Surat: વરાછાના કોન્સ્ટેબલે ખાખીને લગાવ્યો દાગ, વધુ પૈસા કમાવવાની લાલચમાં પેટ્રોલિંગમાં પકડેલો દારૂ પોતાની જ ગાડીમાં સંતાડ્યો
Surat:સુરતના વરાછાના કોન્સ્ટેબલે એક એવી કરતુત કરી જેનાથી સુરત પોલીસની છબી તો ખરડાઈ જ છે સાથોસાથ તેમણે ગુજરાતમાં રહેલી દારૂબંધીની પણ જાણે મજાક ઉડાવી છે. આ કોન્સ્ટેબલે પેટ્રોલિંગમાં પકડેલો દારૂ પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાના બદલે પોતાની જ કારમાં સંતાડ્યો અને આ કાર પોલીસચોકીની પાછળ આવેલા મલ્ટીલેવલ પાર્કિંગમાં પાર્ક કરી દીધી.
Surat: સુરતના વરાછામાં ફરજ બજાવતો પોલીસ કોન્સ્ટેબલ જ દારૂબંધીની મજાક ઉડાવતો હોય તે પ્રકારનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વરાછાના પોલીસ કોન્સ્ટેબલે પેટ્રોલિંગ દરમિયાન એક કારને રોકી યુવક પાસેથી 1.27 લાખની કિંમતનો 818 બોટલ દારૂ જપ્ત કર્યો હતો. આ દારૂ કોન્સ્ટેબલે પોલીસ સ્ટેશનમાં જમા કરવાના બદલે પોતાની કારમાં છુપાવી દીધો અને કારને કવર ઢાંકી પોલીસ ચોકીની પાછળ જ મલ્ટીલેવલ પાર્કિંગમાં સંતાડી દીધી હતી. વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈને આ બાબતે જાણ થતા બીજા સ્ટાફ સાથે રેડ કરતા એક હોમગાર્ડ ઝડપાયો હતો અને જેની કાર છે તે કોન્સ્ટેબલ સામે ગુનો નોંધી વોન્ટેડ જાહેર કર્યો છે.
કોન્સ્ટેબલે વધુ પૈસા કમાવાની લાલચમાં કારમાં સંતાડ્યો દારૂ
સુરતના વરાછામાં સરદાર નગર પોલીસચોકીની પાછળ આવેલા મલ્ટીલેવલ પાર્કિંગમાં બે દિવસથી કવર ઢાંકીને પડેલી એક કારમાં કંઇક અજુગતુ હોવાના કંટ્રોલરૂમના મેસેજના આધારે વરાછા પોલીસ દોડતી થઇ હતી. ત્યાં જઇને તપાસ કરતા વરાછા પોલીસમાં જ નોકરી કરતો કોન્સ્ટેબલ લખન ભુરાભાઇની આઇટ્વેન્ટી ગાડી મળી આવી હતી.આ ગાડીમાં રૂા. 1.27 લાખની કિંમતનો 818 પેટી દારૂ મળી આવ્યો હતો. વરાછા પોલીસે આ બાબતે સવારે જ લખનને ફોન કરીને પુછપરછ કરતા તેનો ફોન બંધ આવ્યો હતો.
હોમગાર્ડ અને કોન્સ્ટેબલ સામે નોંધાયો ગુનો
લખનની સાથે હાજર મિતુલ નામના હોમગાર્ડની પણ પુછપરછ કરવામાં આવતા મિતુલ અને લખને ભેગા થઇને બે દિવસ પહેલા રાત્રીના સમયે એક સ્વીફ્ટ ગાડીમાંથી દારૂનો જથ્થો પોતાની આઇટ્વેન્ટી ગાડીમાં લઇ લીધો હોવાની ઘટના બહાર આવી હતી. વરાછા પોલીસે પોલીસ કોન્સ્ટેબલ લખન, હોમગાર્ડ મિતુલ તેમજ દારૂ લાવનાર મુકેશ તેમજ બીજા બુટલેગરોની સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે આ બુટલેગર મુકેશ તેમજ પોલીસ કોન્સ્ટેબલ લખનને વોન્ટેડ જાહેર કર્યો છે. જે કોસ્ટેબલની ગાડીમાંથી દારૂ મળ્યો તે વધારે રૂપિયાની લાલચમાં કોન્સ્ટેબલે પોતાની ગાડીમાં લઇ લીધો.
આ પણ વાંચો : Surat: નારી સંરક્ષણ ગૃહની યુવતીઓ સાથે લગ્ન કરવા માટે 20 હજારથી વધારે આવી અરજી, લગ્ન અંગે પૂછપરછ ના કરવા લગાવાઈ નોટિસ
કોન્સ્ટેબલની બુટલેગર સાથે સાંઠગાંઠ હોવાની આશંકાને આધારે શરૂ કરાઈ તપાસ
નવાઈની વાત એ છે કે સુરત પોલીસના જ કેટલાક કોસ્ટેબલોને લઈ સુરત પોલીસની છબી ખરડાઈ રહી છે. સુરત શહેરમાં ચર્ચાનો વિષય બન્યો કે કેટલાક નવા આવેલા પોલીસકર્મીઓ તાત્કાલિક રૂપિયા કમાવવા માટે અવનવા ખેલ કરતા હોય છે.ત્યારે આ વરાછા પોલીસ સ્ટેશનમાં PCRમાં ફરજ બજાવતા લખને જે કારસ્તાન કર્યું છે તેને લઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે તેની સાથે બીજા કોઈ પોલીસ વ્યક્તિ જોડાયેલો છે કે નહીં તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.હાલમાં તો હોમગાર્ડની પોલીસે ધરપકડ કરી જ્યારે ફરાર કોસ્ટેબલને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો