તાલિબાની માનસિકતા: સુરતમાં શ્વાનને ગળાફાંસો આપી મારનાર વિરુદ્ધ ફરિયાદ, વિડીયો વાયરલ થતાં લોકોમાં આક્રોશ
સુરતમાં તાલિબાની માનસિકતા સામે આવી છે. જ્યાં ભાડવાત બોલાવીને ડોગને ગળે ફાંસો આપી હત્યા કરવામાં આવી. આ ક્રુરતાનો વિડીયો વાયરલ થતા આ વ્યક્તિ સામે ફરિયાદ થઇ છે.
Surat: શહેરના ન્યુ રાંદેર રોડ ખાતે આવેલ એક સોસાયટીમાં ગત રોજ એક શ્વાનને (Dog Killing) ઘાતકી ઢબે મોતને ઘાટ ઉતારવામાં આવતાં જીવદયા પ્રેમીઓમાં ભારે આક્રોશની લાગણી જોવા મળી રહી છે. સોસાયટીના કેટલાક રહેવાસીઓ દ્વારા ભાડુઆતી માણસો દ્વારા શ્વાનને સરાજાહેર ગળામાં ફાંસી આપીને તાલીબાની માનસિકતાને પણ શરમાવે તેવા કૃત્યને પગલે જવાબદાર ઈસમો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે પોલીસ કમિશનર સમક્ષ પણ રજુઆત કરવામાં આવી છે.
ગત રોજ રાંદેર રોડ ખાતે દિવ્યા શુઝ પાસે આવેલ પુષ્પધન રો- હાઉસ સોસાયટીમાં બે ઈસમો દ્વારા શ્વાનની કરવામાં આવેલી ઘાતકી હત્યાનો વીડિયો (Viral Video) સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં ભારે હોબાળો મચી જવા પામ્યો છે. જીવદયા પ્રેમીઓમાં આ પ્રકારની હેવાનિત આચરનારાઓ વિરૂદ્ધ સખ્ત કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠવા પામી છે. જેના ભાગરૂપે રાજ્ય પ્રાણી કલ્યાણ બોર્ડના સભ્ય પંકજ બુચ દ્વારા આજરોજ પોલીસ કમિશનર અજયકુમાર તોમરને જવાબદાર ઈસમો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવાની સાથે સખ્ત કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.
ભાડુઆત માણસો કોણ હતા?
ન્યૂ રાંદેર રોડ પર આવેલ પુષ્પધન રો-હાઉસ સોસાયટીમાં શ્વાસની ઘાતકી હત્યામાં સોસાયટીના જ ચોક્કસ રહેવાસીઓ સંડોવાયેલા હોય તેવું સ્પષ્ટ ફલિત થઈ રહ્યું છે. અલબત્ત, આ હિચકારા કૃત્યમાં સોસાયટીના રહેવાસીઓ દ્વારા બે ભાડુઆતી માણસોને ખાસ કુતરાનું કાસળ કાઢવા માટે બોલાવવામાં આવ્યા હતા. જેઓએ ખુબ જ નિર્દયતા અને ઘાતકી રીતે શ્વાન પર પહેલા હુમલો કર્યો હતો અને બાદમાં તરફડીયા મારતી હાલતમાં જ્યાં સુધી શ્વાન મોતને ઘાટ ન ઉતરે ત્યાં સુધી ગળે ફાંસો આપી રાખ્યો હતો.
રાંદેર પોલીસે માત્ર અરજી લીધી
જીવદયા સાથે સંકળાયેલી પ્રયાસ સંસ્થા સહિત રાજ્ય પ્રાણી કલ્યાણ બોર્ડના સભ્ય પંકજ બુચ સહિતના લોકોને જ્યારે આ ઘટનાની જાણ થઈ ત્યારે તેઓએ જવાબદાર ઈસમો વિરૂદ્ધ સખ્તમાં સખ્ત પગલાં ભરવામાં આવે તેવી માંગ સાથે રાંદેર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જો કે, રાંદેર પોલીસ દ્વારા જાણે કુલડીમાં ગોળ ભાંગવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય તેમ માત્ર અરજી જીવદયા પ્રેમીઓને પોલીસ મથકેથી રવાના કરી દેવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: Porbandar: સમુદ્રમાંથી મળેલા બે શંકાસ્પદ કબૂતરોના પગમાં માઈક્રોચિપ્સની આશંકા, શું થઇ રહી છે જાસૂસી?
આ પણ વાંચો: Ahmedabad : સોમવારથી રાજ્યમાં આરોગ્ય સેવાઓ ઠપ્પ થશે, 10 હજાર સરકારી સિનિયર ડોક્ટરો હડતાલ પર ઉતરશે