
આ સમગ્ર મામલાની વિગતો એવી છે કે, હોર્મુઝથી થોડે દૂર દરિયામાં અડ્ડો જમાવીને બેઠેલા અમેરિકાએ, હોર્મુઝથી પસાર થઈ રહેલા બે પાકિસ્તાની જહાજોને પાછા હાંકી કાઢ્યાં છે. આ ઘટના ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ વિરામ દરમિયાન, ઈસ્લામાબાદમાં શાંતિ મંત્રણા કરાવનારા પાકિસ્તાન માટે એક મોટા આંચકા સમાન માનવામાં આવી રહ્યી છે. કારણ કે, પાકિસ્તાને ઈરાન અને અમેરિકા વચ્ચે શાંતિ કરારમાં મધ્યસ્થી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જો કે, અમેરિકાએ બે પાકિસ્તાની જહાજોને એવા સમયે પાછા ફેરવ્યા, જ્યારે ચીન સહિત અન્ય દેશોના 20 જહાજો કોઈ અવરોધ વિના હોર્મુઝમાંથી પસાર થયા હતા. પાકિસ્તાન સરકારે આ ઘટના અંગે સત્તાવાર પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કર્યો છે.
અખાતના અગ્રણી મીડિયા અલ અરેબિયાના અહેવાલ અનુસાર, મંગળવારે બે પાકિસ્તાની ધ્વજવાળા જહાજોએ હોર્મુઝ સ્ટ્રેટથી પસાર થવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ યુએસ લશ્કરી દળો દ્વારા તેમને પાછા હાંકી કાઢવામાં આવ્યા હતા. ચીન અને અન્ય દેશોના જહાજો એક જ માર્ગે પસાર થઈ રહ્યા હતા ત્યારે પણ આ બન્યું.
ઈરાને હોર્મુઝમાંથી તેના જહાજોના પરિવહનને સરળ બનાવવા માટે પાકિસ્તાનને 20 પાસ આપ્યા હતા. આ પાસ દ્વારા, ઈરાને પાકિસ્તાની જહાજોના સુરક્ષિત માર્ગને સુનિશ્ચિત કરવાનું વચન આપ્યું હતું. પાકિસ્તાન પહેલાથી જ આમાંથી ચાર પાસનો ઉપયોગ કરી ચૂક્યું હતું. જોકે, હવે તેને અમેરિકાના હાથે આંચકો લાગ્યો છે.
પાકિસ્તાનના શિપિંગ વિભાગના એક અધિકારીએ, અખાતના અગ્રણી મીડિયા અલ અરેબિયાને જણાવ્યું હતું કે, “ઈરાને જ્યારે રસ્તો રોક્યો હતો ત્યારે અમે એટલા ચિંતિત પણ નહોતા. હવે, અમેરિકાએ અમારા જહાજોને પાછા ફેરવી દીધા છે. ત્યારે ચિંતા થોડી વધી છે.
પાકિસ્તાનના શિપિંગ મંત્રી જુનૈદ અનવર ચૌધરીએ જણાવ્યું હતું કે, અન્ય રાષ્ટ્રોની જેમ, પાકિસ્તાન પણ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે. “અમે સતત વાતચીતમાં રોકાયેલા છીએ અને આ મુદ્દાનો ઉકેલ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ,”
યુએસએ હોર્મુઝ સ્ટ્રેટની બહાર નાકાબંધીની જાહેરાત કરી છે. આ કામગીરીના ભાગ રૂપે, યુએસએ ઓમાનના અખાત અને અરબી સમુદ્રમાં 10,000 સૈનિકો તૈનાત કર્યા છે. આમ છતાં, નાકાબંધીના પહેલા દિવસે, 20 જહાજો આ માર્ગ પરથી કોઈ અવરોધ વિના પસાર થયા. અમેરિકાના મીડિયા ધ વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ અનુસાર, યુ.એસ. સૈન્યે આમાંથી ફક્ત છ જહાજોને અટકાવ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે, આમાંથી બે જહાજો પાકિસ્તાનના હતા. આ ધટના પાકિસ્તાન માટે એક મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે, ખાસ કરીને એવા સમયે કે, જ્યારે ઈરાન અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે શાંતિ કરાર અંગેની વાટાઘાટો બે દિવસ પછી ઇસ્લામાબાદમાં થવાની છે.