Surat : સુરતીઓ નવું લાવ્યા !! નવરાત્રી માટે તૈયાર કર્યા કોરોના જાગૃતિ માટેના ચણિયાચોળી
કોરોના વેક્સીન માટે જાગૃતિનો સંદેશો આપતા ગણેશજીએ ખાસ આકર્ષણ જમાવ્યું હતું. ત્યારે હવે સુરતમાં ખેલૈયાઓ દ્વારા કોરોના જાગૃતિની થીમ પર ચણીયા ચોળી તૈયાર કરવામાં આવ્યા છે.
સુરતીઓ (Surtis) હંમેશા કંઈ નવું કરવા જાણીતા છે અને આ વખતે પણ સુરતના ગરબામાં (Garba) કંઈ નવીનતા જોવા મળશે એ નક્કી છે. છેલ્લા દોઢ વર્ષથી કોરોનાને કારણે કોઈ પણ તહેવારો ઉજવાઈ શક્યા ન હતા. પરંતુ આ વર્ષે હવે જયારે કોરોનાના કેસો ઓછા થઇ રહ્યા છે. ત્યારે સરકારે પણ ઉદારતા દાખવીને તહેવારો ઉજવવા માટે છૂટછાટ આપી છે.
પહેલા ગણેશોત્સવ, જન્માષ્ટમી અને હવે વેક્સીન લીધેલા 400 વ્યક્તિઓ સાથે શેરી મહોલ્લામાં નાના પાયે ગરબા રમવા માટે મંજૂરી આપી દીધી છે. ગત વર્ષે કોરોનાના કારણે ગરબા ન રમી શકનાર ખેલૈયાઓમાં આ વર્ષે નવરાત્રિને લઈને ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ઉત્સવ નાના મોટા અને ખાસ કરીને યુવા હૈયાઓનો માનીતો તહેવાર છે.
આપણે ગણેશોત્સવ દરમ્યાન જોયું હતું કે અલગ અલગ થીમ પર ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી. તેમાં પણ કોરોના વેક્સીન માટે જાગૃતિનો સંદેશો આપતા ગણેશજીએ ખાસ આકર્ષણ જમાવ્યું હતું. ત્યારે હવે સુરતમાં ખેલૈયાઓ દ્વારા કોરોના જાગૃતિની થીમ પર ચણીયા ચોળી તૈયાર કરવામાં આવ્યા છે.
સુરતના બે આર્ટિસ્ટ જિગીષા ચેવલી અને ચૈતાલી દમવાળા દ્વારા કોરોનાની થીમ પર ખાસ ચણિયાચોળી તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં કોરોના વેક્સીન માટે જાગૃતિનો સંદેશો આપવામાં આવ્યો છે. જિગીષા ચેવલીનું કહેવું છે કે કોરોના થીમ પર ગણપતિ બાપ્પાનું સ્થાપન કરવામાં આવ્યું હતું. આ વર્ષે સરકારે નવરાત્રી માટે છૂટ આપી છે, જેથી અમે વિચાર કર્યો કે તેની જાગૃતિ માટે ચણિયાચોળી બનાવવામાં આવે. જેથી અમારા વિદ્યાર્થીઓએ ચણીયા ચોળી પર વેક્સીન સર્ટિફિકેટ, માસ્ક, હેન્ડ સેનિટાઇઝર, દોરીને તેના પર વર્ક કર્યું છે. તેની પાછળ અમને 15 થી 20 દિવસ જેટલો સમય ગયો છે. પણ જયારે તે તૈયાર થઇ ગયા છે ત્યારે ખુબ સુંદર લાગે છે.
ચૈતાલી દમવાળાનું કહેવું છે કે તેઓને જાણવા મળ્યું છે કે હજી અસંખ્ય લોકોએ વેક્સીનનો બીજો ડોઝ પણ લીધો નથી. જેથી અમે બંનેએ મળીને આ ચણિયાચોળીની થીમ વિચારી હતી. હું આ જ ચણિયાચોળી પહેરીને ગરબા રમવાની છું. જેથી મારી સાથે રમતા બીજા ખેલૈયાઓ અને લોકોમાં પણ જાગૃતિ આવે. મેં વેક્સીનના બંને ડોઝ લઇ લીધા છે અને હું ઈચ્છું છું આ જાગૃતિ અન્ય લોકોમાં પણ આવે.
આ પણ વાંચો : Surat : ટેક્સ્ટાઇલ માર્કેટમાં છેતરપીંડી કરી ઉધમ મચાવનાર 51 ચીટરોની યાદી પોલીસને સુપરત કરાઈ
આ પણ વાંચો : Surat : આઝાદીના જશ્ન નિમિત્તે બ્યુટીફીકેશન અને પ્લેસ મેકિંગ કરીને સુરત બન્યું ખુબસુરત