Surat : પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી તલાટીઓ લડી લેવાના મૂડમાં, હડતાળ યથાવત રાખવાનું આહ્વાન
અગાઉ પણ આ મુદ્દે તલાટીઓ હડતાલ (Strike )પર ઉતર્યા હતા ત્યારે સરકાર દ્વારા પ્રશ્નોના નિરાકરણ કરવાની ખાતરી આપવામાં આવી હતી પરંતુ આજદિન સુધી તલાટીઓના પ્રશ્નોનું નિરાકરણ થયું નથી.
માંગરોળ (Mangrol ) તાલુકાના બણભા ડુંગર ખાતે માંગરોળ માંડવી(Mandvi ) અને ઉમરપાડા (Umarpada )સહિત ત્રણ તાલુકાના હડતાલ પર ઉતરેલા તલાટીઓની યોજાયેલી મીટીંગ માં રાજ્ય સરકાર જ્યાં સુધી તલાટીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં કરે ત્યાં સુધી હડતાળ યથાવત રાખવાનો મક્કમ નિર્ણય કરવામાં આવ્યો હતો. તલાટીઓના પડતર પ્રશ્નોનું રાજ્ય સરકારે નિરાકરણ નહીં કરતા તારીખ 2 ઓગસ્ટ થી ગુજરાત રાજ્ય તલાટી મહામંડળના આદેશથી સમગ્ર રાજ્યના તલાટીઓ હડતાળ પર ઉતર્યા છે. હડતાલ ના ત્રીજા દિવસે પણ તલાટીઓએ ગ્રામ પંચાયતમાં વહીવટી કામનો બહિષ્કાર કરી હડતાળ યથાવત રાખી હતી.
સુરત જિલ્લા તલાટી મંડળના પ્રમુખ વિજય પટેલ, મહામંત્રી અશોક વણકર, ઉમરપાડા તાલુકા તલાટી મંડળના પ્રમુખ યજુવેન્દ્ર વસાવા, માંગરોળ તલાટી મંડળના પ્રમુખ જીગ્નેશ વસાવા, માંડવી તલાટી મંડળના પ્રમુખ પ્રવીણ ઠાકરડા વગેરે હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ત્રણ તાલુકાના તલાટીઓની મીટીંગ હડતાલના અનુસંધાનમાં યોજવામાં આવી હતી. સુરત જિલ્લા તલાટી મંડળના પ્રમુખ વિજય પટેલે જણાવ્યું કે તલાટીઓ ખૂબ જ જવાબદારી પૂર્વક પોતાની ફરજ નિભાવે છે તેમ છતાં રાજ્ય સરકાર દ્વારા વારંવાર ની માગો પછી પણ તલાટીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ થતું નથી.
અગાઉ પણ આ મુદ્દે તલાટીઓ હડતાલ પર ઉતર્યા હતા ત્યારે સરકાર દ્વારા પ્રશ્નોના નિરાકરણ કરવાની ખાતરી આપવામાં આવી હતી પરંતુ આજદિન સુધી તલાટીઓના પ્રશ્નોનું નિરાકરણ થયું નથી. ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ દ્વારા જેટલી પડતર માગણીઓ સરકાર સમક્ષ મૂકવામાં આવી છે. આ તમામ માગણીઓ સરકાર પૂરી નહીં કરે ત્યાં સુધી ગાંધી ચીંધ્યા માર્ગે તલાટીઓની હડતાળ ચાલુ રહેશે તેવો મક્કમ નિર્ધાર તેમણે વ્યક્ત કર્યો હતો. આ સમયે ત્રણેય તાલુકાના તલાટી મંડળો દ્વારા હડતાલને સંપૂર્ણ સમર્થન જાહેર કરાયું હતું.
આજે પણ તલાટીઓ દ્વારા હડતાલ યથાવત રાખવાનો નિર્ણય કરવામાં આવે છે. આજે પણ એક મિટિંગ કરીને આગામી રણનીતિ નક્કી કરીને કેવી રીતે આ મુદ્દે લડત આપવી તે અંગેની રૂપરેખા નક્કી કરવામાં આવશે તેવું સૂત્રોએ જણાવ્યું છે.
Input Credit Suresh Patel (Olpad )