Surat: જહાંગીરપુરામાં સાઈટ પર કારીગરને ગરદનથી પીઠ સુધી અઢી ફુટ લોખંડનો સળિયો ઘૂસી ગયો, સળિયા સાથે લઈ જવાયો સિવિલ, જુઓ Video
ત્રીજા માળેથી પાંચથી છ ફૂટ લાંબો લોખંડનો સળીયો પડ્યો હતો અને આ સળીયો માથાના નીચેના ભાગે સીધો પડતા અઢીથી ત્રણ ફૂટ શરીરમાં ઘૂસી ગયો હતો. જેને લઈ રફિકભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં છેલ્લા એકથી દોઢ વર્ષથી પ્રધાનમંત્રી આવાસ માટેના બિલ્ડીંગો બની રહ્યા છે. આ બિલ્ડીંગનું કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે. દરમિયાન ત્યાં કામ કરતા 26 વર્ષીય કારીગર મહંમ્મદ રફીક આલમ સાથે ખૂબ જ ગંભીર ઘટના બની હતી. મોહમ્મદ રફીક બાંધકામ સાઈટ પર નીચે કામ કરી રહ્યા હતા, આ દરમિયાન અચાનક તેમની ઉપર ત્રીજા માળેથી પાંચથી છ ફૂટ લાંબો લોખંડનો સળીયો પડ્યો હતો અને આ સળીયો માથાના નીચેના ભાગે સીધો પડતા અઢીથી ત્રણ ફૂટ શરીરમાં ઘૂસી ગયો હતો. જેને લઈ રફિકભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
ઘટના સ્થળે જ સળીયાને મશીનથી કાપ્યો
રફિકભાઈ પર પડેલા લોખંડના સળિયાને લઈ અડધો સળીયો શરીરની અંદર અને અડધા ઉપરનો સળીયો બહાર હતો. આ ઘટના બનતા કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરી રહેલા તમામ લોકો ભેગા થઈ ગયા હતા. રસિકભાઈના શરીરમાં ઘૂસી ગયેલા સળીયાને બહાર કાઢવા પ્રયાસ કરતા હતા, પરંતુ લોખંડનો સળીયો એ હદે અંદર ઘૂસ્યો હતો કે બહાર કાઢવો મુશ્કેલ હતો. જેને લઈ તેમની સાથે કામ કરતા અન્ય કારીગરો અને લોકો દ્વારા ઘટના સ્થળ પર જ બહાર રહી ગયેલા સળિયાને કટર મશીન વડે અડધીથી કાપવો પડ્યો હતો. બાદ સારવાર માટે સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક 108 ને ફોન કરી બોલાવવામાં આવી હતી.
સુરતના જંહાગીરપુરા વિસ્તારમાં કામદારના ગળામાં સળિયો ઘૂસ્યો#Surat #Gujarat #TV9News pic.twitter.com/p3gzGYOOf1
— Tv9 Gujarati (@tv9gujarati) February 27, 2023
સિવિલમાં સારવાર માટે લઈ જવાયો
રસિકભાઈના શરીરમાં ઘૂસી ગયેલા લોખંડના સળિયાને લઇ સ્થાનિક લોકોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. સાથી કારીગરો અને કર્મચારીઓએ કટર મશીનથી સળિયાને કાપીને 108ને બોલાવવામાં આવી હતી. 108 દ્વારા કારીગર રફીક આલમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સીમાં તેની તાત્કાલિક સારવાર કરવામાં આવી હતી.
એક્સ રેમાં અઢીથી ત્રણ ફૂટ સળીયો શરીરમાં ઘૂસ્યો દેખાયો
સિવિલ હોસ્પિટલમાં કારીગરને ખસેડાયા બાદ આ અંગે સિવિલ હોસ્પિટલના આરએમઓ ઓમકાર ચૌધરીએ જણાવ્યું હતું કે જહાંગીરપુરામાં પ્રધાનમંત્રી આવાસના બાંધકામ સાઇટ પર કામ કરી રહેલા એક કારીગર ત્રીજા મળેથી સળીયો પડ્યો હતો અને તેના ગરદનથી પીઠ સુધી તે ઘૂસી ગયો હતો. આવી હાલતમાં તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો છે. સિવિલમાં લાવ્યા બાદ તાત્કાલિક કારીગરને દુખાવાનું ઇન્જેક્શન અને ધનુરનું ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું.
તે ઉપરાંત જરૂરી મેડિસિન અને બોટલો પણ આપવામાં આવી રહી છે. હાલ દર્દી સભાન અવસ્થામાં છે અને સ્વસ્થ છે. જોકે યુવકના જે રીતે ગરદનથી પીઠ સુધી સળીયો ઘૂસી ગયો છે. તેમાં પ્રાથમિક કારણ અને એક્સરે રિપોર્ટના આધારે બે થી અઢી ફૂટ ગરદનથી પીઠના નીચેના ભાગ સુધી ઘૂસી ગયો હોવાનું જણાય આવે છે.
નિષ્ણાંત ડોક્ટરની ટીમ દ્વારા ઓપરેશન કરાશે
સિવિલના આર.એમ.ઓ ઓમકાર ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે જે રીતે કારીગર રફીક આલમને લોખંડનો સળીયો શરીરમાં ઉંડે સુધી ઘૂસી ગયો છે તેને લઈ ઓપરેશન કરવું પડશે. જેમાં રફીક આલમનું ઓપરેશન ઓર્થોપેડિક અને સર્જરી વિભાગના ડોક્ટરો દ્વારા સાથે નિષ્ણાંત તબીબોની ટીમ વચ્ચે કરવામાં આવશે. હાલ તે પહેલા તેને જુદી જુદી દવાઓ અને બોટલો ચડાવીને સારવાર આપવામાં આવી રહી છે.