
અમદાવાદ સહિત મધ્ય ગુજરાતના લોકો માટે ફરી એકવાર મોંઘવારીના સમાચાર સામે આવ્યા છે. અદાણી CNGના ભાવમાં પ્રતિ કિલો ₹2.24નો વધારો કરવામાં આવ્યો છે. નવા વધારા બાદ હવે CNGનો ભાવ ₹86.1 પ્રતિ કિલો થયો છે. આ નવો ભાવ આજથી જ અમલમાં આવ્યો છે, જેના કારણે CNG વાહનચાલકો પર સીધી અસર જોવા મળશે. ખાસ કરીને રોજિંદા મુસાફરી કરતા લોકો માટે આ વધારો આર્થિક બોજ વધારનાર સાબિત થશે.
માહિતી મુજબ છેલ્લા થોડા સમયથી અદાણી CNGના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આ પહેલા 4 એપ્રિલે પણ પ્રતિ કિલો ₹1.5નો વધારો કરવામાં આવ્યો હતો. એટલે કે છેલ્લા દોઢ મહિનામાં કુલ મળીને અંદાજે ₹3.5 જેટલો વધારો નોંધાયો છે. સતત વધી રહેલા ભાવોને કારણે વાહનચાલકોમાં ચિંતા વધી રહી છે. ઘણા લોકો પેટ્રોલ અને ડીઝલના વધતા ખર્ચથી બચવા માટે CNG વાહનો તરફ વળ્યા હતા, પરંતુ હવે CNG પણ મોંઘી બનતા સામાન્ય જનતાનું બજેટ ખોરવાઈ રહ્યું છે.
સરકારી કંપનીઓ દ્વારા અગાઉ પેટ્રોલ, ડીઝલ અને CNGના ભાવમાં વધારો જાહેર કરવામાં આવ્યો હતો. જોકે તે સમયે અદાણીએ તરત ભાવ વધાર્યો નહોતો. પરંતુ સરકારના નિર્ણય બાદ મોડી રાત્રે અદાણી દ્વારા પણ પ્રતિ કિલો ₹2.24નો વધારો જાહેર કરવામાં આવ્યો. આ વધારાને કારણે ખાસ કરીને અમદાવાદ, સુરેન્દ્રનગર અને બાલાસિનોર જેવા વિસ્તારોમાં વધુ અસર જોવા મળશે, કારણ કે આ વિસ્તારોમાં અદાણીના CNG પંપનું નેટવર્ક સૌથી વધુ છે.
અમદાવાદ શહેરમાં મોટી સંખ્યામાં લોકો CNG વાહનોનો ઉપયોગ કરે છે. રિક્ષાચાલકો, સ્કૂલવાન ચાલકો, કેબ ડ્રાઇવરો તેમજ રોજિંદા નોકરી-ધંધા માટે મુસાફરી કરતા લોકો માટે હવે દૈનિક ખર્ચમાં વધારો થશે. એક તરફ વાહનચાલકોને ઇંધણના વધતા ભાવનો સામનો કરવો પડી રહ્યો છે, તો બીજી તરફ પરિવહન ખર્ચ વધવાથી સામાન્ય જીવન પર પણ તેની અસર પડી શકે છે.
પેટ્રોલ અને ડીઝલની સરખામણીએ CNGને અત્યાર સુધી સસ્તો અને પર્યાવરણને અનુકૂળ વિકલ્પ માનવામાં આવતો હતો. પરંતુ સતત વધી રહેલા ભાવોને કારણે હવે લોકોમાં અસંતોષ ફેલાઈ રહ્યો છે. આગામી સમયમાં ફરી ભાવ વધારો થશે કે નહીં તે અંગે પણ લોકોમાં ચિંતા જોવા મળી રહી છે.
સરકારનો મોટો નિર્ણય, પેટ્રોલના વિદેશી નફા પર લાગશે લગામ, ડીઝલ અને જેટ ફ્યુઅલ પર મોટી રાહત આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો