Bhakti: ગૌપૂજાના અવસરે જાણો કે, ગાય માતામાં કેવી રીતે અને શા માટે થયો 33 કોટિ દેવતાઓનો નિવાસ ?
નંદા ગાયના ચમત્કાર જોઈ ઋષિ જમદગ્નિ આશ્ચર્યમાં મૂકાઈ ગયા. તેમણે નંદા ગાયને પોતાની માતા સમાન સ્થાન આપ્યું. ત્યારે દેવતાઓએ ઋષિ જમદગ્નિ અને નંદા ગાયની પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો.
ગા વૈ પશ્યામ્યહં નિત્યં ગાવઃ પશ્યન્તુ માં સદા । ગાવોડસ્માકં વયં તાસાં યતો ગાવસ્તતો વયમ્ ।।
મહાભારતના (mahabharata) અનુશાસન પર્વમાં ગૌમાતાની (gau mata) મહત્તાને વર્ણવતા આ અદભુત વાત કહેવાઈ છે. જેનો અર્થ થાય છે કે, “હું નિત્ય ગાયનું દર્શન કરું અને ગાય મારા પર કૃપાદૃષ્ટિ કરે. ગાય અમારી છે અને અમે ગાયના છીએ. જ્યાં ગાય રહે ત્યાં જ અમે રહીએ. કારણ કે, ગાય છે તેને લીધે જ તો અમે પણ છીએ !”
મહાભારતની જેમ જ અનેકવિધ પુરાણોમાં ગાયમાતાની સ્તુતિ અને મહત્તાનું વર્ણન મળે છે. અને સાથે જ રસપ્રદ કથાનકોનો પણ ઉલ્લેખ મળે છે. આવી જ એક કથા 33 કોટિ દેવી-દેવતાના ગાયમાતામાં નિવાસ કરવા સાથે પણ જોડાયેલી છે. પ્રચલિત કથા અનુસાર અમૃતની પ્રાપ્તિ અર્થે દેવો અને દાનવો દ્વારા સમુદ્રમંથન કરવામાં આવ્યું. આ સમુદ્રમંથનમાંથી હળાહળ બાદ અને અમૃત પૂર્વે અનેકવિધ રત્નોની પ્રાપ્તિ થઈ. સાથે જ દેવી લક્ષ્મી, ધન્વંતરિ તેમજ અદભુત શક્તિવાળી પાંચ પ્રકારની ગાયનું પણ પ્રાગટ્ય થયું. કામધેનુ તરીકે પ્રસિદ્ધ આ પાંચ ગાય એટલે નંદા, સુભદ્રા, સુરભિ, સુશીલા અને બહુલા.
દંતકથા અનુસાર દેવો અને દાનવોએ સહમતિથી કામધેનુનો અધિકાર શિવજીને સોંપ્યો અને શિવજીએ તે ગાયનું ઋષિઓને દાન કરી દીધું. જેમાંથી ઋષિ જમદગ્નિને નંદા ગાયની પ્રાપ્તિ થઈ. આશ્રમમાં નંદા ગાયના ચમત્કાર જોઈ ઋષિ જમદગ્નિ આશ્ચર્યમાં મૂકાઈ ગયા. તેમણે નંદા ગાયને પોતાની માતા સમાન સ્થાન આપ્યું. ત્યારે દેવતાઓએ પરીક્ષા લેવાના હેતુથી ઋષિ જમદગ્નિને કહ્યું કે, “જો નંદા ખરેખર તમારી માતા હોય, તો બધાં જ દેવોને તેમના ખોળામાં સ્થાન દઈને બતાવે !”
પ્રચલિત કથા એવી છે કે નંદાએ બધાં જ દેવી દેવતાઓને તેમનામાં જ સમાવી દીધાં. દેવતાઓને સ્વયંની ભૂલનું ભાન થયું. તેમણે કામધેનુ નંદાની ક્ષમા માંગી અને તેમને માતા સમાન માન્યા. તેમજ ગાયમાં સદૈવ નિવાસ કરવાનો નિર્ણય પણ લીધો. કહે છે કે ત્યારથી જ ગાયમાં 33 કોટિ દેવી-દેવતાઓનો વાસ છે. અને ગાયના પૂજનથી તમામ દેવી-દેવતાઓના આશીર્વાદની પણ પ્રાપ્તિ થાય છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)
આ પણ વાંચોઃ આ 7 વસ્તુઓ ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવે છે, ધનતેરસના દિવસે તે લાવવાનું ભૂલશો નહીં
આ પણ વાંચોઃ સૌભાગ્ય અને સમૃદ્ધિના આશિષ પ્રદાન કરશે સ્ફટિકની માળા, જાણો માળાને સિદ્ધ કરવાની રીત