Vadodara: રોગચાળો હવે જીવલેણ બન્યો, શંકાસ્પદ કોલેરાથી યુવતીનું મોત થયા બાદ રાજકારણ ગરમાયું
વિપક્ષે યુવતીના પરિવારને સહાય આપવાની અને તાત્કાલિક આ વિસ્તારમાં ટેન્કરથી શુદ્ધ પાણી આપવાની માંગ કરી છે. સાથે જ ચીમકી ઉચ્ચારી છે કે આગામી સમયમાં આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આંદોલન કરવામાં આવશે.
વડોદરા (Vadodara) માં રોગચાળો (Epidemic ) હવે જીવલેણ બની ગયો છે. ખુદ મેયરના મત વિસ્તારમાં જ શંકાસ્પદ કોલેરા (cholera) થી યુવતીનું મોત થયા બાદ રાજકારણ ગરમાયું છે. મેયરના વોર્ડમાં સમાવિષ્ટ જેતલપુર રોડ પરના હરિજન વાસમાં દૂષિત પાણીને પગલે શંકાસ્પદ કોલેરાથી 20 વર્ષની યુવતીનું મોત થયું છે. જેને લઈ સ્થાનિકો સહિત વિપક્ષે સત્તાધીશોને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. કારણ કે શહેરના મહેબૂબ પુરા, આજવા રોડ સહિત અનેક વિસ્તારોમાં દૂષિત પાણી આવતું હોવાથી ઘરે-ઘરે બીમારીના ખાટલા છે. કમળો, ઝાડા-ઉલ્ટી, કોલેરા સહિતના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. એસએસજી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા કતારો જોવા મળે છે. સવારે અને સાંજે ઓપીડીના સમય દરમિયાન દર્દીઓના ખચોખચ લાઈનો જોવા મળે છે. આંકડાની વાત કરીએ તો 11થી 18 જુલાઈ સુધી મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના 2 હજાર 253 કેસ નોંધાયા છે. જ્યારે SSG હોસ્પિટલના વિવિધ 7 વોર્ડમાં 197 જેટલા દર્દીઓ સારવાર આપવામાં આવી રહી છે. બીમાર દર્દીઓના સગાની માંગ છે કે તેમના વિસ્તારમાં તાત્કાલિક શુદ્ધ પાણીની વ્યવસ્થા કરવામાં આવે નહીં તો સ્થિતિ વધારે વણસે તેમ છે.
તો બીજીતરફ શંકાસ્પદ કોલેરાથી યુવતીના મોત અને વધી રહેલા રોગચાળાને લઈ રાજકારણ ગરમાયું છે. વિપક્ષનો આક્ષેપ છે જે વિસ્તારમાં યુવતીનું મોત થયું છે તે મેયરના વિસ્તારમાં દોઢ વર્ષથી કાળુ દુર્ગંધયુક્ત પાણી આવે છે. પાણી અડવાથી પણ ચામડીના રોગ થાય તેવી સ્થિતિ છે.. તેમ છતાં મેયર તેમના વિસ્તારના લોકોનો પોકાર સાંભળ્યો નથી. વિપક્ષે યુવતીના પરિવારને સહાય આપવાની અને તાત્કાલિક આ વિસ્તારમાં ટેન્કરથી શુદ્ધ પાણી આપવાની માંગ કરી છે.. સાથે જ ચીમકી ઉચ્ચારી છે કે આગામી સમયમાં આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આંદોલન કરવામાં આવશે.
તો બીજીતરફ વડોદરા શહેરના મેયર લાજવાને બદલે ગાજી રહ્યા છે.. મેયર કેયુર રોકડિયા સબ સલામતના દાવા કરી રહ્યા છે. આતરફ સયાજી હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉક્ટર રંજન ઐયરે દાવો કર્યો છે કે ઝાડાઉલ્ટી, ડેન્ગ્યુ, ચિતકનગુનિયા, મેલેરિયા સહિતના રોગચાળામાં સામાન્ય વધારો જોવા મળ્યો છે.
મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોના દર્દીઓની સંખ્યામાં વધારો થયો હોવા મુદ્દે SSG હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેનડેન્ટ ડૉ. રંજન ઐયરે જણાવ્યું કે દૂષિત પાણીને કારણે કોલેરાના કેસો વધતા હોય છે. દર્દીઓની સંખ્યા વધી રહી છે, કેટલાક વોર્ડ દર્દીઓથી ભરાઈ ગયા છે. દર્દીઓને હાલાકી ના પડે તે માટે અમે વ્યવસ્થા ગોઠવી રહ્યા છીએ.