
માનવ શરીરમાં હોર્મોન્સ ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. શરીરની અનેક પ્રક્રિયાઓ હોર્મોન્સના યોગ્ય સંતુલન પર આધારિત હોય છે. ખાસ કરીને મહિલાઓના શરીરમાં હોર્મોન્સ પીરિયડ્સ, ઊર્જા, મૂડ, ત્વચા, વાળ અને પ્રજનન આરોગ્ય જેવી ઘણી બાબતોને નિયંત્રિત કરે છે. જ્યારે હોર્મોન્સનું સ્તર સંતુલિત રહે છે ત્યારે શરીર સામાન્ય રીતે સારી રીતે કાર્ય કરે છે. પરંતુ જો હોર્મોનલ બેલેન્સ બગડી જાય તો અનેક પ્રકારની આરોગ્ય સમસ્યાઓ ઉભી થઈ શકે છે.
હોર્મોનલ અસંતુલન પાછળ ઘણા કારણો જવાબદાર હોઈ શકે છે. ખોટી ખોરાકની આદતો, વધારે તણાવ, પૂરતી ઊંઘ ન લેવી, વધેલું વજન અથવા થાઈરોઇડ જેવી સમસ્યાઓ પણ હોર્મોનના સ્તરને અસર કરી શકે છે. કેટલાક કેસોમાં પીસીઓએસ જેવી બીમારીઓ અથવા કેટલીક દવાઓના સાઈડ ઇફેક્ટ્સ પણ હોર્મોનલ બેલેન્સ બગાડે છે. આ ઉપરાંત અનિયમિત જીવનશૈલી પણ હોર્મોન પર નકારાત્મક અસર કરી શકે છે.
હોર્મોનલ અસંતુલન થાય ત્યારે શરીર કેટલાક સંકેતો આપતું હોય છે. ઘણી મહિલાઓમાં પીરિયડ્સ અનિયમિત થઈ જાય છે અથવા પીરિયડ્સ દરમિયાન વધારે દુખાવો અને બ્લીડિંગ થવા લાગે છે. કેટલીકવાર વજન અચાનક વધવા અથવા ઓછું થવા લાગે છે. વાળ વધુ પડતા પડવા લાગે છે, ચહેરા પર ખીલ, પીંપલ થાય છે અથવા ત્વચા ખૂબ ઓઈલી અથવા સૂકી થઈ શકે છે.
તે ઉપરાંત થાક લાગવો, ચિડચિડાપણું, મૂડમાં સતત ફેરફાર થવો અને ઊંઘ ન આવવી જેવા લક્ષણો પણ જોવા મળી શકે છે. લાંબા સમય સુધી હોર્મોનલ અસંતુલન રહે તો તેનો અસર પ્રજનન આરોગ્ય પર પણ પડી શકે છે. તેથી આ લક્ષણોને અવગણવાને બદલે સમયસર ધ્યાન આપવું જરૂરી છે.
જો મહિલાઓમાં હોર્મોનનું સંતુલન લાંબા સમય સુધી બગડેલું રહે તો તેના કારણે શારીરિક અને માનસિક બંને પ્રકારની સમસ્યાઓ ઉભી થઈ શકે છે. કેટલાક લોકોને ભારે પીરિયડ્સ, વધારે દુખાવો અથવા અનિયમિત માસિક જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વજનમાં ઝડપથી વધારો થવો, વાળ પડવા, ત્વચા સંબંધિત સમસ્યાઓ અને સતત થાક જેવી પરિસ્થિતિ પણ હોર્મોનલ અસંતુલન સાથે જોડાયેલી હોઈ શકે છે.
તબીબી નિષ્ણાતો જણાવે છે કે હોર્મોનલ બેલેન્સ જાળવવા માટે સૌથી પહેલા સ્વસ્થ જીવનશૈલી અપનાવવી જરૂરી છે. સંતુલિત અને પોષણયુક્ત આહાર લેવો જોઈએ જેમાં ફળ, શાકભાજી, સાબૂત અનાજ, પ્રોટીન અને હેલ્ધી ફેટનો સમાવેશ થાય. જંક ફૂડ અને વધારે મીઠી વસ્તુઓથી દૂર રહેવું પણ મહત્વનું છે.
આ ઉપરાંત નિયમિત વ્યાયામ કરવો પણ જરૂરી છે. રોજ ચાલવું, યોગ કરવો અથવા હળવો વ્યાયામ શરીરને સક્રિય રાખે છે અને હોર્મોનને સંતુલિત રાખવામાં મદદ કરે છે. પૂરતી ઊંઘ લેવી અને તણાવ ઘટાડવા માટે પ્રયત્ન કરવો પણ ખૂબ જરૂરી છે.
હોર્મોનલ આરોગ્ય સારું રાખવા માટે રોજિંદા જીવનમાં કેટલીક સરળ આદતો અપનાવવી પણ મદદરૂપ બની શકે છે. જેમ કે રોજ એક જ સમય પર સૂવું અને જાગવું. યોગ્ય સ્લીપ રુટિન શરીરમાં હોર્મોનના સંતુલન માટે મહત્વપૂર્ણ છે. કેફીન અને વધારે પ્રોસેસ્ડ ફૂડનું સેવન ઓછું કરવું પણ લાભદાયક બની શકે છે.
સાથે જ માનસિક તણાવ ઘટાડવા માટે યોગ, ધ્યાન અથવા ડીપ બ્રિધિંગ જેવી પદ્ધતિઓ અપનાવી શકાય છે. જો લાંબા સમય સુધી હોર્મોનલ અસંતુલનના લક્ષણો દેખાય તો ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે, જેથી સમયસર યોગ્ય સારવાર મળી શકે.
Milk: કેમિકલથી ભરેલું દૂધ હેલ્થ માટે જોખમ, ભેળસેળ આ રીતે ઓળખો