રાજપથ-કર્ણાવતી ક્લબની બમ્પર ઓફર, મતદાન કરો અને મેળવો 25% ડિસ્કાઉન્ટ, જાણો શરતો

અમદાવાદમાં રવિવારે યોજાનારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાનની ટકાવારી વધારવા માટે શહેરની અગ્રણી ક્લબોએ કમર કસી છે. કાળઝાળ ગરમી અને 'યલો એલર્ટ' વચ્ચે મતદારોને બૂથ સુધી ખેંચી લાવવા માટે રાજપથ અને કર્ણાવતી ક્લબે સંયુક્ત રીતે 25% ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે.

રાજપથ-કર્ણાવતી ક્લબની બમ્પર ઓફર, મતદાન કરો અને મેળવો 25% ડિસ્કાઉન્ટ, જાણો શરતો
| Updated on: Apr 25, 2026 | 6:06 PM

અમદાવાદમાં એક તરફ રાજકીય ગરમાવો છે અને બીજી તરફ કુદરતી ગરમીનો પારો 45 ડિગ્રીને પાર કરી રહ્યો છે. આ સ્થિતિમાં મતદારો ઘરની બહાર નીકળવામાં આળસ ન કરે તે માટે શહેરની પ્રતિષ્ઠિત રાજપથ ક્લબ અને કર્ણાવતી ક્લબે એક પ્રશંસનીય પહેલ કરી છે. “વોટ કરો અને ડિસ્કાઉન્ટ મેળવો” ના નારા સાથે ક્લબ મેનેજમેન્ટે સભ્યો માટે લલચામણી ઓફર રજૂ કરી છે.

શાહી બતાવો અને ડિસ્કાઉન્ટ મેળવો

રાજપથ ક્લબના પ્રમુખ જગદીશભાઈ પટેલ અને સેક્રેટરી મિશાલ પટેલના જણાવ્યા અનુસાર, જે નાગરિક મતદાન કરીને પોતાની આંગળી પરની શાહી બતાવશે, તેને ક્લબમાં ખાવા-પીવાના બિલ પર સીધું 25% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ ઓફર લંચ, ડિનર અને હાઇ-ટી ત્રણેય પર લાગુ પડશે અને મતદાનના દિવસથી શરૂ કરીને કુલ ત્રણ દિવસ સુધી તેનો લાભ લઈ શકાશે.

1.25 લાખ સભ્યો સુધી પહોંચવાનો લક્ષ્યાંક

અમદાવાદની બે સૌથી મોટી ક્લબો – રાજપથ અને કર્ણાવતી ક્લબના મળીને અંદાજે 1 થી 1.25 લાખ સભ્યો છે. ક્લબ મેનેજમેન્ટને આશા છે કે આ ઓફરના કારણે માત્ર સભ્યો જ નહીં પણ તેમના પરિવારો પણ ઉત્સાહપૂર્વક મતદાન મથકો પર પહોંચશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સામાન્ય રીતે મતદાન ઓછું થતું હોય છે, ત્યારે આ પ્રકારની કોર્પોરેટ પહેલથી નવો રેકોર્ડ બનવાની શક્યતા છે.

ગરમી સામે જનજાગૃતિનો પ્રયાસ

છેલ્લા 10 દિવસથી અમદાવાદ ‘યલો એલર્ટ’ હેઠળ છે. તાપમાન 40 થી 45 ડિગ્રી વચ્ચે હોવા છતાં લોકશાહીનું પર્વ ઝાંખું ન પડે તે માટે ક્લબોએ આ અનોખું જોડાણ કર્યું છે. વહીવટી તંત્રની સાથે હવે સામાજિક સંસ્થાઓ અને ક્લબો પણ મેદાને આવતા અમદાવાદમાં રવિવારે મતદાનનો ઉત્સાહ ચરમસીમાએ જોવા મળી શકે છે.

કામની વાત: મતદાન કરવા જાવ છો, તો ગરમીથી બચવા જોડે લઈ જજો આ 5 વસ્તુઓ, ખરેખર કામ લાગશે

Published On - 5:23 pm, Sat, 25 April 26

Follow Us