Surat : દિવાળીમાં ફટાકડા ફોડતી વખતે ધુમાડો બની શકે છે હાનિકારક : ફેફસાના નિષ્ણાત તબીબ
ફટાકડાનો ધુમાડો અસ્થમાના દર્દીઓ માટે હાનિકારક છે. વાલીઓએ પોતાના બાળકોને ફટાકડાના ધુમાડાથી દૂર રાખવા જોઈએ જેથી શ્વસનતંત્રને લગતી તકલીફોથી પણ બાળકોને બચાવી શકાય.
દિવાળી (Diwali 2021) પ્રકાશ પર્વ ફટાકડા ફોડી ઉજવવામાં આવે છે. પરંતુ ફટાકડા (Crackers) ફોડતા નીકળતો ધુમાડો ઝેરી હોય છે અને તે શ્વાસમાં જવાથી શ્વસનતંત્રને અસર કરે છે. ખાસ કરીને બાળકો, વૃધ્ધો અને જેઓને શ્વસનતંત્રની બીમારી છે, તેઓ માટે આ ધુમાડો હાનિકારક છે તેવી શહેરના જાણીતા ફેફસાના નિષ્ણાત તબીબનું જણાવવું છે.
તેઓ વધુમાં ઉમેરે છે કે ફટાકડામાં કાર્બન અને સલ્ફર હોય છે. જે બાળવા માટે જરૂરી છે. ફટાકડા બનાવતી વખતે તેમાં આર્સેનિક, મેન્ગેનીઝ, સોડિયમ ઓક્સાલેટ, એલ્યુમિનિયમ, આયર્ન ડસ્ટ પાઉડર, પોટેશિયમ પરક્લોરેટ, સ્ટ્રોન્ટીયમ નાઇટ્રેટ અને બેરિયમ નાઇટ્રેટ જેવા પદાર્થ ઉમેરવામાં આવે છે. ફટાકડા સળગાવવાથી મોટી માત્રામાં વાયુ પ્રદૂષકો જેવા કે સલ્ફર ડાયોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઈડ, કાર્બન મોનોક્સાઈડ અને રજકણોની સાથે ધાતુના ક્ષાર જેવા કે એલ્યુમિનિયમ અને મેંગેનીઝ નીકળે છે.
ફટાકડાંમાંથી ઉત્સર્જિત થતા ધુમાડાથી શ્વસનતંત્રને શું અસર થાય ? 1. અસ્થમા છે તેઓને તકલીફ વધી શકે છે. 2. ઘણા લોકોને ખાંસી આવે છે. 3. આંખ લાલ થઇ જાય છે. 4. નાક-ગળામાં બળતરા થાય છે. 5. ક્રોનિક ઓબ્સ્ટ્રૅક્ટિવ પલ્મોનરી ડિસીઝ વધી શકે છે.
શું કાળજી રાખવી જોઈએ ? 1. અસ્થમાની દવા નિયમિત લેવી જોઈએ. 2. ધુમાડાની એકદમ નજીક જવું નહીં. 3. ઓછા ધુમાડાવાળા ફટાકડા ફોડવા જોઈએ. 4. માસ્ક પહેરવુ જોઈએ. 5. જેઓને શ્વસનતંત્રની બીમારી નથી, તેઓએ પણ ધુમાડાથી દૂર રહેવું જોઈએ.
અસ્થમા વધી જાય તો શું કરવું જોઈએ ? 1. અસ્થમાની દવાનો ડોઝ વધારવો જોઈએ. 2. જો શ્વાસની તકલીફ વધી જાય તો તબીબી સારવાર લેવી જોઈએ. 3. અઠવાળી, તીખી-તળેલી વસ્તુ ખાવી જોઈએ નહીં. 4. અથાણાં ખાવા જોઈએ નહિ. 5. પ્રિઝર્વેટિવ, ફૂડ કલરવાળી વસ્તુઓ ખાવી જોઈએ નહિ. 6. અરજીનોમોટો હોય તેવી વસ્તુ ખાવી જોઈએ નહિ.
આમ દિવાળીમાં જો ફટાકડા ફોડતી વખતે કાળજી લેવામાં નહીં આવે તો ફટાકડાનો ધુમાડો તમને બીમાર કરી શકે છે. ખાસ કરીને ફટાકડાનો ધુમાડો અસ્થમાના દર્દીઓ માટે હાનિકારક છે. વાલીઓએ પોતાના બાળકોને ફટાકડાના ધુમાડાથી દૂર રાખવા જોઈએ જેથી શ્વસનતંત્રને લગતી તકલીફોથી પણ બાળકોને બચાવી શકાય.
આ પણ વાંચો : સુરેન્દ્રનગર : મૂળી તાલુકામાં એરંડાના પાકમાં કાળી ઇયળોનો ઉપદ્રવ, પાક નિષ્ફળ જાય તેવી ખેડૂતોને ભીતિ
આ પણ વાંચો : Bhakti: ગૌપૂજાના અવસરે જાણો કે, ગાય માતામાં કેવી રીતે અને શા માટે થયો 33 કોટિ દેવતાઓનો નિવાસ ?