Surat: જુલાઈના ચાર દિવસમાં જ સુરતમાં વરસાદે રેકોર્ડ તોડ્યો, પાંચમા દિવસે વરસાદના વિરામથી તંત્રને હાશકારો
રાજ્યમાં હવે વિધિવત રીતે ચોમાસુ બેસી ગયું છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સુરત શહેરમા આ વખતે સૌથી સારો વરસાદ જોવા મળ્યો છે. આંકડાઓનું માનીએ તો આખા રાજ્યમાં સૌથી સારો વરસાદ સુરત શહેર અને જિલ્લામાં પડ્યો છે.
Surat: રાજ્યમાં હવે વિધિવત રીતે ચોમાસુ બેસી ગયું છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સુરત શહેરમા આ વખતે સૌથી સારો વરસાદ જોવા મળ્યો છે. આંકડાઓનું માનીએ તો આખા રાજ્યમાં સૌથી સારો વરસાદ સુરત શહેર અને જિલ્લામાં પડ્યો છે. જુલાઈ મહિનાના ચાર દિવસોમાં જ શહેરમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો છે, જે 8 વર્ષમાં સૌથી વધારે છે. ગયા વર્ષની વાત કરીએ તો ગત વર્ષે જુલાઈ મહિનામાં 1.29 મિમી વરસાદ જ પડ્યો હતો. જોકે આ વર્ષે સૌથી વધારે વરસાદ સુરત જિલ્લામાં 25.14 ટકા પડ્યો છે, જ્યારે સૌથી ઓછો વરસાદ ગાંધીનગરમાં 3.85 ટકા જેટલો પડ્યો છે.
છેલ્લા આઠ વર્ષની સરખામણી કરીએ તો જુલાઈ મહિનામાં શરૂઆતના ચાર દિવસોમાં 2015 માં 0 મિમી, 2016માં 10.81 મિમી, 2017માં 5.34 મિમી, 2018માં 7.13 મિમી, 2019માં 2.15 મિમી, 2020માં 0.48 મિમી, 2021માં 1.29 મિમી વરસાદ પડ્યો હતો. સૌથી વધારે વરસાદ જે શહેરોમાં પડ્યો તેમાં સુરત, જૂનાગઢ, નવસારી, વલસાડ અને આણંદ નો સમાવેશ થાય છે. જ્યારે સૌથી ઓછો વરસાદ જે શહેરોમાં પડ્યો તેમાં ગાંધીનગર, છોટા ઉદેપુર, મહેસાણા, દાહોદ અને કચ્છનો સમાવેશ થાય છે.
જોકે આજે સવારથી શહેર અને જિલ્લામાં વરસાદે વિરામ લેતા તંત્રને પણ હાશકારો થયો છે. છતાં સતર્કતા ના ભાગરૂપે એનડીઆરએફ અને ફાયર વિભાગની ટીમોને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. રવિવારની સરખામણીમાં આજે મંગળવારે પણ કોઝવેની સપાટીમાં ઘટાડો જોવા મળ્યો છે. હાલ કોઝવેની સપાટી 5.59 મીટર પર છે, જે સપાટી રવિવારે 5.70 મીટર પર હતી. તે જ પ્રમાણે ખાડીઓના જળ સ્તર પણ હવે નીચે આવી જતા તંત્રને હાશ થઈ છે.