અમદાવાદ સિવિલની અનોખી સિદ્ધિ, માત્ર બે મહિનામાં 5 બાળક પર બ્લેડર એક્સ્ટ્રફીની અતિ જટિલ સર્જરી કરાઈ

|

Apr 21, 2021 | 10:28 PM

સમગ્ર એશિયામાં અત્યાર સુધીમાં એકમાત્ર અમદાવાદ સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રીક સર્જરી વિભાગને જ અમેરિકાની સંસ્થા એસોસિએશન ઓફ બ્લેડર એક્સ્ટ્રફી કમ્યૂનિટી તરફથી ‘સેન્ટર ઑફ એક્સેલન્સ’ તરીકેની માન્યતા મળેલી છે.

અમદાવાદ સિવિલની અનોખી સિદ્ધિ, માત્ર બે મહિનામાં 5 બાળક પર બ્લેડર એક્સ્ટ્રફીની અતિ જટિલ સર્જરી કરાઈ

Follow us on

એક તરફ આખું વિશ્વ કોવિડ-19ની મહામારી સામે ઝઝૂમી રહ્યું હતું, એવા કપરા સમયમાં પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગે જાન્યુઆરીથી માર્ચ મહિના સુધીના કોરોનાના કપરા કાળ વચ્ચેના ગાળામાં જ પાંચ બાળકો પર બ્લૅડર એક્સ્ટ્રફી/ ઍપિસ્પેડિઅસની અતિ જટિલ સર્જરીઝ કરીને અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. સમગ્ર ભારતમાં આ ઓપરેશન કરવાની ક્ષમતા આંગળીના વેઢે ગણાય એટલી જ સંસ્થાઓ ધરાવે છે, જે પૈકીની એક અમદાવાદ સિવિલ હોસ્પિટલ છે, જે સમગ્ર ગુજરાત માટે ગૌરવરૂપ ઘટના છે.

 

સામાન્ય રીતે ખાનગી હોસ્પિટલોમાં આ પ્રકારની જટીલ સર્જરીઝનો ખર્ચ રૂ. 10 લાખ જેટલો વધારે હોઈ શકે છે, જે દેખીતી રીતે કોઈ જ ગરીબ પરિવારને ન પરવડે. પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આ સર્જરી નિઃશુલ્ક થાય છે, જે સમગ્ર ગુજરાત માટે ગૌરવ લેવા જેવી બાબત છે. અમદાવાદ સિવિલમાં ટૂંકાગાળામાં બ્લૅડર એક્સ્ટ્રફી/ ઍપિસ્પેડિઅસના પાંચ ઓપરેશન થવા એક વિરલ સિદ્ધિ છે કારણ કે બ્લૅડર એક્સ્ટ્રફીએ યુરોલોજીને લગતી જન્મજાત સમસ્યાઓ પૈકીની સૌથી ખરાબ અને સૌથી જટીલ સમસ્યા છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

 

આ સમસ્યા આશરે 60,000 પૈકી એક દર્દીમાં જોવા મળે છે. આ સમસ્યા કેટલી જટીલ છે તેનો ખ્યાલ એ વાત પરથી મળી શકે કે એમાં પેશાબની કોથળી પેટની બહાર હોય છે અને ખુલ્લી હોય છે અને પેટ ઉપર સતત પેશાબના ટીપા પડ્યા કરે છે. આ ઉપરાંત ઈન્દ્રિયનો હિસ્સો પણ ખુલ્લો હોય છે. આટલેથી જ વાત અટકતી નથી. આ સમસ્યામાં બાળ દર્દીની જાતિ સ્ત્રી હોય કે પુરુષ, તેના બાહ્ય જનનાંગનો આકાર કઢંગો થઈ જાય છે.

 

 

પેલ્વિક બૉન્સ અને સ્નાયુઓમાં પણ ખામી સર્જાય છે. બ્લૅડર એક્સ્ટ્રફીનું ઓપરેશન ખુબ જ જટીલ અને અઘરું ગણાય છે અને આ ઓપરેશનમાં સ્પેશિયલાઈઝ્ડ સર્જન્સ, એનેસ્થેટિસ્ટ્સ તથા ઓર્થોપેડિક વિભાગના નિષ્ણાતોની પણ આવશ્યક્તા હોય છે. આ સર્જરી 8-10 કલાક સુધી ચાલે છે. ઓપરેશન પછી પણ દર્દીને 35-40 દિવસ સુધી હોસ્પિટલમાં રહેવું પડે છે.

 

છેલ્લાં 12 વર્ષથી દર વર્ષે અમેરિકન ડોક્ટર્સ સાથે મળીને અમદાવાદ સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક્સ વિભાગમાં આ સર્જરીનો કેમ્પ કરવામાં આવે છે. છેલ્લાં 12 વર્ષમાં કેમ્પ દરમિયાન અને કેમ્પ સિવાય અમદાવાદ સિવિલમાં આ પ્રકારના 250થી વધારે ઓપરેશન થયા છે. આવા લાભાર્થી દર્દીઓમાં ગુજરાત જ નહીં પણ દેશભરના 13-14 રાજ્યના દર્દીઓ પણ સામેલ છે.

 

અત્યાર સુધીમાં નેપાળ, બાંગ્લાદેશ અને શ્રીલંકાના દર્દી પણ આ સર્જરીનો લાભ લઈ ચૂક્યા છે. અમદાવાદ સિવિલના બાળરોગ સર્જરી વિભાગે આ સર્જરીમાં કઈ કક્ષાની વિશેષજ્ઞતા પ્રાપ્ત કરી છે તેનો ખ્યાલ એના પરથી મળી શકે કે અમેરિકાની સંસ્થા એસોસિએશન ઓફ બ્લેડર એક્સ્ટ્રફી કમ્યૂનિટીએ જાન્યુઆરી 2020માં અમદાવાદ સિવિલના બાળ સારવાર વિભાગને સેન્ટર ઓફ એક્સેલન્સનો પ્રતિષ્ઠિત ઓળખ પ્રદાન કરી છે.

 

 

આ એનજીઓ દ્વારા અત્યાર સુધીમાં કેવળ અમેરિકાની આરોગ્ય સંસ્થાઓને જ સેન્ટર ઑફ એક્સેલન્સ તરીકેની માન્યતા પ્રદાન થતી આવી હતી. ભારત સહિત સમગ્ર એશિયામાં અત્યાર સુધીમાં એકમાત્ર અમદાવાદ સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રીક સર્જરી વિભાગને જ આ માન્યતા મળી છે. આ સર્જરીઝ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના વડા અને પ્રોફેસર ડૉ. રાકેશ જોષી, એસોસિએટ પ્રોફેસર ડૉ. જયશ્રી રામજી તથા તેમની ટીમ દ્વારા ઓર્થોપેડિક તથા ઍનિસ્થીઝયા વિભાગના નિષ્ણાતોના સાથ-સહકાર વડે સંપન્ન કરાઈ હતી. સર્જરીઝનો ઑર્થોપૅડિક પાર્ટ ટીમના વડા ડૉ. પીયૂષ મિત્તલ અને તેમની ટીમે સંભાળ્યો હતો, જ્યારે ઍનિસ્થીઝયા ટીમનું સુકાન ડૉ. ભાવના રાવલે સંભાળ્યું હતું.

 

ઓપરેશન કરાયેલા પાંચ બાળ દર્દીમાં 9 મહિનાથી લઈને બે વર્ષ સુધીની વયની ત્રણ બાળા અને બે વર્ષથી લઈ 8 વર્ષ સુધીની વયના બે છોકરાનો સમાવેશ થાય છે. આ પાંચ બાળકો ગુજરાત, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના વિભિન્ન ભાગોમાંથી અમદાવાદ સિવિલમાં આવીને સારી અને નિઃશુલ્ક સારવાર પામ્યા છે. આ પૈકીના ત્રણ બાળકને સર્જરી બાદના 40 દિવસના હોસ્પિટલાઈઝેશન દરમિયાન સારા પરિણામ જણાતા રજા આપી દેવાઈ છે, જ્યારે બાકીના બે દર્દી બાળરોગ સર્જરી વિભાગમાં ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફની સમર્પિત ટીમની કાળજી-દેખરેખ હેઠળ ઝડપી રિકવરી પામી રહ્યાં છે.

 

આ પણ વાંચો: Ahmedabad: સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ઓક્સિજનનો પુરવઠો વિક્ષેપરહિત મળી રહે તે માટે યુદ્ધના ધોરણે કાર્યવાહી

Next Article