World female Ranger Day : 23 જુનને વર્લ્ડ ફિમેલ રેન્જર દિવસ તરીકે મનાવવામાં આવે છે. સુરત (Surat) જિલ્લાના માંડવી તાલુકામાં 2500 હેક્ટરમાં વિસ્તરેલા જંગલનું રક્ષણ બીજું કોઈ નહિ પણ માંડવી વનવિભાગની સાત મહિલા અધિકારીઓ કરી રહી છે. જંગલોમાં આવતી દરેક મુશ્કેલીઓ, પડકારો અને સમસ્યાઓથી ડર્યા વગર તેને દૂર કરીને આ મહિલાઓએ પોતાની એક આગવી ઓળખ ઉભી કરી છે.
આ 7 મહિલાઓમાંથી એક ફોરેસ્ટર છે, જ્યારે 6 બીટગાર્ડ મહિલાઓ છે. જેમના શિરે જંગલનું રક્ષણ કરવાની જવાબદારી છે. પરિવારને સંભાળવાની સાથે તેઓ જંગલની પણ જવાબદારી બખૂબી નિભાવી રહ્યા છે.
23 જૂન ને વર્લ્ડ ફિમેલ રેંજર ડે તરીકે ઉજવાય છે. જંગલમાં કામ કરતી મહિલાઓના સન્માનમાં અને જાગૃતિ માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સુરત અને તાપી આ બંને જિલ્લાઓમાં મહિલા ફોરેસ્ટરોનું પ્રભુત્વ પહેલાથી રહ્યું છે. અંતરિયાળ જંગલોમાં જંગલોને નુકસાન થતું અટકાવવા માટે હોય કે પછી લાકડાઓની ચોરીની ઘટનાઓને બનતી અટકાવવી હોય, આ તમામ કામગીરી મહિલાઓ કરી રહી છે.
વન્ય પ્રાણીઓની જાળવણી પણ આ જ મહિલાઓ કરે છે. સુરત જિલ્લાના માંડવી તાલુકાના દક્ષિણ રેન્જમાં આવેલ ખોડંબા વિસ્તારમાં આ 7 મહિલાઓ પોતાની ફરજ નિભાવી રહી છે.
બીટગાર્ડ પૂજા સિંહ જણાવે છે કે, જંગલ તેમનું બીજું ઘર છે જંગલમાં તેમની સામે દરેક રીતના પડકારો આવતા હોય છે. ક્યારેક જંગલોમાં ખેડાણ થતું અટકાવવુ,જંગલોમાં કિંમતી લાકડાઓની ચોરી થતી અટકાવવી,દીપડાઓના હુમલાઓથી લોકોને બચવા માટે જાગૃત કરવા. આ તમામ બાબતોમાંથી તેમને પસાર થવું પડતું હોય છે. ઘણી વખત લોકો સાથે ઘર્ષણ પણ થાય છે .
પરંતુ આવા સંજોગોમાં પણ તેમને ખુબ જ શાંતિથી કામ લેવું પડતું હોય છે. જ્યારે દીપડાના હુમલાની ઘટનાઓ બને છે. ત્યારે પાંજરા સાથે મોનીટરીંગ કેમેરા ગોઠવવા આ સાથે દીપડાના મોબાઈલ ટ્રેકિંગ માટે સતત સજાગ પણ રહેવું પડતું હોય છે. દીપડાની અલગ ઓળખ માટે ચિપ્સ લગાવવાની સાથે તમામ કામગીરી કરવાની હોય છે.
તેઓને જંગલમાં અન્ય જીવજંતુઓ કે સાપ પકડવાની કામગીરી પણ કરવી પડતી હોય છે. તેમની સાથે કામ કરતી મહિલાઓમાં નેહાબેન ચૌધરી કે જેઓ ફોરેસ્ટર છે. એ સિવાય પ્રીતિ ચૌધરી, ઉષા ચૌધરી, દીનાબેન, ભારતીબેન અને નીલમબેનનો સમાવેશ થાય છે.
આ જ પ્રમાણે તાપી જિલ્લામાં પણ 4 ફોરેસ્ટર સહિત 16 મહિલાઓ વનવિભાગ માટે કામ રહી છે. આજના આ દિવસે આ મહિલાઓને પણ સલામ છે.
Published On - 12:26 pm, Wed, 23 June 21