Surat : માંડવીના આમલી ડેમના પાણીમાં લાપતા 5 મજુરોની શોધખોળ તેજ, 20થી વધુ ટીમો કામે લાગી
સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આમલી ડેમની વચ્ચે આવેલા ડુંગર પર ઘાસચારો લેવા માટે 10 જેટલા શ્રમિકો નાવડીમાં બેસી નીકળ્યાં હતાં. બે દિવસ અગાઉ બનેલી આ દુર્ઘટનામાં નાવડી ડેમમાં વચ્ચેથી પસાર થઇ રહી હતી. ત્યારે અચાનક જ સવારે ભારે પવન ફૂંકાતા નાવડી પલટી મારી ગઈ હતી.
Surat : માંડવીના આમલીડેમમાં પાણીમાં લાપતા પાંચ શ્રમિકોને શોધવા SDRF ની ટીમ પહોંચી, સતત ત્રીજા દિવસે 20થી વધુ સભ્યોની ટીમ વહેલી સવારથી કામે લાગી છે. માંડવી તાલુકામાં આવેલા આમલી ડેમમાં ગતરોજ શ્રમિકો ભરેલી નાવડી પલ્ટી મારવાની દુર્ઘટના સર્જાઈ તેમાં લાપતા પાંચ શ્રમિકોની હજુ સુધી કોઈ ભાળ મળી નથી. સ્થાનિક ફાયર વિભાગ અને પ્રસાશન શ્રમિકોને શોધવામાં નિષ્ફળ રહ્યા બાદ એસડીઆરએફની ટીમ માંડવી આવી પહોંચી છે.
સતત ત્રીજા દિવસે વહેલી સવારથી એસડીઆરએફ ની ટીમ સાથે ફાયર વિભાગ અને સ્થાનિક લોકો કામગીરીમાં જોતરાયા છે. પરંતુ ડેમમાં ઊંડા પાણીમાં ડૂબી ગયા બાદ લાપતા હજુ પાંચ પૈકી એકપણ શ્રમિકની કોઈ ભાળ મળી નથી.
સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આમલી ડેમની વચ્ચે આવેલા ડુંગર પર ઘાસચારો લેવા માટે 10 જેટલા શ્રમિકો નાવડીમાં બેસી નીકળ્યાં હતાં. બે દિવસ અગાઉ બનેલી આ દુર્ઘટનામાં નાવડી ડેમમાં વચ્ચેથી પસાર થઇ રહી હતી. ત્યારે અચાનક જ સવારે ભારે પવન ફૂંકાતા નાવડી પલટી મારી ગઈ હતી. જેથી શ્રમિકો ડેમના પાણીમાં ડૂબવા લાગ્યાં હતાં. દુર્ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો અને તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરી હતી. પરંતુ સાત શ્રમિકો ડેમના ઊંડા પાણીમાં ગરક થઇ ગયા હતા. 3 શ્રમિકો તરીને કિનારા સુધી આવી ગયા હતા.
ડેમમાં દુર્ઘટના સર્જાયાની જાણ થતાની સાથે જ તંત્રની સાથે સ્થાનિકો પણ દોડી આવ્યાં હતાં. ડેમમાં ડૂબેલાને શોધવા માટે સ્થાનિકો અને તંત્ર કામે લાગ્યું હતું જેમાં દેવનીબેન વસાવા (ઉ.વ. 63) અને ગીમલીબહેન વસાવા (ઉ.વ.62) ના મૃતદેહ મળી આવ્યા હતા. જયારે ગઈકાલે (12-01-22) મોડી સાંજ સુધી મીરાભાઈ વસાવા, રાલુબહેન વસાવા, મગુભાઈ વસાવા, રાયકુબહેન વસાવા, પુનિયાભાઈ વસાવા ની કોઈ ભાળ મળી ન હતી.
સતત બે દિવસ સુધી સ્થાનિક ફાયર વિભાગની ટીમ અને તંત્ર દ્વારા લાપતા શ્રમિકોની શોધખોળની કામગીરીમાં જોતરાયા હતા. પરંતુ બે દિવસ બાદ પણ કોઈ ભાળ મળી ન હતી. જેથી આજે વહેલી સવારે એસડીઆરએફની ટીમ માંડવીમાં આવી પહોંચી હતી. સવારથી 20 સભ્યોની ટીમ લાપતા શ્રમિકોની શોધખોળમાં કામે લાગી છે જોકે બપોર સુધી તેમને હજુ કોઈ સફળતા મળી નથી.
આ પણ વાંચો : Surat : લેબોરેટરી અને હોસ્પિટલને સજ્જ રહેવા કલેકટરની તાકીદ, એક મહિના સુધી દવાનો સ્ટોક કરી રાખવા પણ આદેશ
આ પણ વાંચો : કોરોનાની ત્રીજી લહેરમાં મજૂરોનું શહેરોમાંથી ગામડા તરફ પલાયન શરૂ થયું ? વાંચો સરકારે આ અંગે શું આપ્યો જવાબ