Surat : આ વર્ષે પણ ગણપતિ અને દશામાનું વિસર્જન ઘર આંગણે જ કરવું પડશે
ચાલુ વર્ષે પણ ગણપતિ અને દશામાની પ્રતિમાઓનું વિસર્જન ઘર આંગણે જ કરવું પડશે. કૃતિમ તળાવમાં વિસર્જન દરમ્યાન લોકોની ભીડ થવાની સંભાવનાને જોતા પાલિકાએ આ વર્ષે પણ કૃત્રિમ તળાવ બનાવવાનો વિચાર માંડી વાળ્યો છે.
ગયા વર્ષે કોરોનાની મહામારીના કારણે ઘરઆંગણે જ હજારો પ્રતિમાઓનું વિસર્જન કરવાનો પ્રયોગ સફળ થયો હતો. ત્યારે આ વર્ષે પણ તેનું જ પુનરાવર્તન થવા જય રહ્યું છે. આ વર્ષે પણ ગણપતિ કે દશામાની એક પણ પ્રતિમાનું વિસર્જન તાપી નદીમાં નહીં કરવા દેવાય તેવું સ્પ્ષ્ટપણે સૂચના આપવામાં આવી છે.
સુરતની પ્રજા ઉત્સવપ્રિય છે. શ્રીજીની સાથે સાથે મોટી સંખ્યામાં દશામાની પ્રતિમાનું પણ સ્થાપન કરવામાં આવ્યું છે. તે બાદ શહેરીજનોના મનપસંદ ગણપતિનો તહેવાર આવી રહ્યો છે. ગયા વર્ષે કોરોનાના કારણે આ ઉત્સવ સાદાઈથી ઉજવાયો હતો. આ વર્ષે ધારાધોરણોનું પાલન કરીને ધામધૂમથી ગણેશોત્સવની ઉજવણી કરવા આયોજન થઇ રહ્યું છે.
મુંબઈની જેમ સુરતમાં પણ ઘરે ઘરે બાપ્પાની પધરામણી થઇ રહી છે. એક અંદાજ પ્રમાણે દર વર્ષે ગૌરી ગણેશથી લઈને પુરા દસ દિવસ બેસનાર ગણપતિ બાપ્પાની અંદાજે 50 હજાર જેટલી પ્રતિમાઓનું તાપીમાં વિસર્જન થતું હતું. આ વર્ષે અંદાજે 5 હજારથી વધુ દશામાની પ્રતિમાઓનું સ્થાપન થયું છે. જોકે આ વર્ષે એકપણ પ્રતિમાઓનું વિસર્જન તાપી નદીમાં નહીં કરવા મનપાએ નક્કી કર્યું છે.
પાલિકા દ્વારા તમામ ગણપતિ અને દશામાની પ્રતિમાઓનું વિસર્જન ઘરઆંગણે જ કરવા સૂચન કર્યું છે. સાથો સાથ સુરત શહેરમાંથી પસાર થતી તાપી નદીના ઓવારાઓ પણ ગત વર્ષની જેમ સીલ કરી દેવામાં આવશે અને બેરીકેટ્સ મુકવામાં આવશે. આવતા મંગળવારે દશામાનું અને 19 સપ્ટેમ્બર ગણપતિની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે.
મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાનીએ જણાવ્યું હતું કે હાલ કૃત્રિમ તળાવને લઈને કોઈ આયોજન કરવામાં આવ્યું નથી. જેથી ઘર આંગણે જ પ્રતિમાઓના વિસર્જન પર ભાર મુકવામાં આવ્યો છે. તળાવ બનાવવામાં એકસાથે હજારો લોકોની ભીડ એકત્ર થવાનું જોખમ છે. કોરોના ફરી માથું ઊંચકે તો જાહેર આરોગ્યની સ્થિતિ જોખમાય શકે તેમ છે. જેથી હાલ કૃત્રિમ તળાવ વિષે કોઈ વિચારણા કરવામાં આવી નથી.