Surat: તંત્ર દ્વારા આખો કોટ વિસ્તાર ખોદી નંખાતાં સુરતીઓને ભારે હાલાકી, કોર્પોરેશન રોડ પર જ કાચબા ગતિથી કામ ચાલતા રહીશો મુશ્કેલીમાં
સુરતના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાના પાણી અને ગટરના કામો તો ચાલી જ રહ્યા છે. સાથે સાથે મેટ્રોની કામગીરીને લઈને પણ સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ઘણા ખોદકામ કરવામાં આવ્યા છે.
Surat: સુરતના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાના (Surat Municipal Corporation) પાણી અને ગટરના કામો તો ચાલી જ રહ્યા છે. સાથે સાથે મેટ્રોની કામગીરીને લઈને પણ સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ઘણા ખોદકામ કરવામાં આવ્યા છે. જેના કારણે આ ઝોનની પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા ખોદકામ કરાયા બાદ યોગ્ય રસ્તાના યોગ્ય લેવલ કામ કરાતા નથી. જેથી વાહનચાલકો પણ પરેશાન થઈ રહ્યા છે. જેથી સુરત કોર્પોરેશન દ્વારા આ વિસ્તારમાં ખોદકામની કામગીરી સમયસર પુરી કરી વ્યવસ્થિત રોડ સરફેસિંગનું કામ કરવા સ્થાનિકો દ્વારા મનપા કમિશનરને રજુઆત કરી છે.
રજુઆતમાં તેમણે જણાવ્યું છે કે, સુરત કોર્પોરેશન દ્વારા સેન્ટ્રલ ઝોનમાં ગટર અને પાણીના કામોને લઈ છેલ્લાં 3 વર્ષમાં અનેક વખત ખોદકામ કરવામાં આવ્યું ત્યારબાદ રોડ સરફેસિંગની કામગીરી કરવામાં આવી નથી. મેટ્રોની પણ કોઈપણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા વિના આડેધડ કામગીરી કરાઈ રહી છે. જેના લીધે કોટ વિસ્તારમાં અરાજકતાની સ્થિતિ સર્જાઈ છે. માર્ચ 2020 બાદ કોરોનાને પગલે શહેરીજનોના ધંધા ઠપ્પ પડી ગયા હતા.
હવે જ્યારે કોરોના કાબુમાં આવ્યા બાદ ચોમાસાની સિઝન આવી રહી છે. જો આ કામગીરી સમયસર પુરી કરી વ્યવસ્થિત રોડ સરફેસિંગનું કામ નહીં કરાશે તો શહેર ડેન્ગ્યુ અને મેલેરીયામાં સપડાશે. હાલમાં ખોદકામને કારણે વાહનો પસાર થતા અસહ્ય માટી ઉડે છે. જેના કારણે અકસ્માતનું જોખમ વધે છે. તંત્રને વારંવાર રોડ ઉપર પાણીનો છંટકાવ તેમજ બ્રસિંગ કરવા રજૂઆત કરવામાં આવી હતી. જેથી ધૂળ ઉડતી બંધ થાય તેમ છતાં આજ સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી. જેથી સેન્ટ્રલ ઝોન દ્વારા મનપામાં વારંવાર ફરીયાદ કરવામાં આવી રહી છે કે યોગ્ય કામગીરી કરવામાં આવે.
એક તરફ ચોમાસું માથે છે ત્યારે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી ની શરૂઆત થઈ ગઈ છે. બીજી તરફ કોર્પોરેશન દ્વારા પ્રિમોન્સુન કામગીરી માટે મિટિંગ બોલાવીને તમામ ગામોને 31 મે પહેલા સેફ સ્ટેજ પર લાવવા અધિકારીઓને સુચના આપવામાં આવી છે. પરંતુ જે હિસાબે શહેરના રસ્તા પર ખોદકામ અને મેટ્રોની કામગીરી ચાલી રહી છે તે જોતાં એવું લાગતું નથી કે આ કામ 31 મે સુધીમાં પૂર્ણ થાય. એટલે એટલે એ વાત તો નક્કી છે કે આ ચોમાસામાં પણ શહેરીજનોને રસ્તા પર થયેલા ખોદકામ અને મેટ્રો કામગીરીને કારણે પારાવાર હેરાન થવાનો વારો આવશે.