.