Surat : કોર્પોરેશનની સુમન પ્રવાસ ટિકિટને સુરતીઓનો જબરદસ્ત પ્રતિસાદ, એક મહિનામાં 4.60 લાખ મુસાફરોએ લીધો લાભ
હજી સુધી ફક્ત 88 હજાર મની (Money Card )કાર્ડ જ નીકળ્યા છે. અને તેમાં પણ મોટા ભાગના કાર્ડ સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા કાઢવામાં આવ્યા હતા.

સુરત (Surat ) મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલી સુમન પ્રવાસ ટિકિટ(Ticket ) યોજનાને જોરદાર પ્રતિસાદ(Response ) મળી રહ્યો છે. એક જ મહિનાની અંદર અંદાજે 4.60 લાખ લોકોએ તેનો લાભ લીધો છે. ખાસ કરીને ફેરિયા અને સેલ્સમેન વગેરે માટે આ ટિકિટ ફાયદાકારક હોય આગામી દિવસોમાં તેનો વધુ ઉપયોગ થાય તેવી શક્યતા છે, સુમન ટિકિટને મળેલા પ્રતિસાદને જોતા 2018 માં મનપા દ્વારા લોન્ચ કરાયેલા સુરત મની કાર્ડની નિષ્ફળતાની ચર્ચા ઉઠી છે કારણ કે આ કાર્ડમાં સિટી અને બીઆરટીએસ બસમાં મુસાફરી સાથે પાલિકાના વિવિધ પેમેન્ટ ભરવા અને અન્ય કેટલીક જગ્યાએ તેનો ઉપયોગ થઇશે છે.
આમ છતાં હજી સુધી ફક્ત 88 હજાર મની કાર્ડ જ નીકળ્યા છે. અને તેમાં પણ મોટા ભાગના કાર્ડ સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા કાઢવામાં આવ્યા હતા. તેવામાં મુસાફરોને આકર્ષવા માટે સુરત મહાનગરપાલિકાએ સામુહિક પરિવહન સેવામાં વધુ મુસાફરી કરનારા મુસાફરો માટે પાલિકાએ 21 જુલાઇથી સુમન પ્રવાસ ટિકિટ સુવિધા શરૂ કરી હતી. જેમાં 25 રૂપિયાની સુમન ટિકિટ કઢાવી સંપુર્ણ દિવસ મનપાની બસમાં મુસાફરી કરી શકાય છે. જેને શહેરીજનો વધુ પસંદ કરી રહ્યા છે. કારણ કે, માર્કેટીંગના વ્યવસાય સાથે જોડાયેલા લોકો આ સુવિધાનો મહત્તમ લાભ લઇ રહ્યા છે. અને એક જ માસમાં 4.60 લાખ લોકોએ આ સુવિધાનો લાભ લીધો હોવાનું જાણવામાં આવ્યું છે.
આમ એકતરફ સુરત મહાનગરપાલિકાની માસ ટ્રાન્સપોર્ટેશન સેવાનો લોકો મહત્તમ લાભ લે તે દિશામાં સુરત મનપા દ્વારા આ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેને કંઈક અંશે સફળતા પણ મળી રહી છે. માત્ર 25 રૂપિયામાં એક જ ટિકિટ લઈને આખો દિવસ મુસાફરી કરવાનો લાભ શહેરીજનોને નફાકારક લાગી રહ્યો છે. અને એટલા માટે જ માત્ર એક મહિનામાં 4.60 લાખ લોકોએ આ યોજનાનો લાભ પણ લીધો છે.