Valsad : વાપી ખાતે નાણાંમંત્રી કનુ દેસાઈ અને વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં ‘વાઈબ્રન્ટ ગુજરાત, વાયબ્રન્ટ વલસાડ’ સમિટ યોજાઈ
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના સફળતાપૂર્વક બે દાયકા પૂર્ણ થતાં તેના ભાગરૂપે તેમજ આગામી ‘વાઈબ્રન્ટ ગુજરાત-2024’ની પ્રિ-ઈવેન્ટ અંતર્ગત વલસાડ જિલ્લાના વાપી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ ભવન ખાતે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈ અને વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં ‘વાઈબ્રન્ટ ગુજરાત, વાઈબ્રન્ટ વલસાડ’ સમિટ યોજાઈ હતી.
વલસાડમાં વાપી ખાતે વાયબ્રન્ટ વલસાડ’ સમિટ યોજાઈ જેમાં જિલ્લાના 1005 ઉદ્યોગકારોએ રાજ્ય સરકાર સાથે રૂ.1196 કરોડના MOU કર્યા હતા. જેનાથી અંદાજે 11200 વ્યક્તિઓને રોજગારી મળશે.
આ પ્રસંગે નાણામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે, ગુજરાતનો વિકાસ કેવી રીતે કરવો એ માટે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ અનેક યોજનાઓ બનાવી રોજગારી અને લોકોની આવક વધારવા માટે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા ગુજરાતમાં વર્ષ 2003 માં સૌપ્રથમ વાર વાયબ્રન્ટની શરૂઆત કરી હતી.
એકદમ નાના પાયા શરૂ થયેલી વાઈબ્રન્ટ ગુજરાતની પહેલ આજે વિશાળ વટવૃક્ષ સમાન બનતા ગુજરાત દસમો વાઇબ્રન્ટ કરવા જઈ રહ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની હકારાત્મક ઉદ્યોગ નીતિના કારણે નવા નવા ઉદ્યોગો ગુજરાતમાં સાકાર થઈ રહ્યા હોવાનું મંત્રી એ જણાવી વધુમાં કહ્યું કે, જ્યાં શાંતિ હોય ત્યાં આર્થિક પ્રવૃત્તિ પણ વેગ પકડે છે.
વિશ્વમાં ભારતનું અર્થતંત્ર પાંચમા ક્રમે ઈંગ્લેન્ડ કરતા પણ આગળ છે અને વર્ષ ૨૦૨૭માં ભારત ત્રીજા ક્રમે હશે તેની ગેરંટી પણ વડાપ્રધાનએ આપી છે. જે માટે તમામ ઉદ્યોગપતિઓ સહભાગી થઈ રહ્યા છે. દેશના વિકાસમાં ગુજરાતના યોગદાન વિશે મંત્રીએ કહ્યું કે, આખા ભારતમાંથી જે ઈમ્પોર્ટ- એક્સપોર્ટ થાય છે એના લગભગ 38% ગુજરાતમાંથી થાય છે.
ગુજરાતમાં ઉદ્યોગો દ્વારા 18 ટકા પ્રોડક્શન થાય છે. આવી રીતે અનેકવિધ યોજનાઓ થકી ગુજરાત વિકાસક્ષેત્રે ભારતનું ગ્રોથ એન્જિન બન્યું છે. સમગ્ર દેશમાં જોઈએ તો ઔદ્યોગિક ક્ષેત્રે આપણું ગુજરાત સૌથી શ્રેષ્ઠ છે અને એટલા માટે જ દરેક દેશના અને વિદેશના ઉદ્યોગો આપણા ગુજરાતમાં આવી રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં વલસાડ જિલ્લો બેસ્ટ ડેસ્ટિનેશન છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને જિલ્લા વહીવટી તંત્ર વચ્ચે સુદઢ સંકલન અને હકારાત્મક અભિગમ છે.
વિકસિત રાષ્ટ્ર અને સ્વચ્છ ભારત નિર્માણની અપીલ કરતા મંત્રી એ કહ્યું કે, વર્ષ 2047 માં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું છે તેમાં આપણે સૌ ભાગીદાર થઈ વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવાનું છે. સાથે જ સ્વચ્છ ભારતના નિર્માણમાં પણ ફાળો આપવાનો છે. આ પ્રસંગે મંત્રીએ રાજ્ય સરકાર સાથે એમઓયુ કરનાર તમામ ઉદ્યોગકારોને અભિનંદન આપ્યા હતા.
આ પ્રસંગે મંત્રી મુકેશ પટેલે જણાવ્યું કે, ‘વાઈબ્રન્ટ સમિટ’ ગુજરાતમાં ઔદ્યોગિક ક્ષેત્રે રહેલી અપાર સંભાવનાઓને ઉજાગર કરવાનું આગવું માધ્યમ બની છે. ગુજરાતમાં નવા ઉદ્યોગો વિકસે, નવી ટેકનોલોજી અને રોજગારની નવી તકો ઉભી થાય એવા વિઝન સાથે બે દાયકા પહેલાં વડાપ્રધાનએ વાઈબ્રન્ટ સમિટનો વિચાર આપ્યો હતો. ઉદ્યોગકારોને કારણે વાપીનો વિકાસ થયો છે. બિઝનેસની સાથે તેઓ લોક સેવામાં પણ યોગદાન આપી રહ્યા છે. ગુજરાતે સમગ્ર દેશને રાહ ચીંધી છે. રાજ્ય સરકારની હકારાત્મક નીતિઓના કારણે રોકાણકારો અહીં ઉદ્યોગો સ્થાપવા આકર્ષાઈ રહ્યા છે.
આ પણ વાંચો : Valsad : લોકસભા ચૂંટણીની તૈયારીઓનો આરંભ, ઉદવાડામાં યોજાયો કોંગ્રેસનો કાર્યકર્તા સંવાદ, જુઓ Video
વાપી ગુજરાતનું ગ્રોથ એન્જિન કહેવાય છે. ઉદ્યોગો આવવાના કારણે લોકોના જીવન ધોરણમાં પણ પરિવર્તન આવ્યું હોવાનું જણાવી તેમણે પોલ્યુશન ઘટાડવા માટે ઉદ્યોગકારોને દરિયા કાંઠે મેન્ગ્રુવ્ઝ રોપવા માટે સરકાર જમીન આપશે એવી પણ ખાતરી આપી હતી. વલસાડ-ડાંગના સંસદ સભ્ય ડો.કે.સી.પટેલે વલસાડ જિલ્લાની વાપી જીઆઈડીસી એશિયાની મોટી જીઆઈડીસી હોવાનું જણાવી કહ્યુ કે, ઉદ્યોગોના કારણે હજારો આદિવાસી ભાઈઓ-બહેનોને રોજગારી મળી રહી છે. સરકારની હકારાત્મક પોલીસીને કારણે જિલ્લામાં વાપી, ઉમરગામ, સરીગામ, પારડી અને ગુંદલાવ જીઆઈડીસીની પ્રગતિ થઈ રહી છે. વધુમાં તેમણે ગુજરાત અને દેશના વિકાસ માટે નરેન્દ્ર મોદી અને ભુપેન્દ્ર પટેલના હાથ મજબૂત કરવા આહવાન કર્યુ હતું.