Surendranagar: સ્ત્રી સશક્તિકરણ માટે અનેક યોજનાઓ અમલી, મહિલાઓ સ્વાવલંબી બની

વિકાસ કાર્યક્રમો અને યોજનાઓ દ્વારા રાજ્યની મહિલાઓ ઉત્કૃષ્ટ કામગીરી કરીને અન્ય મહિલાઓ માટે પ્રશંસનીય ઉદાહરણ બની રહી છે. સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં મહિલા સશક્તિકરણનાં અભિયાનને અનેરૂ બળ પૂરું પાડતી મહિલાઓ વિશે આજે મહિલા દિવસ નિમિત્તે જાણીએ.

Surendranagar: સ્ત્રી સશક્તિકરણ માટે અનેક યોજનાઓ અમલી, મહિલાઓ સ્વાવલંબી બની
Muktaben Dagli - Darshanaben Bhagalani - Pannaben Shukal
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 08, 2023 | 5:22 PM

રાજ્યમાં મહિલા ઉત્કર્ષ અને સ્ત્રી સશક્તિકરણની દિશામાં અનેકવિધ વિકાસ કાર્યક્રમો અને યોજનાઓ દ્વારા નારીશક્તિને સ્વાવલંબી અને ગૌરવપૂર્ણ જીવનનાં અધિકારી બનાવવા અનેકવિધ પ્રયાસો અનેક સ્તરે કરવામાં આવી રહ્યા છે. જેના પરિણામે વિવિધ ક્ષેત્રોમાં રાજ્યની મહિલાઓ ઉત્કૃષ્ટ કામગીરી કરીને અન્ય મહિલાઓ માટે પ્રશંસનીય ઉદાહરણ બની રહી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં મહિલા સશક્તિકરણનાં અભિયાનને અનેરૂ બળ પૂરું પાડતી મહિલાઓ વિશે આજે મહિલા દિવસ નિમિત્તે જાણીએ.

હમ આપ જેસે નહિ મગર આપશે અનુઠે જરૂર હે : મુકતાબેન ડગલી

પ્રજ્ઞા ચક્ષુ બહેનોના જીવનમાં ઉજાસ પાથરતા પ્રજ્ઞા ચક્ષુ મુકતાબેન ડગલી મહિલાઓ મજબૂત મનોબળનાં આધારે કેવું વિધાયક પરિવર્તન લાવી શકે છે તેનું સુંદર ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે. મુક્તાબેન અને તેમના પતિ પંકજભાઈ ડગલી પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં અંધ દીકરીઓ સ્વનિર્ભર બની શકે અને સ્વમાનભેર ગૌરવપૂર્ણ જીવન જીવી શકે તેના અભિયાનમાં સેવારત છે. સી.યુ શાહ પ્રેરિત ‘પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ’ની સ્થાપના 1996માં કરવામાં આવી હતી. હાલ અમદાવાદ, મોરબી, સુરેન્દ્રનગર, ઉમરગામમાં પણ આ સંસ્થા કાર્યરત છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

મુક્તાબેન ડગલીને આપવામાં આવ્યો માતા જીજાબાઈ સ્ત્રી શક્તિ

સંસ્થામાં પ્રજ્ઞાચક્ષુ દીકરીઓને શિક્ષણથી લઈને ઈલેક્ટ્રોનિક સાધનોનાં રીપેરીંગની ટ્રેનિંગ આપી પગભર કરવામાં આવી રહી છે. પ્રજ્ઞાચક્ષુ લોકોને આત્મ નિર્ભર બનાવવાના આ કાર્યની નોંધ રાજ્ય સ્તરે પણ લેવામાં આવી અને વર્ષ 2019માં મુકતા બેનને રાષ્ટ્રપતિ રામનાથ કોવીંદજીના વરદ હસ્તે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ ભૈરવસિંહ શેખાવતના વરદ હસ્તે મુક્તાબેન ડગલીને માતા જીજાબાઈ સ્ત્રી શક્તિ -2001 એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.

મુકતાબેન ડગલી જણાવે છે પ્રજ્ઞાચક્ષુ હોવાથી અમે ભલે દુનિયા નથી જોઈ શકતા પણ દુનિયા અમને ચોક્ક્સ જોઈ શકે છે. પ્રજ્ઞાચક્ષુ દીકરા દીકરીઓ આત્મનિર્ભર બને તે માટે હું સતત કાર્યરત રહીશ અને મને આનંદ છે ‘હમ આપ જેસે નહિ મગર આપસે અનુઠે જરૂર હે’ આ વાક્ય દ્વારા મુકતા બહેને જણાવ્યું કે દરેકે સ્વમાનભેર જીવન જીવવું જોઈએ. પોતાનામાં રહેલી ખૂબીઓને ઓળખી મલ્ટી ટેલેન્ટ બનવું જોઈએ.

મહિલાઓ માટે તબીબી સહાય તથા જરૂરી પૌષ્ટિક ખોરાક માટે કરવામાં આવી મદદ

પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ સંસ્થામાં હાલમાં 200 અંધ બહેનો છે અહીં આ સંસ્થામાં રસોઈ, ઘરકામ આદિ કાર્યોમાં કુશળ થયેલ 198 અંધ બહેનોનાં લગ્ન પણ કરાવ્યા છે. આ ટેકનોલોજીથી સુસજ્જ સંસ્થા અન્ય સેવાકીય કાર્ય પણ કરે છે જેમકે, અંધ, મંદ બુદ્ધિ, બહેરા- મૂંગા, શારીરિક ખોડ -ખાંપણ ધરાવતા ગ્રામ્ય વિસ્તારનાં બાળકો ધો.9 થી 12 નું શિક્ષણ મેળવે તે માટે શિક્ષકોની વ્યવસ્થા સંસ્થા દ્વારા કરવામાં આવે છે. જરૂરિયાતમંદ 300 જેટલી સનેત્ર પ્રસુતા મહિલાઓ માટે તબીબી સહાય તથા જરૂરી પૌષ્ટિક ખોરાક માટે મદદ કરવામાં આવી છે.

પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ પ્રજ્ઞાચક્ષુ મહિલાઓ માટે બની આશીર્વાદ સમાન

નેત્રહીન બાળાઓ તેમના પરિવાર સાથે દિવાળીનો પર્વ ઉજવી શકે તે માટે સંસ્થા દ્વારા “મુકતા પંકજ ડગલી” આર્થિક સહાય અંતર્ગત પ્રતિવર્ષ દિવાળી સહાય રૂપે રુપિયા 5,000 ની રકમ આપવામાં આવે છે. આ સંસ્થા દ્વારા ‘વૃક્ષ’ માસિક ગુજરાતીમાં અને “દીદી” દ્વિમાસિક બ્રેઈલ લીપીમાં પ્રસિદ્ધ કરવામાં આવે છે. ‘પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ’ પ્રજ્ઞાચક્ષુ મહિલાઓ માટે આશીર્વાદ સમાન બની ગઈ છે.

અધિક ક્લેક્ટરના પદ પર ફરજ બજાવતા દર્શનાબેન ભગલાણી

સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્રના અતિ મહત્વના કહી શકાય તેવા નિવાસી અધિક ક્લેક્ટરના પદ પર ફરજ બજાવતા દર્શનાબેન ભગલાણી મહિલા નેતૃત્વનું ઊત્તમ ઉદાહરણ બની રહ્યાં છે. મોરબીના સામાન્ય પરિવારમાં જન્મેલા દર્શના ભગલાણીની શૈક્ષણિક કારકિર્દી અભ્યાસ કરતી દરેક કન્યાઓ માટે પ્રેરણારૂપ છે. નાની સાથે રહેતા દર્શના બહેનને નાનીની સરકારી નોકરીના કારણોસર દર થોડા વર્ષે ગામ શહેર બદલવાનું થતું. જો કે તેમણે આ બાબતને પોતાના શિક્ષણ આડે ક્યારેય આવવા દીધી નથી. શારદાગ્રામ કોલેજ, માંગરોળ ખાતેથી અંગ્રેજી સાહિત્યના વિષય સાથે સ્નાતક અને અનુસ્નાતક કક્ષાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ બેચલર ઓફ એજ્યુકેશનની ડિગ્રી મેળવી.

નવમા ક્રમાંકે પાસ કરી પરીક્ષા

ઘર પરિવારના બધા જ લોકો સરકારી નોકરીમાં હોવાથી નાનપણથી જ સરકારી નોકરીમાં જવાનું સ્વપ્ન તેમણે સેવ્યું હતું. દર્શનાબેને આ સ્વપ્નને અથાગ પરિશ્રમ થકી સાચા અર્થમાં સાર્થક કર્યું છે. વર્ષ 1997માં મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના સમયમાં ગુજરાતમાં પહેલી વખત મહિલા તલાટીઓની ભરતી થઈ અને જુનાગઢ જિલ્લામાં નવમા ક્રમાંકે તેમણે પરીક્ષા પાસ કરી હતી. વર્ષ 1997-2005 સુધી જુનાગઢ જિલ્લામાં તલાટી તરીકે સેવાઓ આપી હતી. લોકો માટે કંઈક કરી છૂટવાની ભાવનાએ પોતાને તલાટી કમ મંત્રી તરીકે મર્યાદિત ન રાખતા વર્ષ 2005માં વહીવટી સેવા વર્ગ 1-2ની પરીક્ષા આપી અને તેમાં મામલતદાર તરીકે ઉતીર્ણ થયા હતાં.

આ પદ પર બજાવી ચૂક્યા છે ફરજ

વર્ષ 2007માં મામલતદાર તરીકેનું પહેલું પોસ્ટિંગ કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં મળ્યું હતું. વર્ષ 2009-2011 સુધી કચ્છ જિલ્લાના નખત્રાણા મામલતદાર તરીકે સેવા આપી હતી. આમ અંતરિયાળ અને સરહદી વિસ્તાર એવા કચ્છ જિલ્લાનાં બંને ભાગો પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છમાં વિષમ પરિસ્થિતિઓ વચ્ચે વિવિઘ પડકારોનો દ્રઢતાપૂર્વક સામનો કરી પોતાની ફરજ બજાવી હતી. તેઓ મધ્યાહન ભોજન નાયબ કલેકટર, બરવાળા પ્રાંત અધિકારી, ગીર સોમનાથ પ્રાંત અધિકારી અને ખાસ સચિવ (વિવાદ) વિભાગમાં નાયબ કલેકટર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક જેવા મહત્વના પદ પર ફરજ બજાવી ચૂક્યા છે અને અત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં નિવાસી અધિક કલેકટર તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે.

નાણાકીય સ્વાવલંબન મહિલા સશક્તિકરણનું સૌથી મહત્વનું પાસું

રેવન્યુ અધિકારી તરીકેની ફરજ સુંદર રીતે બજાવવા સાથે સાથે તેમણે પોતાના રસના વિષયો જેવા કે ફિલ્મ નિર્માણ, વાર્તા લેખન, વાંચનના શોખને પણ જીવંત રાખ્યો છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે શુભેચ્છા પાઠવતા દર્શનાબેન ભગલાણી જણાવે છે કે, નાણાકીય સ્વાવલંબન મહિલા સશક્તિકરણનું સૌથી મહત્વનું પાસું છે. નાણાકીય સ્વતંત્રતા મહિલાઓમાં પોતાના સપનાઓને સાકાર કરવા માટેનો અનોખો આત્મવિશ્વાસ પ્રેરે છે. જે માટે તેમણે મહિલાઓને ઉપલબ્ધ તકોનો ઉપયોગ કરી શ્રેષ્ઠ શિક્ષણ અને શ્રેષ્ઠ કેળવણી મેળવવા, માનસિક અને શારીરિક રીતે સશક્ત બનવા, સ્વરક્ષણની તાલીમ મેળવવા, સ્ત્રી પુરુષના ભેદભાવો ભૂલી જીવનમાં સતત પ્રગતિ સાધવા અપીલ કરતાં જણાવે છે કે, સરકારએ મહિલાઓના ઉત્થાન માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે તેનો મહત્તમ લાભ લઈ આગળ વધવા શુભેચ્છાઓ પાઠવી હતી.

વઢવાણ મહિલા મંડળના સભ્ય પન્નાબેન શુક્લ

સ્ત્રી અન્નપૂર્ણાનું સ્વરૂપ કહેવાય છે. રસોઈ બનાવવાની કળાનો ઉપયોગ કરી ગ્રામીણ વિસ્તારની બહેનોને પગભેર બનાવી શકાય તેવા વિચાર સાથે સુરેન્દ્રનગરનાં પન્નાબેન શુક્લે વર્ષ 1985 ના રોજ વર્ધમાન ગૃહ ઉદ્યોગ મહિલા મંડળની સ્થાપના કરી હતી. આ સંસ્થા સુરેન્દ્રનગર જિલ્લાનાં 10 તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં કાર્યરત છે. 33 વર્ષ પહેલાં પાંચ કામદાર બહેનોથી શરૂ થયેલ આ સંસ્થાએ સરકારની વિવિધ યોજના અંતર્ગત સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં ૩૦ હજાર મહિલાઓને જુદા જુદા વ્યવસાયલક્ષી તાલીમ કોર્સની તાલીમ આપી બેન્કેબલ યોજના અંતર્ગત બેન્ક લોન દ્વારા સાધન સહાય અપાવી સ્વનિર્ભર બનાવી છે.

આ યોજના હેઠળ જીવન જીવી શકે તે માટે રોજગારી મેળવી રહી છે મહિલાઓ

મિશન મંગલમ યોજના અંતર્ગત ‘મંગલમ હાટ’ સ્વ-સહાય જૂથ તથા સખી મંડળો અને ગ્રામીણ મહિલાઓના જૂથો દ્વારા ઉત્પાદિત હસ્તકલા કામગીરીની આઈટમોનું વેચાણ કેન્દ્ર પણ ઊભું કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મહિલાઓ આત્મનિર્ભર બને અને આત્મવિશ્વાસ સાથે જીવન જીવી શકે તે માટે વિવિધ પ્રવૃતિઓ જેવી કે, બાંધણી બંધન, ડ્રેસ ડિઝાઈન, વિવિધ વર્કશોપ, વર્ધમાન ગૃહ ઉદ્યોગ મહિલા મંડળ સંચાલિત રામરસ રંજન કેન્ટીન, સી.યુ શાહ એન્જિનિયરિંગ કોલેજ કેન્ટીન, આદલસર મહિલા દૂધ ઉત્પાદન સહકારી મંડળી વગેરે દ્વારા મહિલાઓ રોજગારી મેળવી રહી છે.

પન્નાબેન શુકલને એવોર્ડ આપી કરવામાં આવ્યા સન્માનિત

મહિલાઓ માટે પ્રેરણાદાયી આ સંસ્થાના માનદ મંત્રી તરીકે પ્રશંસનીય કામગીરી બદલ વર્ષ 2018 આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે નિમિતે ગ્રામ વિકાસ કમિશનર મોનાબેન ખંધારના વરદ હસ્તે માનદ મંત્રી પન્નાબેન શુકલને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. મહિલા કલ્યાણની આર્થિક પ્રવૃત્તિ કરતી આ સંસ્થાએ સુરેન્દ્રનગર જિલ્લાની 30 હાજર બહેનોને મિશન મંગલમના લાઈવલીહુડ પ્રોજેક્ટ અંતર્ગત જુદા જુદા વ્યવસાયની તાલીમ આપી સ્વ નિર્ભર બનાવી છે.

વર્ધમાન ગૃહ ઉદ્યોગ મહિલા મંડળ સંસ્થાના સ્થાપક માનદ મંત્રી તરીકે 38 વર્ષથી મહિલા ઉત્કર્ષ અને મહિલા કલ્યાણની વિવિધ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા પન્નાબેન પન્નાબેનને વિશિષ્ટ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ માટે તેમજ મહિલાઓ માટે શ્રેષ્ઠ કામગીરી બદલ વિવિધ સન્માનો પ્રાપ્ત થયા જ છે અને વઢવાણ પત્રકાર પરિષદ દ્વારા ‘પાવર ઓફ વઢવાણ’, ભગવાન પરશુરામ જન્મ જયંતી ઉત્સવ સમિતિ સુરેન્દ્રનગર દ્વારા શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે ઉત્તમ સેવાઓ આપવા બદલ ‘વીરાંગના રાણી લક્ષ્મીબાઈ એવોર્ડ’ પણ એનાયત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :  Surendranagar : મારૂતિ પાર્ક સોસાયટી સહીત 18 સોસાયટીમાં પીવાના પાણીમાં ભળ્યાં ગટરના ગંદા પાણી, લોકો ત્રાહિમામ

પન્ના બેન એવું માને છે કે, સશક્ત અને સમૃદ્ધ નારી જગત ત્યારે જ બની શકે જ્યારે એક મહિલા પોતે જાગૃત બને. પોતાના રહેલ વિવિધ આવડત દ્વારા દરેક મહિલાઓએ સ્વ નિર્ભર બનવું જોઈએ અને સશક્ત બનવું જોઈએ.

(વિથ ઈનપુટ : સાજીદ બેલીમ, સુરેન્દ્રનગર)

g clip-path="url(#clip0_868_265)">