Surat : નીલકંઠ મહાદેવ મંદિરમાં આરતી સમયે ત્રણ શ્વાનની નિયમિત હાજરીથી લોકોમાં કુતુહલ
શરૂઆતમાં તો આરતી સમયે શ્વાનની હાજરીની ઘટનાને કોઈએ ધ્યાને લીધી ન હતી પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી નિયમિત સમયે આરતી વખતે જ આ શ્વાન મંદિર પરિસરમાં પહોંચી જતા હવે આ ઘટનાની ચર્ચાએ આસપાસના વિસ્તારમાં જોર પકડ્યું છે.
શહેરના (Surat ) અશ્વનીકુમાર ખાતે આવેલ મહાદેવનું મંદિર (Temple )આજકાલ આસપાસના વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બનવા પામ્યું છે. નિલકંઠ મહાદેવ મંદિરમાં સવાર – સાંજ આરતીના સમયે શ્વાનોની નિયમિત હાજરીથી શ્રદ્ધાળુઓમાં પણ કૌતુહલ જોવા મળી રહ્યું છે. આખો દિવસ સોસાયટીઓમાં ફરતા આ શ્વાન મંદિરમાં આરતી પૂર્વે શંખનાદ સાંભળીને જ જ્યાં હોય ત્યાંથી મંદિર પરિસરમાં પહોંચી જતા હોય છે. જોકે, આરતી દરમ્યાન હાજર રહેલા શ્રદ્ધાળુઓની વચ્ચે જ આ શ્વાન જ્યાં સુધી આરતી પૂર્ણ ન થાય ત્યાં સુધી મંદિરમાં ઉભા રહે છે.
અશ્વનીકુમાર ખાતે આવેલ લક્ષ્મીનારાયણ સોસાયટી પાસેનું ઐતિહાસિક નિલકંઠ મહાદેવ શ્રદ્ધાળુઓમાં અદકેરૂં સ્થાન ધરાવે છે. મહાદેવના આ મંદિરમાં નિયમિત આરતી કરતાં પ્રવિણભાઈ વઘાસિયાએ શ્વાનની નિયમિત હાજરી સંદર્ભે જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા ત્રણેક વર્ષથી મહાદેવની પુજા અર્ચના સાથે આરતી કરે છે અને આ દરમ્યાન નિયમિતપણે ત્રણ શ્વાન આરતી સમયે મંદિરના ઓટલા પર આવી જતાં હોય છે.
આરતીના શંખનાદ સાથે જ આસપાસની સોસાયટીમાં ગમે ત્યાં હોય પરંતુ આ શ્વાન દોડીને મંદિર પરિસરમાં પહોંચી જતા હોય છે. એટલું જ નહીં પરંતુ જ્યાં સુધી આરતી પુરી ન થાય ત્યાં સુધી આ ત્રણેય શ્વાન ઉંચા ઉંચા અવાજે આરતીના સૂરમાં જાણે સૂર પુરાવતાં હોય તેમ સ્પષ્ટ નજરે પડે છે.
મંદિરમાં આરતી સમયે હાજર રહેતા શ્રદ્ધાળુઓએ પણ આ સંદર્ભે વધુમાં જણાવ્યું હતું કે, શરૂઆતમાં તો આરતી સમયે શ્વાનની હાજરીની ઘટનાને કોઈએ ધ્યાને લીધી ન હતી પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી નિયમિત સમયે આરતી વખતે જ આ શ્વાન મંદિર પરિસરમાં પહોંચી જતા હવે આ ઘટનાની ચર્ચાએ આસપાસના વિસ્તારમાં જોર પકડ્યું છે. આરતી દરમ્યાન મહાદેવનો પ્રસાદ લીધા બાદ આ શ્વાન પુનઃ આસપાસની સોસાયટીમાં રવાના થઈ જતા હોય છે. અહિંયા આવતી મહિલા શ્રદ્ધાળુઓએ પણ જણાવ્યું હતું કે, પહેલા તો આરતી દરમ્યાન શ્વાનની હાજરીને પગલે ડર લાગતો હતો પરંતુ આજ દિન સુધી આ ત્રણેય શ્વાન દ્વારા કોઈ પણ શ્રદ્ધાળુને કનડગત કરવામાં આવી નથી.
તાપી પુરાણમાં પણ મંદિરનો ઉલ્લેખ
લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા અને વર્ષોથી નિલકંઠ મહાદેવ મંદિરમાં દર્શન માટે આવતાં ઠાકરશીભાઈએ જણાવ્યું હતું કે, આ મંદિરનો ઉલ્લેખ તાપી પુરાણમાં પણ જોવા મળે છે. અંદાજે 400 વર્ષ કરતાં પણ જુનું આ નિલકંઠ મહાદેવનું મંદિર આસપાસના વિસ્તારના નાગરિકોમાં શ્રદ્ધાનું કેન્દ્ર છે. ખાસ કરીને શ્રાવણ મહિનામાં તો આ મંદિરમાં દર્શનાર્થે સેંકડો લોકોની ભીડ ઉમટી પડતી હોય છે.