Surat : સિવિલમાં સારવાર માટે આવેલા 11 દર્દીઓના રિપોર્ટ પણ પોઝિટિવ, તંત્રમાં ખળભળાટ
ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયાથી કેસમાં વધારો થયો છે. 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં સિવિલના ઇમરજન્સી વિભાગમાં 132 વ્યક્તિઓના કોરોના રેપિડ એન્ટિજેન ટેસ્ટ કરવામાં આવ્યા છે.
શહેરમાં (Surat ) કોરોનાના કેસો વધી રહ્યા છે . કોરોનાના (Corona ) કેસોનો આંકડો હવે 400 ને પાર થયો છે. ત્યારે સિવિલમાં ઈમરજન્સી સારવાર માટે આવતા દર્દીઓને પણ કોરોનાનો ચેપ લાગવા લાગ્યો છે. સિવિલ હોસ્પિટલ પ્રશાસને શંકાસ્પદ લોકો માટે કોરોના ટેસ્ટિંગ વધારી દીધું છે અને છેલ્લા ચાર દિવસમાં જ 11 દર્દીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
વહીવટીતંત્રે દર્દીઓને કોવિડ બિલ્ડિંગમાં શિફ્ટ કર્યા છે. શહેરમાં કોરોના વાયરસની ત્રીજી લહેરના આગમન દરમિયાન ગંભીર સ્વરૂપ ધારણ કરવાનું શરૂ કર્યું છે. છેલ્લા એક અઠવાડિયાથી કોરોના સંક્રમણની ગતિ ઘણી વધી ગઈ છે. ઓમિક્રોનની સાથે જ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 400 ને વટાવી ગઈ છે.
આરોગ્ય વિભાગે કોરોના સંક્રમણને રોકવા માટે ટેસ્ટિંગમાં વધારો કર્યો છે. નવી સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં આવતા દર્દીઓનું પણ કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આમાં , આકસ્મિક ઘટનાઓમાં ઘાયલ થયેલા MLC કેસના દર્દીઓના ટેસ્ટિંગમાં પણ વધારો કરવામાં આવ્યો છે.
હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું કે ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયાથી કેસમાં વધારો થયો છે. 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં સિવિલના ઇમરજન્સી વિભાગમાં 132 વ્યક્તિઓના કોરોના રેપિડ એન્ટિજેન ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં વિવિધ પોલીસ સ્ટેશનોમાંથી લાવવામાં આવેલા 63 આરોપીઓના કોરોના ટેસ્ટિંગનો પણ સમાવેશ થાય છે. જેમાં તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. આ સિવાય 11 દર્દીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
આરએમઓ ડૉ . કેતન નાયકે માહિતી આપી હતી કે , કોરોના સંક્રમિતની ઓળખ થયા બાદ દર્દીને કોવિડ હોસ્પિટલમાં ખસેડવા માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે. નોંધનીય છે કે બે દિવસ પહેલા પાંડેસરામાં રહેતી એક વૃદ્ધ મહિલાનો રિપોર્ટ સિવિલના ઈમરજન્સી વિભાગમાં પોઝિટિવ આવ્યો હતો. પરિવારના સભ્યો વૃદ્ધ મહિલા સાથે આ પછી ચાલ્યા ગયા હતા.
સુરતમાં વધતા કોરોના ના કેસો વચ્ચે હવે મહાનગરપાલિકા તંત્ર દ્વારા પણ શહેરીજનોને સતર્ક રહેવા અને કોરોનાની તમામ ગાઈડલાઇનનું પાલન કરવા જણાવવામાં આવ્યું છે. આગામી 45 દિવસ સુરત માટે મહત્વના હોય લોકોને ખાસ સાવચેતી રાખવા પણ અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં આજથી 5 દિવસ સુધી માવઠાની આગાહી, જાણો કયા વિસ્તારમાં રહેશે કેવું વાતાવરણ