True Story: કચ્છની એ લૂંટમાં આતંકનો ઓછાયો દેખાતા ATS અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દોડતી થઈ ગઈ, વાંચો ઓપરેશનની એ રાતની કહાની

‘સાહેબ, હરિયાણાના એક બાતમીદારે બાતમી આપી છે કે, ત્યાંની એક ગેંગ આપણે ત્યાં ફાઇનાન્સ કંપનીને લૂંટવાનો પ્લાન બનાવે છે!’ આ સાંભળતા જ પી.આઇના ભવા ચડી ગયા.

True Story: કચ્છની એ લૂંટમાં આતંકનો ઓછાયો દેખાતા ATS અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દોડતી થઈ ગઈ, વાંચો ઓપરેશનની એ રાતની કહાની
File Picture (Parikshita Rathod)
Follow Us:
Mihir Bhatt
| Edited By: | Updated on: Jul 23, 2021 | 2:17 PM

સત્ય ઘટના:

True Story:  ફેબ્રુઆરી માસની ફુલગુલાબી ઠંડીનો માહોલ હતો. સૂર્યનારાયણ તો સાંજે સાડા છ વાગ્યાના આથમી ચૂક્યા હતા. આદીપુર(Adipur)ના ભરચક વિસ્તારમાં આવેલી એસ.ઓ.જી (Special Operation Group)ની ઓફિસમાં પોલીસ ઇન્સ્પેક્ટર જે.પી જાડેજા પોતાની રિવોલ્વિંગ ચેરની સામે બીજી એક પ્લાસ્ટિકની ખુરશી પર પગ લંબાવી નિરાંતે ન્યૂઝ ચેનલ(News Channel) જોતાજોતા તંદ્રામાં સરી પડ્યા હતા. ન્યૂઝ ચેનલમાં કોઇ લૂંટના ન્યૂઝ આવતા તેમને પોતાના વિસ્તારમાં બનેલી એક લૂંટ યાદ આવી ગઇ અને તે માટે કરેલી તપાસની યાદોમાં તે લગભગ ખોવાઇ ગયા હતા.

એક ટ્યૂબલાઇટ અને જુનવાણી પંખા નીચે બેઠેલા પી.આઈ. જાડેજા સામે ટીવી તો ચાલુ હતુ પણ હવે તેમાં શું આવી રહ્યું છે તે તેમને ધ્યાન ન હતુ. ત્યાંજ ચેમ્બરના દરવાજા પર ટકોર થતાં તંદ્રા તુટી. દરવાજો ખખડાવી કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ સાદા કપડામાં ચેમ્બરમાં પ્રવેશ્યા અને સલામભરી. પી.આઈ. જાડેજા પણ નિરાંતની પળોને આટોપતા હોય તેમ પ્લાસ્ટિકની ખુરશી પરથી પગ ઉતારતા પોતાની આગળના ટેબલ બાજુ એલર્ટ મોડમાં આવી ગયા.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

ઉપેન્દ્રસિંહે કહ્યું, ‘સાહેબ, હરિયાણાના એક બાતમીદારે બાતમી આપી છે કે, ત્યાંની એક ગેંગ આપણે ત્યાં ફાઇનાન્સ કંપનીને લૂંટવાનો પ્લાન બનાવે છે!’ આ સાંભળતા જ પી.આઇના ભવા ચડી ગયા. સાથે જ વીજળીવેગે એક વિચારે તેમને સ્તબ્ધ કર્યા કે આ ત્રણ મહિના પહેલાં થયેલી લૂંટને અંજામ આપનારી ગેંગ તો નહીં હોયને? પી.આઈ. જાડેજાના ચહેરાના હાવભાવ અને બે ઘડીની સ્તબ્ધતાએ જાણે ટેલીપેથીનું કામ કર્યું. ઉપેન્દ્રસિંહને પણ આવો જ વિચાર પી.આઈ. જાડેજાની સામે ઓચિંતા આવી ગયો. બાતમીદારે જ્યારે લૂંટના આયોજનની બાતમી આપી ત્યારે તેમને ત્રણ મહિના પહેલા થયેલી લૂંટની ઘટના યાદ નહોતી આવી.

પણ પી.આઈ. જાડેજા સમક્ષ જ્યારે તેમણે આ બાતમી કહી ત્યારે તેમને પણ જોગાનુજોગ આ વિચાર હચમચાવી ગયો. જાડેજા વધુ એલર્ટ થતાં બોલ્યા કઇ ગેંગ છે? બાતમીદારને ક્રોસ વેરિફાઇ કરો, આદીપુર વાળી લૂંટમાં એમનો કોઇ રોલ છે? પોલીસ વિભાગમાં બાતમીદારનું નામ બીજા પોલીસકર્મી પાસેથી નહીં જાણવાનો કે નહીં પુછવાનો એક રિવાજ છે. બાતમીદારનું નામ સિનિયર અધિકારીઓ પણ ભાગ્યેજ જાણવાનો પ્રયાસ કરતા હોય છે અને આ આમાન્યા કહો કે ગુપ્તતા આજે પણ જળવાતી આવી છે.

પણ હા, બાતમીદારને પોલીસ ક્રોસ વેરિફાઇ એટલા માટે કરતી હોય છે કે, તે પોતાની અંગત દુશ્મનાવટ કાઢવા કોઇ નિર્દોષને ના ફસાવી દે. તેનું એક કારણ એ પણ છે કે, પોલીસના બાતમીદારોમાં મોટાભાગના ગુનેગાર જ હોય છે. એક ગુનેગાર અદાવતમાં બીજાને ફસાવી દેવા ક્યારેક પોલીસને ખોટી બાતમી આપી ફસાવવાનો પ્રયાસ પણ કરતા હોય છે.

પી.આઈ. જાડેજાએ ક્રોસ વેરિફાઇ કહીને જે ઇશારો કર્યો તે ઉપેન્દ્રસિંહ સમજી ગયા. આમ છતાં તેમણે પી.આઈ. જાડેજાને કહ્યું, સાહેબ, હરિયાણાથી ગુજરાતની જે લાઇન છે તેનો વિશ્વાસુ બાતમીદાર છે. આ ‘લાઇન’ શબ્દનો મતલબ હતો કે, હરિયાણાથી ગુજરાતમાં જે દારૂ ઘુસાડાય છે તે દારૂની ઘુસણખોરીના રૂટની બાતમી આ જ બાતમીદારે અનેકવાર આપેલી છે અને તે વિશ્વાસુ છે. ઉપેન્દ્રસિંહ પણ વર્ષોના પોલીસખાતાના જાણકાર. તેમની ઇમાનદારી અને બાતમીદારોના નેટવર્કને પી.આઈ. જાડેજા પણ જાણતા હતા. જાડેજાએ કહ્યું, ‘તો એને તાત્કાલીક અહીં બોલાવો, એકવાર રૂબરૂ વાત કરી લઇએ.’

ઉપેન્દ્રસિંહે બીજા દિવસે સવારે બાતમીદારને વિશ્વાસમાં લીધો અને સારા એવા રૂપિયાની ઓફર કરી. રૂપિયાની લાલચમાં બાતમીદાર બીજા દિવસે ટ્રેનમાં કચ્છ આવવા નીકળી ગયો. આ બાજુ આ બાતમીએ પી.આઈ. જાડેજા અને કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહને બેચેન કરી નાખ્યા હતા. પી.આઈ. જાડેજાએ મનોમન નિશ્ચય કર્યો કે, જો બાતમી સાચી હશે તો હવે લુટારુઓ બીજી કોઇ લૂંટ માત્ર કચ્છમાં જ નહીં, પણ આખા ગુજરાતમાં નહીં કરી શકે. સાથે જ તેમને બાતમીદારને મળીને ત્રણ મહિના પહેલાંની લૂંટની વાત જાણવી હતી….ત્રણ મહિના પહેલાં ધોળા દિવસે થયેલી આ એવી લૂંટ હતી જેનાથી ગુજરાત પોલીસ પર નિષ્ફળતાનો બટ્ટો લાગ્યો હતો.

લૂંટ કોણે કરી? કેમ કરી? આવા અનેક સવાલોના જવાબ અકબંધ હતા. સ્વાભાવિક હતુ કે, ત્રણ મહિનાથી આરોપીઓ પકડાયા નહોતા, માટે કચ્છ પોલીસ પર નિષ્ફળતાના માછલાં ધોવાયા હતા. બીજી તરફ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ગુજરાત એટીએસ પણ આ લૂંટના ગુનાનાં ભેદને ઉકેલવા તપાસમાં જોતરાઇ ગઇ હતી. ભૂતકાળમાં આતંકવાદીઓએ ફંડ (રૂપિયા) એકઠું કરવા માટે લૂંટ કર્યાના બનાવ બન્યા હતા. આ ત્રણ મહિના પહેલાની કેશવાન લૂંટની ઘટનામાં એટીએસની તપાસ થતાં જ મીડિયાકર્મીઓ પણ અલગ અલગ કયાસ કાઢવા લાગ્યા હતા

ત્રણેક મહિના પહેલા તા. 29-10-2019ની ઘટના: ગાંધીધામના આદીપુરના બજારની. ભાઇબીજની બપોર હતી. કચ્છના મૂળ નિવાસીઓ દિવાળી ઉજવવા પોતાના વતન આવ્યાં હતાં, તો એવા લાખો પર્યટકો પણ હતા જે કચ્છમાં દિવાળીની રજા દરમિયાન વેકેશન માણવા આવ્યાં હતા. દિવાળીને હજુ બે જ દિવસ વિત્યા હતા, સમગ્ર જિલ્લામાં શાંતિનો માહોલ હતો. કચ્છના ડીસીપી પરીક્ષીતા રાઠોડ તેમની ચેમ્બરમાં બેઠા હતા. સવારે તેમણે કચ્છ એલ.સી.બીના પી.આઈ. જે.પી જાડેજાને પોતાની ઓફિસ આવવા મેસેજ આપ્યા હતો. જિલ્લામાં ક્રાઇમની કોઇ મોટી ઘટના નહોતી. માટે ડીસીપી રાઠોડ હવે વોન્ટેડ ગુનેગારોને પકડીને જુના ગુના ઉકેલવાનું ટીમને નવું એસાઇમેન્ટ આપવાના હતા.

ગાંધીધામ સ્થિત કચ્છ પૂર્વ પોલીસ વડાની ઓફિસમાં પરીક્ષીતા રાઠોડના ટેબલ પર કેટલીક પેન્ડિંગ ફાઇલો પડી હતી, ચેમ્બરમાં પહેલેથી બેઠેલા અંજારના Dy.SP ડી.એસ વાઘેલા અને હેડ ક્વાર્ટર Dy.SP વી.આર પટેલ સાથે વાતો કરતા કરતા પરીક્ષીતા રાઠોડ ફાઇલોમાં સહી પણ કરી રહ્યાં હતા. બપોરના લગભગ ૨ વાગ્યા હતા. એલ.સી.બીના પોલીસ ઇન્સ્પેક્ટર જે.પી જાડેજા ડીએસપી પરીક્ષીતા રાઠોડની ચેમ્બરમાં પ્રવેશ્યા અને સલામ કરી. પરીક્ષીતા રાઠોડે પી.આઈ. જાડેજાને આવકાર્યા અને બેસવા કહ્યું. સાવ સામાન્ય દિવસ હતો અને જિલ્લામાં શાંતિ હતી. માટે ડીસીપીને પણ નવું એસાઇમેન્ટ આપવાની કોઇ ઉતાવળ ન હતી.

એક DSP, બે Dy.SP અને એક PI હવે જિલ્લાની સ્થિતિ અંગે ચર્ચા કરતા હતા. થોડીવારમાં પરીક્ષીતા રાઠોડે ચાલુ ચર્ચાએ પ્યૂન માટે બેલ માર્યો અને ચારેય અધિકારીઓ માટે કોફી મંગાવી. પરીક્ષીતા રાઠોડે બે ઝેરોક્ષ કોપી પી.આઈ. જાડેજાને આપતા કહ્યું, ‘આમાં એકમાં વોન્ટેડ આરોપીઓનું લિસ્ટ છે અને બીજામાં જિલ્લાના અનડિટેક્ટ ગુનાનું લિસ્ટ. એના પર મહેનત કરવી છે’. PI જાડેજા હજુ લિસ્ટ ઉપર નજર નાંખી રહ્યાં હતા ત્યાં ગરમાગરમ કોફી આવી ગઇ.

અધિકારીઓ કોફીની પહેલી ચૂસ્કી ભરે તે પહેલાં પી.આઇ જાડેજાના ફોન પર એક અજાણ્યા નંબરથી ફોન રણક્યો. સામે જિલ્લા પોલીસ વડા બેઠાં હતા માટે અજાણ્યા નંબર પર વાત કરવાનું ટાળતા તેમણે ફોન કટ કર્યો. ફોન કટ કરતા જ તે જ નંબરથી ફરી ફોન આવ્યો. ડીએસપી પણ હળવા મુડમાં હતા તેમણે સામેથી કહ્યું કરી લો વાત…જાડેજાએ ફોન કાને ધર્યો અને બીજો હાથ ફોનના સ્પિકર પાસે આડસ રાખતા ટેકવ્યો જેથી શાંત ઓફિસમાં તેમનો પોતાનો અવાજ મોટો ન સંભળાય અને અધિકારીની આમાન્યા પણ જળવાઇ રહે.

ધીમા અવાજે જાડેજા ‘હલ્લો’ બોલ્યાં ત્યાંતો સામે છેડેથી હાંફળાફાંફળા થઇ વાત કરતા અજાણ્યા શખ્સે પોતાનું નામ આપવાની પણ રાહ ન જોઇ અને બોલ્યો, ‘સાહેબ જલ્દી આવો, અહીં આદીપુરમાં ફાયરિંગ થયું છે. જાડેજા બોલ્યા હું જોવડાવું છું’. માંડ 15 સેકન્ડના તેમના કોલ દરમિયાન બીજો એક કોલ વેઇટિંગમાં આવ્યો. આ બીજો નંબર ઉપાડતા બીજા શખ્સે પણ એટલા જ ગભરાયેલા અવાજમાં કહ્યું, ‘સાહેબ, આદીપુર બજારમાં ગોળીબાર થયા છે. બહુ ફાયરિંગ થયા છે. જલ્દી આવો’.

પી.આઈ. જાડેજાનું કચ્છમાં બાતમીદારો સહિત સ્થાનિક લોકો સાથેનું નેટવર્ક મજબૂત હતુ. તેમણે ફોન કાપતા જ સામે બેઠેલા ડીએસપીને કહ્યું, આદીપુરમાં ગોળીબાર થયો છે. પરીક્ષીતા રાઠોડે લેન્ડ લાઇન ફોન જોડ્યો અને કંટ્રોલમાં વાત કરી. તેમને પણ ગોળીબાર થયાની વાતનું સમર્થન મળ્યું. પરીક્ષીતા રાઠોડે પોતાનો મોબાઇલ ઉપાડ્યો અને સ્થાનિક પી.આઈ. સાથે વાત કરવા નંબર સર્ચ કર્યો.

પંરતું, અનુભવ કહો કે કોઠાસુઝ, જે.પી જાડેજા બોલ્યા, સાહેબ, હું રૂબરૂ જતો આવું છું. ગંભીર લાગે છે! (પોલીસ વિભાગમાં મહિલા પોલીસ અધિકારીઓને પણ તેમના તાબાના અધિકારીઓ સાહેબ કહીને જ સંબોધે છે). પરીક્ષીતા રાઠોડે ‘હા’માં માથુ હલાવ્યું અને જાડેજા ખુરશીમાંથી ઊભા થઇ સલામ ભરતા હાથમાં બે ઝેરોક્ષ કોપી સાથે તેમની ઓફિસની બહાર નીકળી ગયા.

બપોરના લગભગ ૩ વાગી ગયા હતા. આદીપુર બજારમાં આવેલા એક એટીએમ સેન્ટર પર પૈસા ભરવા આવેલી કેશ વાનનાં સિક્યુરિટી ગાર્ડ અને બે એન્જિનિયરને અર્ટીગા કારમાં આવેલા ત્રણ લુટારુઓએ ગોળી મારી લૂંટ ચલાવી હતી. લુટારુઓએ ભરબપોરે ભરબજારમાં લોકોને ડરાવવા બીજા આઠ-નવ રાઉન્ડ ગોળીબાર કર્યા હતા જેનાથી વિસ્તારના વેપારીઓમાં રીતસરનો ફફડાટ હતો. સ્થાનિક લોકોથી ભરેલા બજારમાં ગોળીબારની ઘટનાથી વેપારીઓએ ટપોટપ શટર પાડી દીધા હતા. પોલીસ આવે તે પહેલા તો ઘટનાસ્થળની આસપાસની દુકાનો બંધ થઇ ગઇ હતી.

‘તમાશાને તેડુ ન હોય’ તેમ લોકો પણ આજુબાજુ ટોળે વળી ગયા હતા. સ્થાનિક પોલીસ ઉપરાંત લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ સ્ટાફ સાથે દોડી આવી. ઘાયલ થયેલા બે એન્જિનિયર અને સિક્યુરિટી ગાર્ડને તાત્કાલીક હોસ્પિટલ ખસેડાયા. ઘાયલોની અને આસપાસના લોકોની પુછપરછ કરતા ખબર પડી કે, ગાંધીધામની સિક્યોર વેલ્યુ નામની એક કંપની બેન્કોમાંથી રૂપિયા લઇ તેમના અલગ અલગ એટીએમ સેન્ટરમાં જઇ રૂપિયા લોડ કરવાનું કામ કરે છે. આ કંપનીની વેન આજે ગાંધીધામથી પૈસા ભરવા નીકળી ત્યારે વાનમાં ડ્રાઇવર ઉપરાંત એક સિક્યુરિટી ગાર્ડ, જેની પાસે હથિયારના નામે માત્ર એક લાઠી હતી. જ્યારે બે એન્જિનિયર હતા, જે એટીએમમાં પૈસા ભરવાનું કામ કરે.

આ લોકો આગળ એક મશીનમાં પૈસા ભરીને આદીપુર બજારના એટીએમ સેન્ટર પર આવ્યા હતા. કાર રસ્તાની સાઇડમાં પાર્ક કરી ત્યારે ડ્રાઇવર ગાડીમાં જ બેઠો હતો. બે એન્જિનિયરો પૈસા ભરેલા ચાર કાપડના થેલા લઇને ઊતર્યા અને એટીએમ સેન્ટરમાં પ્રવેશ્યા અને અંદરથી અડધુ શટર પાડી દીધુ. સિક્યુરિટી ગાર્ડ એક લાકડીના સહારે બહાર ચોકી કરવા ઊભો હતો. ગણતરીની મિનિટો જ થઇ હતી અને એન્જિનિયરોએ હજુ અંદર જઇને મશીનને ખોલ્યું જ હતુ, ત્યાં રોડ પર એક સફેદ રંગની નંબર પ્લેટ વગરની અર્ટીગા કાર પૈસા ભરવા આવેલી વેનની આગળ આવી ઉભી રહી ગઇ.

અર્ટીગા કારમાં ત્રણ શખ્સો હતો જે પૈકી ડ્રાઇવરે બુકાની બાંધી હતી, કારમાંથી ઊતરેલા બે પૈકી એક ખુલ્લા મોઢે હતો અને બીજાએ કોઇ કપડાથી આંખો ખુલ્લી રહે તે રીતે મોઢુ ઢાંક્યુ હતુ. બન્ને શખ્સો કારમાંથી દરવાજો ખોલતાની સાથે જ દોડતા સિક્યુરિટી ગાર્ડ પાસે ધસી આવ્યાં અને કાંઇ પણ બોલ્યા વગર ગાર્ડના પગમાં ગોળી મારી દીધી. ઓચિંતા બનેલી ઘટનાથી હેબતાઇ ગયેલા અને પાછી પગમાં ગોળી વાગવાથી ગાર્ડ તમ્મરખાઇને ફસડાઇ પડ્યો. લુટારુઓએ આસપાસના લોકોને ડરાવવા ધડાધડ બીજા પાંચેક રાઉન્ડ ગોળીબાર કર્યા અને બજારમાં હોહા સાથે દોડધામ મચી ગઇ.

આ હોબાળો અને ફાયરિંગના અવાજ અંદર બન્ને એન્જિનિયરોએ સાંભળતા જ રૂપિયાના ચાર થેલા પૈકી બેને તો મશીનની પાછળ ધકેલી સંતાડી દીધા. તેમને જે શંકા હતી તેવું જ બન્યું, હાથમાં દેશી રિવોલ્વર સાથે શટર ઊંચુ કરી બે લુટારુ ઘુસ્યા, ફરી ગોળીબાર કરતા બન્ને એન્જિનિયર ઘવાયા. લુટારુઓ રૂપિયાથી ખચોખચ ભરેલા બે થેલા લઇને અર્ટીગા કારમાં ફરાર થઇ ગયા. આ આખી ઘટના બજારના સંખ્યાબંધ લોકોએ નજરે જોઇ. તેમના માટે આ ઘટના હજુ કોઇ ફિલ્મી પ્લોટથી કમ નહોતી.

પી.આઈ. જાડેજાએ આ આખી ઘટના ડીએસપી પરીક્ષીતા રાઠોડને ફોન પર કહી. વાતની જાણ થતા રેન્જ આઈ.જી ડી.બી વાઘેલા અને ડીએસપી પરીક્ષીતા રાઠોડ પણ સ્થળ પર દોડી આવ્યાં. જિલ્લાભરમાં એલર્ટ અપાયું અને જિલ્લાની બોર્ડર સીલ કરીને લુટારુઓને પકડી પાડવાનું ઓપરેશન તાત્કાલિક શરૂ કરાયું. જિલ્લા ભરની પોલીસને નંબર પ્લેટ વગરની અર્ટીગા કારની તપાસમાં લગાવી દેવાઇ. બેન્કના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યાં અને બચી ગયેલા રૂપિયાની ગણતરી કરતા ખુલાસો થયો કે, કુલ 34 લાખ રૂપિયાની લૂંટ થઇ છે. આદીપુર પોલીસે ત્રણ અજાણ્યા શખ્સો સામે લૂંટ, હત્યાના પ્રયાસ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો.

આ લૂંટની ખબર ગુજરાતભરના મીડિયાએ છાપી. કચ્છમાં તો દિવસો સુધી તેનું ફોલોઅપ રિપોર્ટિંગ થતુ રહ્યું. પોલીસ તપાસની તમામ કામગીરીની વિગતો મેળવી રોજેરોજ સ્થાનિક મીડિયા ખબર છાપતુ રહ્યું. મીડિયાએ પોલીસ પર માછલા ધોવાનો એકેય મોકો છોડ્યો ન હતો. જેના કારણે રેન્જ આઈ.જી ડી.બી વાઘેલા, કચ્છ પૂર્વના ડીએસપી પરીક્ષીતા રાઠોડ સહિત જિલ્લાભરની પોલીસ પર આરોપીઓને પકડી પાડવાનું દબાણ ઊભુ થયું હતુ.

ડીએસપી પરીક્ષીતા રાઠોડે આ કેસની તપાસ ઘટનાની સાંજે લોકલ ક્રાઇમ બ્રાન્ચના પી.આઈ. જે.પી જાડેજાને સોંપી દીધી. કારણ જાડેજાનું કચ્છનું લોકલ નેટવર્ક મજબૂત હતુ. જો કે, સ્થાનિક પોલીસ ઉપરાંત સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપની ટીમને મદદમાં સાથે રહેવા સૂચના પણ અપાઇ હતી. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ એમ દિવસો વિતવા લાગ્યા. પોલીસે સ્થાનિક ગુનેગારોથી માંડીને જિલ્લામાંથી છેલ્લા થોડા દિવસથી લાપતા બન્યા હોય તેવા તમામ ગુનેગારોની તપાસ શરૂ કરી. બાતમીદારોની પણ ઉલટતપાસ શરૂ કરાઇ.

પી.આઈ. જાડેજાએ અમદાવાદમાં સેક્ટર-૧ના ડિટેક્શન સ્કવોડમાં નોકરી કરી હતી. અમદાવાદના ટેક્નિકલ સર્વેલન્સનો અનુભવ જાડેજાએ અહીં ઉપયોગમાં લીધો. પી.આઈ. જાડેજાએ લૂંટની ઘટના બની તે સમયે આદીપુર વિસ્તારમાં એક્ટિવ હોય અને એકાદ કલાક પછી ગાંધીધામ છોડીને બહાર ગયા હોય તેવા મોબાઇલ ફોનનો ડેટા મંગાવ્યો. આ ડેટા લાખોની સંખ્યામાં હતો. જેની સ્ક્રુટીની કરતા કરતા નંબર લાખમાંથી હજારોમાં આવ્યાં. તેમાં પણ રાત્રે તે જ વિસ્તારમાં એક્ટિવ રહ્યાં હોય તેવા નંબરની પણ છટણી કરી તોય અંદાજે ૪૦૦થી વધુ નંબરો શંકાસ્પદ લિસ્ટમાં બહાર આવ્યાં.

આ બધા જ નંબરને વેરિફાઇ કરવા જરૂરી હતા કારણ જો એક નંબર રહી જાય અને તે જ આરોપી હોય તો પછી ફરી તે આરોપી ક્યારે હાથમાં આવે તે કહી શકાય નહીં. માટે પોલીસ ટીમને આ નંબરો આપી એક એક ફોનધારકની તપાસ કરાવી. કમનસીબે આ પખવાડીયાની મહેનત એળે ગઇ અને ૪૦૦માંથી એક પણ વ્યક્તિ ગુનેગાર નહોતો કે પછી તે દિવસે લૂંટમાં સામેલ હોય તેવી કોઇ કડી ન મળી. ટેક્નિકલ સર્વેલન્સ ફેઇલ થતા જાડેજા વધુ ગંભીર બન્યા કારણ તેમને અંદાજ આવી ગયો હતો કે, આરોપીઓએ આ ઘટના સમયે મોબાઇલ ફોનનો ઉપયોગ નથી કર્યો. જેનો મતલબ હતો કે આરોપીઓ રીઢા અને ચબરાક છે.

જાડેજા જ્યારે ટેક્નિકલોજીથી તપાસ કરી રહ્યાં હતા ત્યારે તેમની ટીમે સફેદ અર્ટીંગા કાર સીસીટીવીમાં દેખાતી હોય તેવા ૩૨૫થી વધુ સીસીટીવીના ફૂટેજ એકઠા કર્યા હતા. આ બધા જ ફુટેજનું એનાલીસીસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીને આપી તેનો રિપોર્ટ કરવા કહ્યું હતુ. જો કે, પખવાડિયા પછી પણ તેમાંથી ધાર્યું પરિણામ મળ્યું ન હતુ. માટે સીસીટીવીના એનાલિસીસનું કામ જાડેજાએ જાતે શરૂ કર્યું.

જાડેજાએ સતત સીસીટીવીની તપાસ દરમિયાન એટલો અંદાજ લગાવી દીધો હતો કે, લુટારુ પૈકી એક ખુલ્લા મોઢે હતો, એનો અર્થ એ છે કે, તે અહીં પોતાની ઓળખ છતી થશે તે વાતથી બેખૌફ હતો. ટુંકમાં તે ગુજરાત બહારનો જ હતો. લૂંટના સ્થળથી ચારેક કિલોમીટર દૂર સુધીના સીસીટીવી તપાસતા પોલીસને કાર ગાંધીધામના આઉટસ્કર્ટમાં આવેલા શાંતિનગર સુધી જતા દેખાઇ. પરંતુ ત્યાંથી આગળના રસ્તા પરના કોઇ કેમેરામાં કાર ન દેખાઇ. પી.આઈ. જાડેજાએ હવે શાંતિનગર આસપાસના કેમેરાના રેકોર્ડીંગ કાર ગયા પછી પણ જોવાનું ચાલુ રાખ્યું. તેમના આશ્ચર્ય વચ્ચે કાર શાંતિનગર પાસેથી પસાર થતી દેખાઇ, તેના બરોબર ૧૯ મિનિટ પછી તે જ રસ્તે પાછી જતા દેખાઇ.

પોલીસકર્મીઓ હવે જે રસ્તા પર કાર પાછી વળી હતી તે રૂટ પરના સીસીટીવી તપાસવા લાગ્યા પરંતુ જાડેજાના વિચારો હજુ શાંતિનગર આસપાસ જ ઘૂમરીએ ચડ્યા હતા. જાડેજાને શંકા ગઇ કે નક્કી, શાંતિનગરમાં કંઇક રહસ્ય છે. આસપાસ બીજી કોઇ રહેણાક વસાહત નથી તો લુટારુઓની કાર આટલીવાર ક્યાં ગઇ હતી? તેમણે જે છેલ્લા સીસીટીવી ફુટેજમાં કાર દેખાઇ હતી ત્યાંથી યુ ટર્ન વાળા રસ્તા પર જાતે જઇ પોતાની કાર ચલાવી ડેમોસ્ટ્રેશન કર્યું. તેમની કારે માંડ 4 મિનિટમાં આ અંતર કાપી લીધુ હતુ. જેનો અર્થ એ હતો કે, લુટારુઓ શાંતિનગરમાં ક્યાંક રોકાયા હતા, પણ ક્યાં? અને કેમ? તે સવાલ હતો.

પોલીસે શાંતિનગર આસપાસ પોતાના બાતમીદારોનું નેટવર્ક ગોઠવ્યું. પોલીસકર્મીઓને ખાનગી કપડામાં શાંતિનગર આસપાસના પાનનાં ગલ્લા, ચાની લારીઓ પર બેસાડી દિવસો સુધી વોચ ગોઠવી. પણ નસીબ હજુ સાથ આપતું નહોતું. બીજી તરફ ૩૪ લાખ રૂપિયાની લૂંટની ઘટના અને આરોપીઓ નહીં પકડાતા ગુજરાત પોલીસની કામગીરી પર પણ સવાલો ઊભા થવા લાગ્યા હતા. જેથી આ કેસની તપાસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ગુજરાતની સર્વોચ્ચ સુરક્ષા એજન્સી એટીએસ પણ જોડાઇ. અલગ અલગ એન્ગલથી તપાસ શરૂ કરાઇ. તેમાં આતંકવાદીઓએ કોઇ કામને અંજામ આપવા માટે કેશવાન લૂંટી હોવાની થિઅરી પણ સામેલ હતી. પોલીસ કોઇ પણ શંકાને શક્યતાની એરણ પર તપાસવા માંગતી હતી.

દિવસો અને પછી મહિના બદલાવા લાગ્યાં. લોકલ ક્રાઇમ બ્રાન્ચમાંથી પી.આઈ. જાડેજાની બદલી સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપમાં થઇ ગઇ. તપાસનો ધમધમાટ ઓસરવા લાગ્યો હતો. મોટાભાગની પોલીસ નસીબ પર ભરોસો રાખી બેઠી હતી જ્યારે જાડેજા લુટારુઓની એક ભૂલની રાહ જોઇ બેઠા હતા.

24-07-2021નાં રોજ વાંચો ઘટના કઈ રીતે ઉકેલાઈ તેનો બીજો ભાગ

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">