Breaking News : આકાશમાંથી વીજળી પડી, બિલ્ડિંગ સાથે ટકરાઇ, જુઓ ચોંકાવનારા દ્રશ્યો

સુરતમાં અચાનક પડેલા ભારે વરસાદ અને પવનના કારણે અનેક ઝાડ ધરાશાયી થયા છે. સરથાણામાં રાજહંસ ટાવર પર વીજળી પડવાનો વીડિયો વાયરલ થયો છે.

Breaking News : આકાશમાંથી વીજળી પડી, બિલ્ડિંગ સાથે ટકરાઇ, જુઓ ચોંકાવનારા દ્રશ્યો
| Edited By: | Updated on: Jun 16, 2025 | 3:45 PM

સુરત જિલ્લામાં આજે સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદ પડતાં શહેરમાં ઠંડક પ્રસરી ગઈ છે. સરથાણા વિસ્તારમાં આકાશમાંથી વીજળી વરસતી હોવાનો એક જીવંત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં રાજહંસ ટાવર પર વીજળી પડતી નજરે પડે છે. આ દ્રશ્યો જોઈ લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.

શહેરના અડાજણ, અઠવાગેટ સહિતના વિસ્તારોમાં કાળા ઘનઘોર વાદળો છવાઈ ગયા બાદ વરસાદ શરૂ થયો હતો, જેના કારણે ગરમી અને બફારાથી પીડાતા નાગરિકોને રાહત મળી છે.

ઝાડ ધરાશાયી થવાથી રાસ્તા બંધ, ફાયર બ્રિગેડ દોડી આવી

વરસાદ સાથે જોડાયેલા ભારે પવનના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં ઝાડો ધરાશાયી થયા છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના આંકડા મુજબ કુલ 28 સ્થળોએ વૃક્ષો પડી ગયા છે. સૌથી વધુ 12 વૃક્ષો અઠવા ઝોનમાં ધરાશાયી થયા છે, જ્યારે રાંદેરમાં 7 અને લીંબાયત વિસ્તારમાં 5 વૃક્ષો પડી હોવાના સમાચાર મળ્યા છે.

ઘોડદોડ રોડ વિસ્તારમાં વૃક્ષ પડતાં માર્ગ અવરોધિત થયો હતો અને વાહનચાલનમાં મુશ્કેલી સર્જાઈ હતી. અડાજણ વિસ્તારમાં એક વૃક્ષ કાર પર પડતાં વાહન ચાલકનો અભૂતપૂર્વ બચાવ થયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને વૃક્ષ હટાવવાની કામગીરી હાથ ધરી છે.

સુરત મ્યુનિસિપલ તંત્ર અને ફાયર વિભાગ દ્વારા નાગરિકોને સલામત રહેવાની અપીલ કરવામાં આવી છે, તેમજ વીજળી કે ભારે પવન દરમિયાન ખુલ્લા મેદાનમાં ન જવાની સલાહ આપવામાં આવી છે.

રાજ્યમાં ચોમાસું ફરી સક્રિય બન્યું છે અને આવનારા દિવસોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. તેઓએ જણાવ્યું છે કે અરબ સાગરમાં એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના પગલે આગામી પાંચ દિવસ દરમિયાન કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે.

ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો માટે ચેતવણી આપવામાં આવી છે. ભરૂચ, સુરત, નવસારી અને વાપી જેવા શહેરોમાં વરસાદની શકયતા છે, જ્યારે ડાંગ જિલ્લામાં પણ અતિભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના છે, જેના કારણે તંત્રએ સાવચેતી રાખવા સૂચના આપી છે.

(ઈનપુટ ક્રેડિટ – મેહુલ ભોકળવા)

Published On - 3:45 pm, Mon, 16 June 25