ફાર્મા સેક્ટરમાં ગુજરાતની વધુ એક સિદ્ધી, હવે ગુજરાતમાં બનશે DRDOની 2-DG દવા
કેન્દ્રીય ફુડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલરે ગુજરાતમાં વડોદરાની બે ફાર્મા કંપનીઓને 2-DG દવાનું ઉત્પાદન કરવા માટે મંજૂરી આપી છે.
GANDHINAGAR : દેશમાં ફાર્મા સેક્ટરનું હબ ગણાતા ગુજરાતે ફાર્મા સેક્ટરમાં વધુ એક સિદ્ધી મેળવી છે. હવે ગુજરાતમાં DRDOની કોરોનાની દવા બનશે. DRDOની 2-DG દવાનું ગુજરાતમાં ઉત્પાદન થશે. કોવેક્સિન બાદ કોરોનાની બીજી દવા ગુજરાતમાં બનશે. DRDO ની આ દવાના ઉત્પાદન માટે ગુજરાતની બે ફાર્મા કંપનીઓને મંજુરી આપવામાં અવી છે. કેન્દ્ર સરકારે ગુજરાતની બે ફાર્મા કંપનીઓને 2-DG દવાનું ઉત્પાદન કરવા માટે મંજુરી આપી દીધી છે.
કેન્દ્રીય ફુડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલરે ગુજરાતમાં વડોદરાની બે ફાર્મા કંપનીઓને 2-DG દવાનું ઉત્પાદન કરવા માટે મંજૂરી આપી છે. 2-DG એન્ટી કોવિડ ડ્રગ્સ છે જે કોરોનાના હળવા લક્ષણો ધરાવતાં દર્દીઓ માટે ઉપયોગી બનશે.
ટુ ડીઓક્સી-ડી ગ્લુકોઝ જેને 2-DGના નામે ઓળખવામાં આવે છે.2-DG વેક્સિન કે ટેબ્લેટ નહીં પણ પાવડર ફોર્મમાં બનાવવામાં આવી છે. અત્યાર સુધી કોરોનાના દર્દીઓની સારવારમાં ટેબ્લટ કે વેક્સિનનો ઉપયોગ કરવામાં આવતો હતો પણ હવે પહેલીવાર પાવડર સ્વરુપે દવા બજારમાં આવશે. કોરોનાના હળવા લક્ષણો ધરાવતા દર્દીઓને પાણીમાં પાવડર નાંખી દવા આપી શકાશે જેથી દર્દીની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થશે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયાએ જાહેરાત કરી હતી કે ગુજરાતના અંકલેશ્વરમાં ભારત બાયોટેકની કોરોના વેક્સિન કોવેક્સીનનું ઉત્પાદન થશે. પહેલા કોરોના વેક્સિન કોવેક્સીન અને હવે કોરોનાની દવા 2-DGનું ગુજરાતમાં ઉત્પાદન થવું એ ખરેખર ગુજરાત માટે ગૌરવપૂર્ણ બાબત છે.
DRDO દ્વારા વિકસિત 2DG દવાને 8 મેના રોજ ઇમરજન્સી ઉપયોગ માટે ભારતીય ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીસીજીઆઈ) દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. ડીઆરડીઓની લેબ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુક્લિયર મેડિસિન એન્ડ એલાયડ સાયન્સે હૈદરાબાદ સ્થિત ડોક્ટર રેડ્ડી લેબના સહયોગથી 2-ડિઓક્સી-ડી-ગ્લુકોઝ તૈયાર કર્યો છે.
DRDO એ કોરોનાની બીજી લહેરમાં ઝડપથી ચેપ લાગતા કોરોના દર્દીઓમાં ઓક્સિજનના સ્તરમાં સુધારો કરતી એન્ટી કોવિડ -19 દવા 2DG લોન્ચ કરી હતી. કોરોના વિરુદ્ધની જંગમા આ દવા એક ગેમ ચેન્જર તરીકે જોવામાં આવી રહી છે. DRDO દ્વારા વિકસિત આ દવાના લોન્ચિંગ સમયે કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને તત્કાલીન આરોગ્યપ્રધાન ડો.હર્ષવર્ધન પણ હાજર હતા.
નિષ્ણાતો કહે છે કે આ દવા એક પ્રકારનો સ્યુડો ગ્લુકોઝ મોલકયુલ છે. જે કોરોના વાયરસને વધતા અટકાવે છે. આ દવા વિશ્વની કેટલીક એવી દવાઓમાંથી એક છે જે કોરોના વાયરસને શરીરમાં ફેલાતો રોકવા માટે ખાસ બનાવવામાં આવી છે. આ ઓરલ ડ્રગને કોરોના વાયરસના હળવા લક્ષણોવાળા દર્દીઓની સારવારમાં માટે મંજૂરી આપવામાં આવી છે.
આ પણ વાંચો : AHMEDABAD : સુપ્રીમ કોર્ટમાં ગુજરાત હાઈકોર્ટમાંથી પ્રથમ મહિલા જજની થઇ શકે છે નિમણૂંક