સોખડા હરિધામ વિવાદ વિદેશમાં પહોંચ્યો, અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા મંદિરમાં પ્રવેશ ન અપાતા પ્રેમ સ્વરૂપ સ્વામીએ જાહેર માર્ગ પર દંડવત કર્યા, જુઓ વીડિયો
Sokhda Haridham Vivad: વડોદરાના સોખડા મંદિરના પ્રેમ સ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી જૂથનો વિવાદ અમેરિકા સુધી પહોંચી ગયો છે. સત્સંગ માટે અમેરિકા પહોંચેલા સોખડા હરિધામના પ્રેમ સ્વરૂપ સ્વામીને ન્યુ જર્સીમાં મંદિરમાં પ્રવેશ કરતા રોકવામાં આવતા સ્વામીએ જાહેર માર્ગ પર મંદિર સમક્ષ સાષ્ટાંગ દંડવત કર્યા હતા.
વડોદરાના સોખડા હરિધામ (Sokhda Haridham)ના પ્રેમ સ્વરૂપ સ્વામીને વિદેશની ધરતી પર કડવો અનુભવ થયો છે. સત્સંગ માટે અમેરિકાના ન્યુજર્સી પહોંચેલા પ્રેમ સ્વરૂપ સ્વામીને ન્યુજર્સી મંદિરમાં પ્રવેશતા સુરક્ષાકર્મીઓએ અટકાવ્યા હતા. ત્યારબાદ પ્રેમસ્વરૂપ સ્વામીએ જાહેર માર્ગ પર મંદિર સમક્ષ દંડવત પ્રણામ કરી દર્શન કર્યા હતા. પ્રેમ સ્વરૂપ (Prem Swaroop) જૂથના સભ્યોએ યોગી ડિવાઈન સંસ્થા વિરુદ્ધ ન્યુજર્સીની કોર્ટમાં દાવો દાખલ કરતા વિવાદ થયો છે. પ્રેમ સ્વરૂપ સ્વામીના જૂથ દ્વારા 13 જૂલાઈએ દાખલ કરેલ કેસના પગલે અમેરિકામાં પણ પ્રબોધ સ્વામી (Prabodh Swami) અને પ્રેમ સ્વરૂપ સ્વામી જૂથ આમને સામને આવી ગયા છે.
અમેરિકામાં વકરેલા વિવાદનો વીડિયો વાયરલ
આપને જણાવી દઈએ છેલ્લા લાંબા સમયથી સોખડા હરિધામ મંદિરમાં પ્રેમ સ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી જૂથ વચ્ચે સત્તા માટેની સાઠમારી ચાલી રહી છે. જેમા પ્રેમ સ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી જૂથ આમને સામને આવી જતા બંને દ્વારા હાઈકોર્ટમાં પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે. હાલ અમેરિકાનાં વકરેલા વિવાદનો વીડિયો સામે આવ્યો છે જેમા પ્રેમ સ્વરૂપ સ્વામીને ન્યુજર્સી મંદિરમાં પ્રવેશ કરવા દેવામાં ન આવ્યો.
મંદિરમાં પ્રવેશ ન મળતા પ્રેમ સ્વરૂપ સ્વામીએ જાહેર માર્ગ પર જ દંડવત કરી દર્શન કર્યા હતા. રોડ પર દંડવત કરતા પ્રેમ સ્વરૂપ સ્વામીનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. હકીકતમાં પ્રેમ સ્વરૂપ સ્વામીના જૂથે ન્યુજર્સીની કોર્ટમાં યોગી ડિવાઈન સોસાયટી વિરુદ્ધ દાવો દાખલ કર્યો હતો અને તે બાદ જ ન્યુજર્સીમાં વિવાદ થયો હોવાનુ પણ કહેવામાં આવી રહ્યુ છે.
હરિપ્રસાદ સ્વામીના નિધન બાદથી ચાલી રહ્યો છે વિવાદ
સોખડા હરિધામનો વિવાદ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે. આ મામલે અનેક ઉતાર ચડાવ આવી ચુક્યા છે. હાલ સમગ્ર મામલો હાઈકોર્ટ સુધી પહોંચી ગયો છે. આપને જણાવી દઈએ કે સોખડામાં પ્રેમ સ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી એમ બે જૂથ છે. હરિભક્તો પણ બે જૂથમાં વહેંચાયેલા છે જેમા કેટલાક પ્રેમ સ્વરૂપ સ્વામી જૂથની તરફેણમાં છે જ્યારે કેટલાક પ્રબોધ સ્વામી જૂથમાં સામેલ છે. હરિપ્રસાદ સ્વામીના નિધન બાદ આ જૂથવાદ વધ્યો અને સામસામે અનેક આક્ષેપ કરતા વિવાદ વકર્યો હતો.
એક ચર્ચા પ્રમાણે હરિપ્રસાદ સ્વામીએ પ્રેમ સ્વરૂપ સ્વામી અને ત્યાગવલ્લભ સ્વામીને સંચાલનની જવાબદારી સોંપી છે. જો કે હરિધામમાં એક જૂથ પ્રબોધ સ્વામીને ગુણાતી માને છે તો પ્રેમ સ્વરૂપ સ્વામીના સંતો-ભક્તો પ્રબોધ સ્વામીને ગુરુપદે સ્વીકારવા તૈયાર નથી. હરિપ્રસાદ સ્વામી તેમની હયાતીમાં કથિત જૂથવાદ સામે લાલ આંખ કરી ચુક્યા છે. ખુદ હરિપ્રસાદ સ્વામી પણ અનેકવાર ગુણાતીત બીજું કોઈ નથી એવું નિવેદન આપી ચૂક્યા છે. પરંતુ સત્તા માટેની આ સાઠમારીમાં બંને પક્ષોમાંથી એકપણ નમતુ જોખવા તૈયાર નથી અને વિવાદ યથાવત છે.
ઈનપુટ ક્રેડિટ- યુનુસ ગાઝી- વડોદરા