બગરામ એરબેઝ પાછુ લેવા જગત જમાદાર ડોનાલ્ડ ટ્રમ્પે, અફધાનિસ્તાનની હાલત ખરાબ કરી નાખવાની આપી ધમકી

હવે અમેરિકા અને અફઘાનિસ્તાન ટકરાય તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. આવનારા દિવસોમાં અફધાનિસ્તાનનુ બગરામ એરબેઝ પરત લેવા માટે અમેરિકા સૈન્ય કાર્યવાહી કરવા તૈયાર છે. અફધાનિસ્તાન સરકારે જાહેર કર્યુ છે કે, બગરામ એરબેઝ તો શું, અફધાનિસ્તાનમાં અમેરિકા સહિત કોઈ પણ વિદેશી સેન્યને પગ મૂકવાની જગ્યા નહીં અપાય.

બગરામ એરબેઝ પાછુ લેવા જગત જમાદાર ડોનાલ્ડ ટ્રમ્પે, અફધાનિસ્તાનની હાલત ખરાબ કરી નાખવાની આપી ધમકી
| Edited By: | Updated on: Sep 21, 2025 | 12:58 PM

Bagram Airbase Afghanistan USA controversy : યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલ શનિવારે, અફધાનિસ્તાનની સરકાર તાલિબાનને બગરામ લશ્કરી થાણું યુએસને સોંપવાનો ઇનકાર કરવા બદલ ધમકી આપી હતી. તેમણે અફઘાનિસ્તાન સાથે “ખરાબ કામો” કરવાની ધમકી આપી હતી. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર કહ્યું હતું કે, “જો અફઘાનિસ્તાન બગરામ એરબેઝ તે લોકોને, જેમણે તેને બનાવ્યું હતું, યુએસને પરત નહીં કરે, તો તે ખૂબ જ ખરાબ થશે!” બે દિવસ પહેલા, ડોનાલ્ડ ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે બગરામ એરબેઝ છોડી દેવાનું બાઈડન વહીવટીતંત્રની એક મોટી ભૂલ હતી અને તેને સુધારવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, બગરામ એરબેઝ ચીનની નજીક છે અને યુએસ માટે મહત્વપૂર્ણ છે, તેથી યુએસ સૈનિકો અફઘાનિસ્તાનમાં પાછા ફરશે.

ટ્રમ્પના નિવેદન બાદ, એક વરિષ્ઠ અફઘાન અધિકારીએ યુદ્ધ પછી દેશમાં બગરામ એર બેઝ ફરીથી કબજે કરવાના યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના તાજેતરના નિવેદનની ટીકા કરતા કહ્યું કે, અફઘાન લોકો ક્યારેય તેમના દેશમાં અમેરિકા સહીત કોઈ પણ વિદેશી સૈન્યની હાજરી સ્વીકારશે નહીં. શુક્રવારે અફઘાનિસ્તાનના સરકારી રેડિયો અને ટેલિવિઝન (RTA) દ્વારા આ અહેવાલ પ્રસારીત કરવામાં આવ્યો હતો.

તાલિબાન વિદેશ મંત્રાલયના વરિષ્ઠ રાજદ્વારી જલાલીએ કહ્યું કે, તેમના સમગ્ર ઇતિહાસમાં, અફઘાનોએ ક્યારેય તેમની ધરતી પર વિદેશી લશ્કરી હાજરી સ્વીકારી નથી. અફઘાનિસ્તાન અને અમેરિકાએ પરસ્પર આદર અને સહિયારા હિતોના આધારે આર્થિક અને રાજકીય સંબંધો પર સહયોગ કરવાની જરૂર છે.

એ નોંધવું જોઈએ કે, કાબુલથી 50 કિલોમીટર ઉત્તરમાં આવેલા બગરામ એર બેઝ પર 20 વર્ષ સુધી યુએસની આગેવાની હેઠળના ગઠબંધન દળોનો કબજો હતો. તે ઓગસ્ટ 2021 સુધી યુએસ સૈનિકો માટે મુખ્ય લશ્કરી બેઝ તરીકે સેવા આપતો હતો. ઓગસ્ટ 2021 માં યુએસ દળો પાછા ખેંચી લીધા પછી, વર્તમાન અફઘાન સરકાર હવે તેના પર નિયંત્રણ રાખે છે.

યુએસ લશ્કરી અધિકારીઓ કહે છે કે, બગરામ એર બેઝ ફરીથી કબજે કરવા માટે લગભગ 10,000 સૈનિકોની જરૂર પડશે. ટ્રમ્પે જણાવ્યું હતું કે તેઓ બગરામ એર બેઝ અંગે અફઘાનિસ્તાન સાથે વાટાઘાટો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે જો અફઘાનિસ્તાન ના પાડે તો તેઓ કોઈ રસ્તો શોધી કાઢશે.

આ પણ વાંચોઃ જગત જમાદારે જોઈ લીધી ભારતની તાકાત, ડોનાલ્ડ ટ્રમ્પના જ નહીં અમેરિકાના પણ બદલાયા સૂર