પાકિસ્તાનના શહેર પર બલૂચિસ્તાનનો કબજો, બલૂચ આર્મી ધીરે ધીરે દબાવી રહી છે પાકિસ્તાનનું ગળું
પાકિસ્તાનને હાલમાં દરેક રીતે ફસાયું છે. એક બાજુ તે ભારત અને અફઘાનિસ્તાનથી માત ખાઈને બેસી ગયું છે અને બીજી બાજુ પોતાના જ દેશમાં બલૂચિસ્તાન આર્મીના વિદ્રોહનો સામનો કરવો પડી રહ્યો છે.

ખબર મળી છે કે, પાકિસ્તાને તેના જ એક શહેર પરથી કાબૂ ગુમાવી દીધો છે. જાણવા મળ્યું છે કે, બલૂચ લિબરેશન આર્મી એ સુરાબ શહેર પર પોતાનો કબજો જમાવી દીધો છે. બલૂચ લિબરેશન આર્મીના પ્રવક્તા જયંદ બલૂચ દ્વારા શુક્રવારે નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં સુરાબ શહેર પર નિયંત્રણ મેળવવાની પુષ્ટિ કરવામાં આવી હતી.
નિવેદનમાં જણાવાયું હતું કે, સુરાબ શહેર પર કબજો મેળવ્યા બાદ સુરાબના પોલીસ સ્ટેશન સહિત અનેક સરકારી સંસ્થાઓને આગ ચાંપી દીધી છે. જયંદ બલૂચના જણાવ્યા મુજબ બલૂચ યોદ્ધાઓએ શહેરના બેંક, લાવી સ્ટેશન અને પોલીસ સ્ટેશન જેવા મહત્વપૂર્ણ સરકારી મથકો પર કબજો જમાવ્યો છે. આની સાથે જ મુખ્ય ક્વેટા- કરાચી હાઈવે અને સુરાબ-ગદર રોડ પર પણ તેઓ ચેકિંગ અને પેટ્રોલિંગ કરી રહ્યા છે. સ્થાનિક સૂત્રોએ જણાવ્યું છે કે, સાંજના સમયે મોટી સંખ્યામાં લોકોએ હથિયાર લઈને શહેરની સરકારી ઇમારતો પર હુમલો કર્યો.
કઈ જગ્યાઓ પરથી પાકિસ્તાની સૈન્યને ખદેડવામાં આવી ?
શહેર પર કબજો મેળવ્યા બાદ બીએલએ દ્વારા અનેક અધિકારીઓને ધરપકડમાં લેવામાં આવ્યા છે. બીજી તરફ કેટલીક સરકારી ગાડીઓ સળગાવી દેવામાં આવી છે. બીએલએના કમાન્ડરો દાવો કરે છે કે, તેઓએ શહેરની બધી સરકારી ઇમારતો પર કાબૂ મેળવી લીધો છે અને અનેક વિસ્તારોમાં પાકિસ્તાની સેનાને ધરાશાયી કરવામાં આવી છે. જો કે, આ ઘટનાને લઈને હજુ સુધી પાકિસ્તાની સરકાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.
પાકિસ્તાનથી અલગ રાષ્ટ્રની માગ
છેલ્લા કેટલાક વર્ષોમાં બલૂચિસ્તાનમાં આવા હુમલાઓની સંખ્યા વધી છે. ખાસ કરીને ગયા વર્ષથી આવી ઘટનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, જ્યાં બલૂચ સ્વતંત્રતા સેનાનીઓએ તાત્કાલિક સમયે કેટલાંક વિસ્તારો અને હાઈવે પર કબજો મેળવી લીધો હતો. હવે જ્યારે સુરાબ શહેર પણ બલૂચ સેનાના નિયંત્રણમાં છે, ત્યારે સ્પષ્ટ થાય છે કે બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેનાનું નિયંત્રણ ઘટી રહ્યું છે.
આ સિવાય બલૂચિસ્તાનને પાકિસ્તાનથી અલગ એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે ઘોષિત કરવાની ચર્ચા પણ હવે ચાલી રહી છે. પાકિસ્તાની રણનીતિ બલૂચિસ્તાનમાં નિષ્ફળ સાબિત થઈ રહી છે, જ્યારે સ્વતંત્રતા આંદોલન હવે વધુ શક્તિશાળી બની રહ્યું છે. બીએલએ દ્વારા બલૂચિસ્તાનમાં થયેલા અનેક હુમલાઓમાં માત્ર પાકિસ્તાની સેનાને જ નિશાન પર લેવામાં આવ્યું છે.
દેશ અને દુનિયાના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો