15 દિવસમાં વરસાદ ન પડ્યો તો સૌરાષ્ટ્રમાં પાણીની સ્થિતિ ગંભીર બનશે, ડેમોમાં આટલું જ બચ્યું છે પાણી
સૌરાષ્ટ્રના કુલ 82 ડેમો પૈકી 42 ડેમોમાં 30 ટકાથી ઓછો પાણીનો જથ્થો રહેલો છે જે ખૂબ જ ચિંતાજનક બાબત છે.
RAJKOT : રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાયો છે જેના કારણે જળ સંકટ ઘેરું બન્યું છે.શહેરના મુખ્ય જળાશયોમાં પાણીનો મર્યાદિત સ્ટોક રહેલો છે.સૌરાષ્ટ્રના 82 ડેમોમાંથી 42 ડેમોમાં 30 ટકાથી ઓછો પાણીનો જથ્થો રહેલો છે..સિંચાઇ વિભાગે દાવો કર્યો છે કે સપ્ટેમ્બર મહિના સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો રહેલો છે જેથી જો હવે વરસાદ ન થાય તો જળ સંકટ ઘેરું બની શકે છે.
42 ડેમોમાં 30 ટકાથી ઓછો પાણીનો જથ્થો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારને સૌની યોજનાનું પાણી છોડવા માટેની અપીલ કરવામાં આવી છે.. આ વર્ષે સૌરાષ્ટ્ર પર મેઘરાજા રૂઠી ગયા છે.વરસાદ નહિ પડતા રાજકોટ સહિત સૌરાષ્ટ્રમા પાણીનું સંકટ ઘેરુ બની રહ્યું છે.ગત વર્ષની સરખામણીએ વરસાદ ખૂબ જ ઓછો થયો છે જેથી દુષ્કાળના ભણકારા પણ વાગી રહ્યા છે.સૌરાષ્ટ્રના કુલ 82 ડેમો પૈકી 42 ડેમોમાં 30 ટકાથી ઓછો પાણીનો જથ્થો રહેલો છે જે ખૂબ જ ચિંતાજનક છે.સૌરાષ્ટ્રના જિલ્લા પ્રમાણે ડેમોની સ્થિતિ પર નજર કરીએ તો..
ડેમોમાં ખૂટ્યા પાણી, કેટલાક ડેમોમાં તળિયા દેખાયા રાજકોટના ડેમોમાં 36.61 ટકા, મોરબીના ડેમોમાં 34.46 ટકા, જામનગરના ડેમોમાં 33.82 ટકા દ્વારકાના ડેમોમાં 13.74 ટકા, સુરેન્દ્રનગરના ડેમોમાં 20.10 ટકા, પોરબંદર 27.80 ટકા અને અમરેલીના ડેમોમાં 0.32 ટકા પાણી બચ્યું છે.
તો રાજકોટમાં 11 ડેમો , મોરબીમાં 3, જામનગરમાં 10, દ્વારકામાં 10, સુરેન્દ્રનગરના 9, પોરબંદરના 2 અને અમરેલીના 2 ડેમોના તળિયા દેખાઈ ગયા છે.
સિંચાઇ વિભાગના એજ્યુકેટિવ ઇજનેર એસ.જી પટેલના કહેવા પ્રમાણે આ પાણીનો જથ્થો સપ્ટેમ્બર મહિના સુધી ચાલી શકે તેમ છે. જો કે ત્યારબાદ વરસાદ આવવો જરૂરી છે નહિ તો સ્થિતિ ગંભીર બની શકે છે.એટલે કે જો હવે પંદર દિવસમાં વરસાદ ન આવ્યો તો સૌરાષ્ટ્રભરમાં જળસંકટ ઉભું થઇ શકે છે.
RMCએ રાજકોટ માટે કરી નર્મદા નીરની માંગ રાજકોટ શહેરમાં પણ હવે પાણીની અછતના ભણકારા વાગી રહ્યા છે અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નર્મદાના નીર માટે રાજ્ય સરકારને પત્ર લખવામાં આવ્યો છે.રાજકોટને પુરૂ પાડતા ડેમોની સ્થિતિ પર નજર કરીએ તો આજી-1 ડેમમાં 15.90 ફૂટ, ન્યારી-1 ડેમમાં 17.70 ફૂટ, ન્યારી-2 ડેમમાં 13.60 ફૂટ, ભાદર-1 ડેમમાં 18 ફૂટ અને લાલપરી ડેમમાં 5 ફૂટ પાણી બચ્યું છે.
દરરોજ 20 મિનીટ પાણી વિતરણ માટે વ્યવસ્થા કરવામાં આવે છે જેના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારને પત્ર લખીને સૌની યોજના મારફતે નર્મદાના નીર આપવાની માંગ કરવામાં આવી છે.રાજકોટ મહાનગરપાલિકાના વોટર વર્કસ કમિટીના ચેરમેન દેવાંગ માંકડે દાવો કર્યો હતો કે જન્માષ્ટમી સુધીમાં રાજકોટમાં સૌની યોજના થકી નવા નીર આવશે જેથી રાજકોટવાસીઓને પાણીકાંપનો સામનો નહિ કરવો પડે.
15 દિવસમાં વરસાદ ન પડ્યો તો મુશ્કેલી સર્જાશે હવામાન વિભાગના કહેવા પ્રમાણે હજુ પણ સૌરાષ્ટ્રમાં સારા વરસાદની કોઇ શક્યતાઓ રહી નથી તેવામાં ડેમોમાં ઘટતું જતા પાણીનો જથ્થાએ તંત્રની ચિંતામાં વધારો થયો છે.સિંચાઇ વિભાગ સપ્ટેમ્બર સુધી પાણીની કોઇ સમસ્યા ન હોવાનો દાવો કરે છે, પરંતુ ડેડ વોટરને જોતા જો પંદર દિવસમાં વરસાદ ન પડ્યો તો સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યા ઉભી થઇ શકે છે અને સૌરાષ્ટ્રના વિસ્તારોએ સૌની યોજના થકી નર્મદાના નીર પર જ આધારે રાખવો પડશે.પ્રાર્થના કરીએ મેધરાજા જલદી રીઝે અને સૌરાષ્ટ્રને તરતોળ કરી દે.
આ પણ વાંચો : ફાર્મા સેક્ટરમાં ગુજરાતની વધુ એક સિદ્ધી, હવે ગુજરાતમાં બનશે DRDOની 2-DG દવા