અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ, સ્વર્ગસ્થ વિજય રૂપાણીના પુત્રએ કહ્યુ-કાર્યકર્તાઓ માટે તેમનું ઘર હંમેશા રહેશે ખુલ્લું, જુઓ Video

પ્લેન ક્રેશની તપાસ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ઋષભ રૂપાણીએ જણાવ્યું કે તેમને વહીવટી તંત્ર અને કેન્દ્ર સરકાર પર સંપૂર્ણ વિશ્વાસ છે. તેમણે આશા વ્યક્ત કરી કે તપાસની પ્રક્રિયા પારદર્શક રીતે આગળ વધી રહી છે અને આખરે સત્ય ચોક્કસપણે સામે આવશે.

અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ, સ્વર્ગસ્થ વિજય રૂપાણીના પુત્રએ કહ્યુ-કાર્યકર્તાઓ માટે તેમનું ઘર હંમેશા રહેશે ખુલ્લું, જુઓ Video
| Edited By: | Updated on: Jun 09, 2026 | 2:22 PM

12 જુન 2026ના રોજ અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે. આ કરુણ ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધન બાદ તેમના પરિવાર માટેનો સમય અત્યંત પીડાદાયક રહ્યો છે. દુર્ઘટનાના એક વર્ષ બાદ પ્રથમ વખત પરિવારજનોએ મીડિયા સમક્ષ પોતાની લાગણીઓ વ્યક્ત કરી છે. TV9 સાથેની ખાસ વાતચીતમાં વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણીએ છેલ્લા એક વર્ષના અનુભવો અને પરિવારની મનોદશા અંગે ખુલાસો કર્યો હતો.

“એક વર્ષ ખૂબ જ મુશ્કેલ રહ્યું”

ઋષભ રૂપાણીએ જણાવ્યું કે તેમના પરિવાર માટે છેલ્લા એક વર્ષનો સમય ખૂબ જ કપરા સંજોગોમાં પસાર થયો છે. પિતાની અચાનક વિદાયથી સર્જાયેલી ખોટને શબ્દોમાં વ્યક્ત કરવી મુશ્કેલ છે. તેમણે કહ્યું કે પરિવાર આજે પણ આ દુઃખમાંથી સંપૂર્ણપણે બહાર આવી શક્યો નથી અને આ ખોટ ક્યારેય પૂરી થઈ શકે તેમ નથી. તેમ છતાં પરિવાર ધીમે ધીમે જીવનને સામાન્ય બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.

તપાસ અહેવાલ પર વ્યક્ત કર્યો વિશ્વાસ

પ્લેન ક્રેશની તપાસ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ઋષભ રૂપાણીએ જણાવ્યું કે તેમને વહીવટી તંત્ર અને કેન્દ્ર સરકાર પર સંપૂર્ણ વિશ્વાસ છે. તેમણે આશા વ્યક્ત કરી કે તપાસની પ્રક્રિયા પારદર્શક રીતે આગળ વધી રહી છે અને આખરે સત્ય ચોક્કસપણે સામે આવશે. તેમણે જણાવ્યું કે પરિવાર પણ તપાસના અંતિમ અહેવાલની રાહ જોઈ રહ્યો છે.

સેવાકીય વારસાને આગળ વધારવાનો પ્રયાસ

ઋષભ રૂપાણીએ જણાવ્યું કે તેમના પિતા વિજય રૂપાણી હંમેશા જનસેવા અને સામાજિક કાર્યો સાથે જોડાયેલા રહ્યા હતા. તેમના આ જ સેવાકીય વારસાને જીવંત રાખવા માટે પરિવાર દ્વારા ‘વિજય રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ’ની સ્થાપના કરવામાં આવી છે. ટ્રસ્ટના માધ્યમથી શિક્ષણ, આરોગ્ય અને અન્ય સામાજિક ક્ષેત્રોમાં સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. તેમણે જણાવ્યું કે આ ટ્રસ્ટ તેમના પિતાના વિચારો અને મૂલ્યોને સમાજ સુધી પહોંચાડવાનું કાર્ય કરશે.

કાર્યકર્તાઓ માટે ઘર આજે પણ ખુલ્લું

વિજય રૂપાણીના રાજકીય જીવનનો ઉલ્લેખ કરતાં ઋષભ રૂપાણીએ કહ્યું કે તેમના પિતા હંમેશા કાર્યકર્તાઓ સાથે સીધો સંપર્ક રાખતા હતા. આજે પણ તેમના નિવાસસ્થાને આવનારા કાર્યકર્તાઓ અને શુભેચ્છકો માટે ઘરનાં દરવાજા ખુલ્લાં છે. પરિવાર સતત લોકો સાથે જોડાયેલો રહેવાનો પ્રયાસ કરી રહ્યો છે.

રાજકારણમાં પ્રવેશ અંગે શું કહ્યું?

રાજકારણમાં સક્રિય ભૂમિકા અંગે પૂછવામાં આવતા ઋષભ રૂપાણીએ જણાવ્યું કે તેઓ બાળપણથી જ ભાજપ સાથે સ્વાભાવિક રીતે જોડાયેલા છે. જોકે તેમણે સ્પષ્ટ કર્યું કે તેમને કોઈ પદ, હોદ્દો કે રાજકીય અપેક્ષા નથી. તેમનું મુખ્ય ધ્યાન હાલમાં પરિવાર અને સેવાકીય પ્રવૃત્તિઓ પર કેન્દ્રિત છે. તેમણે કહ્યું કે પાર્ટી અને વિચારધારા સાથેનો સંબંધ યથાવત્ છે, પરંતુ કોઈ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષા નથી.

પરિવારની લાગણીઓથી ભાવુક બન્યા સમર્થકો

દુર્ઘટનાના એક વર્ષ બાદ પરિવાર દ્વારા વ્યક્ત કરવામાં આવેલી લાગણીઓએ અનેક સમર્થકો અને કાર્યકર્તાઓને ભાવુક બનાવ્યા છે. વિજય રૂપાણીના રાજકીય અને સામાજિક યોગદાનને યાદ કરતાં લોકો આજે પણ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે. પરિવાર દ્વારા શરૂ કરાયેલ સેવાકીય પહેલ તેમના કાર્યને આગળ વધારવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ માનવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો- Breaking News : રાજકોટના મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નથી! જુઓ Video

Published On - 2:12 pm, Tue, 9 June 26

Follow Us