અમદાવાદમાં સ્વાઈન ફ્લૂ, ડેન્ગ્યુ-મલેરિયાના કેસમાં મોટો ઉછાળો, 30 દિવસમાં સ્વાઈન ફ્લૂના 200 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરાયા

Ahmedabad Swine Flu Cases : શહેરમાં સ્વાઈન ફ્લૂના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 30 દિવસમાં સ્વાઈન ફ્લૂના 200 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમાંથી 140 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે, જ્યારે હજુ 60 દર્દીઓ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.

અમદાવાદમાં સ્વાઈન ફ્લૂ, ડેન્ગ્યુ-મલેરિયાના કેસમાં મોટો ઉછાળો, 30 દિવસમાં સ્વાઈન ફ્લૂના 200 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરાયા
| Updated on: Sep 01, 2026 | 6:28 PM

અમદાવાદમાં ચોમાસાની સિઝન વચ્ચે મચ્છરજન્ય રોગચાળો અને સ્વાઈન ફ્લૂના કેસોમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. છેલ્લા 30 દિવસમાં સ્વાઈન ફ્લૂ, ડેન્ગ્યુ અને મલેરિયાના કેસોમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. ખાસ કરીને ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના કેસમાં ગત મહિનાની સરખામણીએ અનેક ગણો વધારો થયો છે. શહેર સરકારી હોસ્પિટલમાં સ્વાઈન ફ્લૂના 600થી વધુ કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે ડેન્ગ્યુ અને મલેરિયાના કેસોએ પણ ચિંતા વધારી છે.

30 દિવસમાં સ્વાઈન ફ્લૂના 200 દર્દી હોસ્પિટલમાં દાખલ

શહેરમાં સ્વાઈન ફ્લૂના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 30 દિવસમાં સ્વાઈન ફ્લૂના 200 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમાંથી 140 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે, જ્યારે હજુ 60 દર્દીઓ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. શહેરમાં સ્વાઈન ફ્લૂના કુલ કેસનો આંકડો 600ને પાર પહોંચ્યો છે. આ આંકડો તો સરકારી હોસ્પિટલમાં સારવાર માટે આવેલા દર્દીઓનો છે. જો કે ખાનગી તબીબો અને હોસ્પિટલમાં સારવાર લેનારાઓનો આંકડો આના કરતા પણ વધુ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ડેન્ગ્યુના કેસમાં મોટો ઉછાળો

મચ્છરજન્ય રોગોમાં ડેન્ગ્યુના કેસમાં સૌથી મોટો વધારો નોંધાયો છે. ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના 264 કેસ નોંધાયા છે, જ્યારે અગાઉના મહિને માત્ર 68 કેસ નોંધાયા હતા. એટલે કે એક જ મહિનામાં ડેન્ગ્યુના કેસમાં લગભગ ચાર ગણો વધારો થયો છે.

ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સ્થિતિ અને મચ્છરોના ઉપદ્રવને કારણે ડેન્ગ્યુના કેસ વધવાની શક્યતા રહે છે. શહેરમાં આરોગ્ય વિભાગ દ્વારા ડેન્ગ્યુના શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે અને જરૂરિયાત મુજબ તેની વધુ તપાસ કરવામાં આવે છે.

મલેરિયાના કેસ પણ વધ્યા

ડેન્ગ્યુની સાથે મલેરિયાના કેસમાં પણ વધારો થયો છે. ઓગસ્ટ મહિનામાં મલેરિયાના 123 કેસ નોંધાયા છે. જ્યારે ગત મહિને મલેરિયાના માત્ર 55 કેસ નોંધાયા હતા. આમ, એક મહિનામાં મલેરિયાના કેસમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.

ડેન્ગ્યુના ચાર પ્રકારના વાયરસ

ડેન્ગ્યુ માટે જવાબદાર વાયરસના મુખ્ય ચાર સીરોટાઇપ છે—DENV-1, DENV-2, DENV-3 અને DENV-4. ડેન્ગ્યુ પોઝિટિવ દર્દીઓના સેમ્પલની વધુ તપાસ કરીને કયા પ્રકારનો વાયરસ છે તેની ચકાસણી કરવામાં આવે છે.

મળતી માહિતી મુજબ, અત્યાર સુધીમાં 46 દર્દીઓના સેમ્પલમાં DENV-2 વાયરસ જોવા મળ્યો છે. DENV-2ને કેટલાક સંદર્ભોમાં ગંભીર ડેન્ગ્યુ સાથે વધુ જોડાયેલો સીરોટાઇપ માનવામાં આવે છે, જોકે ડેન્ગ્યુના કોઈપણ સીરોટાઇપથી ગંભીર બીમારી થઈ શકે છે.

ચોમાસામાં આરોગ્ય તંત્ર સામે પડકાર

અમદાવાદમાં એક તરફ સ્વાઈન ફ્લૂના કેસ વધી રહ્યા છે તો બીજી તરફ ડેન્ગ્યુ અને મલેરિયા જેવા મચ્છરજન્ય રોગોએ પણ માથું ઊંચક્યું છે. એક જ મહિનામાં ડેન્ગ્યુ અને મલેરિયાના કેસમાં થયેલા વધારાને પગલે આગામી દિવસોમાં રોગચાળો નિયંત્રણમાં રાખવો આરોગ્ય તંત્ર માટે પડકાર બની શકે છે.

ગુજરાતમાં વરસાદી સિસ્ટમ ખરી પરંતુ વરસાદ માટેની સ્થિતિ નહીં, રાજ્યમાં 14 ટકા વરસાદની ઘટ

Follow Us
Loading...
Unable to load recommendations.