
ગુજરાતમાં આજે લોકશાહીનું પર્વ ઉજવાઈ રહ્યું છે, પરંતુ કુદરતનો પ્રકોપ મતદાન પર હાવી થતો જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી શરૂ થયેલા ઉત્સાહજનક મતદાન બાદ જેમ-જેમ સૂર્ય માથે આવ્યો, તેમ-તેમ મતદાન મથકો પર મતદારોની સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. ખાસ કરીને અમદાવાદ અને રાજકોટ જેવા મોટા શહેરોમાં ગરમીએ રેકોર્ડ તોડતા મતદાનની ગતિ મંદ પડી ગઈ છે.
| શહેર | તાપમાન | મતદાનની ટકાવારી (%) |
| અમદાવાદ | 43 ડિગ્રી | 17.12 |
| રાજકોટ | 41 ડિગ્રી | 18.30 |
| વડોદરા | 43 ડિગ્રી | 17.85 |
| સુરત | 41 ડિગ્રી | 24.21 |
| બનાસકાંઠા | 42 ડિગ્રી | 30.25 |
અમદાવાદ અને વડોદરામાં પારો 43 ડિગ્રી સુધી પહોંચતા આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા હોય તેવો અનુભવ થઈ રહ્યો છે. રાજકોટમાં પણ 41 ડિગ્રી તાપમાનના કારણે બપોરના સમયે રસ્તાઓ અને મતદાન મથકો પર સન્નાટો જોવા મળ્યો હતો. સુરતમાં દરિયાકાંઠાના કારણે ભેજવાળી ગરમીએ લોકોને પરેશાન કર્યા છે. કાળઝાળ ગરમી અને લૂના કારણે લોકોએ બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળ્યું છે, જેની સીધી અસર મતદાનની ટકાવારી પર પડી રહી છે.
કચ્છ અને સુરેન્દ્રનગર: રણકાંઠાના વિસ્તારો અને ઝાલાવાડમાં પારો 44 ડિગ્રીને પાર જવાની શક્યતા છે, જેને પગલે ત્યાં પણ ગરમીનું મોજું ફરી વળ્યું છે.
મહેસાણા અને આણંદ: ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ લૂ ફેંકાતા પારો 42 થી 43 ડિગ્રીની વચ્ચે તપી રહ્યો છે.
જામનગર અને ભાવનગર: આ વિસ્તારોમાં શુષ્ક હવામાન અને ગરમ પવનોને કારણે બફારાનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે.
અમદાવાદ કલેક્ટરે સ્પષ્ટ કર્યું છે કે મહત્તમ મતદાન થાય તે માટે વહીવટી તંત્ર તમામ પડકારો ઝીલવા સજ્જ છે. આ સાથે જ વિવિધ રાજકીય પક્ષો દ્વારા પણ આવી જ કંઈક તૈયારીઓ કરવામાં આવી છે, જેમાં પીવાના પાણીના કેમ્પર, ORS અને ગ્લુકોઝ જેવી જીવનજરૂરી સેવાઓની સુવિધા પૂરી પાડવામાં આવશે. સાથે પોતાના કાર્યકરોને મતદાન અંગે સૂચના આપી છે. મતદાતાઓ ઓછી ગરમીમાં સવારે જ મતદાન કરી લે તેવી અપીલ કરાઈ છે. મતદાન કેન્દ્રો બહાર કાપડના શેડ લગાવી અલાયદી વ્યવસ્થા કરાઈ છે. કેન્દ્ર પર શેડની વ્યવસ્થા ના હોય ત્યાં ચૂંટણી પંચે વ્યવસ્થા કરી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ સાંજ સુધી ગરમીનું જોર યથાવત રહી શકે છે. જોકે, તંત્રને આશા છે કે તાપમાન ઘટતા સાંજના સમયે ફરી એકવાર મતદારો મોટી સંખ્યામાં મતદાન કરવા માટે ઉમટી પડશે.
Published On - 2:05 pm, Sun, 26 April 26