Rajkot : રાજકોટના શિક્ષકે બનાવી વિશ્વની સૌથી નાની હનુમાન ચાલીસા, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મેળવશે સ્થાન
સરકારી શાળાના શિક્ષક અને મીનીએચર રાઈટર એ વિશ્વની સૌથી નાની હનુમાન ચાલીસા તૈયાર કરી છે. જેને આવનારા સમયમાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળવા જઈ રહ્યું છે.
રાજકોટના એક સરકારી શાળાના શિક્ષક અને મીનીએચર રાઈટર એ વિશ્વની સૌથી નાની હનુમાન ચાલીસા તૈયાર કરી છે. આ હનુમાન ચાલીસાનું વજન માત્ર 700 મીલિગ્રામ એટલે કે પોણો ગ્રામ છે અને તેની સાઈઝ 30×5 મિલીમીટર છે. 22 પેઇજની આ હનુમાન ચાલીસા શિક્ષક અને મીનીએચર રાઈટર એ માત્ર 11 દિવસમાં જ તૈયાર કરી છે. તેનુ વજન અને સાઈઝ જાણીને ખ્યાલ આવશે કે માત્ર પોણો ગ્રામની હનુમાન ચાલીસા કેટલી સૂક્ષ્મ હોય છે. આ હનુમાન ચાલીસાને આવનારા સમયમાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળવા જઈ રહ્યું છે.
સૌથી સૂક્ષ્મ પુસ્તકો લખવાનો વર્લ્ડ રેકોર્ડ નિકુંજ વાગડીયાના નામે
રાજકોટના નિકુંજ વાગડીયાના નામે આ પહેલા પણ ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડ નોંધાયેલો છે. નિકુંજ ભાઈના નામે વિશ્વમાં સૌથી વધુ મિનીએચર બુકના નિર્માણ કરવાનો વિશ્વ રેકોર્ડ છે. નિકુંજ વાગડીયાએ આ પ્રકારની 700 જેટલી સૂક્ષ્મ બુકનું નિર્માણ કર્યું છે. જે વિશ્વમાં સૌથી વધુ મીનીએચર બુકનું નિર્માણ કર્યાનો એક વિશ્વ રેકોર્ડ છે. નિકુંજ ભાઈએ આ રીતે જ રામાયણ,મહાભારત,ભગવત ગીતા અને શિક્ષાપત્રી જેવા ધાર્મિક ગ્રંથોનું પણ સૂક્ષ્મ પુસ્તકમાં નિર્માણ કર્યું છે.
નિકુંજ ભાઈને આ પ્રકારના આવિષ્કાર બદલ 2006 અને 2009માં લિમ્કા બુક ઓફ રેકોર્ડ અને 2010માં ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે. નિકુંજ વાગડીયાએ તૈયાર કરેલી અમુક બુક તો નરી આંખે જોઈ શકવી પણ મુશ્કેલ છે. ઉપરાંત નિકુંજ ભાઈએ એક તલના દાણા પર આખી ABCD લખી છે. એક તલનો દાણો હાથમાં લેવો મુશ્કેલ છે. જેના પર નિકુંજ ભાઈએ 26 આલ્ફાબેટ્સ લખ્યા છે.
મીનીએચર આર્ટ 5 હજાર વર્ષ જૂની કળા
મીનીએચર આર્ટ એ આજકાલથી નહીં પણ આજથી 5 હજાર વર્ષ પહેલાં લખવામાં આવતી હતી. એ પછી છાપખાંના અને લાઇબ્રેરીની શોધ થતાં પુસ્તકોના ફોર્મેટ આવતા ગયા. પણ 5 હજાર વર્ષ પહેલાંની આ આપણી સંસ્કૃતિ છે એ જ સંસ્કૃતિને આગળ વધારી આપણી સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર કરી નવા ફોર્મેટમાં કલાને રજુ કરવા અને તેના થકી બાળકોને શિક્ષણ આપવા માટે વિશ્વના સૌથી સૂક્ષ્મ હનુમાન ચાલીસા તેમણે લખી છે.
તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શિક્ષણ ક્ષેત્રે સોંપી હતી મહત્વની જવાબદારી
આવતા વર્ષે દેશમાં નવી શિક્ષણ નીતિ લાગુ થવા જઇ રહી છે. તેમાં પણ નિકુંજ વાગડીયા એક મહત્વનો ભાગ છે. નિકુંજ ભાઈને આ ઉપરાંત શિક્ષણ ક્ષેત્રે તેમના સંશોધનો અંગે રાષ્ટ્રપતિ એવોર્ડ પણ મળેલો છે. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પણ નિકુંજ વાગડીયાના શિક્ષણ ક્ષેત્રે નવા વિચારોથી ખૂબ જ પ્રભાવિત હતા.
નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા તે સમયે તેમણે 2009માં સ્થાપેલી ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં પણ પીએમ મોદીએ નિકુંજ વાગડીયાને મહત્વની જવાબદારી સોંપી હતી. નવી શિક્ષણ નીતિમાં વિદ્યાર્થીને પ્રાયોગિક શિક્ષણ,અન્વેષણ આધારિત શિક્ષણ અને સર્જનાત્મક શિક્ષણ પર ભાર મૂકવામાં આવશે. તેને લઈને પણ તેઓ એક સંશોધન કરી રહ્યા છે. જે વિશે આવનારા દિવસોમાં તેઓ ખુલાસો કરવાના છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…