Surat : ગણપતિ મંડપમાં દર્શન માટે આવતા લોકોને અપાઈ રહ્યા છે કોરોનાના પ્રિકોશન ડોઝ
સુરતમાં હાલ વિવિધ થીમ બેઇઝ ગણપતિ મંડપની સ્થાપના કરવામાં આવી છે. ત્યારે આ મંડપ અને ગણેશજીના દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. આવા દર્શનાર્થી શ્રધ્ધાળુઓને ગણેશ દર્શનની સાથેસાથે કોરોના વેક્સીનનો પ્રિકોશન ડોઝ પણ આપવામાં આવી રહ્યો છે.
સુરત (Surat ) શહેરમાં વિઘ્નહર્તાની પ્રતિમાનું જ્યા સ્થાપન કરાયુ છે તેવા મંડપ જ લોકોના વિઘ્નને હરવા મદદરૂપ (Helpful ) સાબિત થઇ રહ્યા છે. કારણ કે ગણપતિના મંડપ હવે કોરોના વેક્સીન ના મંડપ બની રહ્યા છે. છેલ્લા ચાર દિવસમાં સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 119 ગણેશ મંડપમાં વેક્સીનનો પ્રિકોશન ડોઝ આપવાની કામગીરી હાથ ધરી હતી. જેમાં અત્યાર સુધી અંદાજે 5200 લોકોને વેક્સીનેશન કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં આ વેક્સીનેશનની કામગીરી વધે તે માટે પાલિકા વેક્સીનેશન નો સમય બદલીને સાંજના સમયે વેક્સીનેશન ની કામગીરી કરવા આયોજન કરી રહી છે.
અત્યાર સુધી 5200 લોકોને પ્રિકોશન ડોઝ અપાયા
સુરત શહેરમાં કોરોના બાદ ગણેશોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાઇ રહ્યો છે. ત્યારે સુરત પાલિકાએ ગણેશ મંડપ ને જ વેક્સીનેશન સેન્ટર બનાવવાની કામગીરી પણ શરુ કરી છે. પાલિકાએ ગણેશ મંડપને વેક્સીનેશન સેન્ટર બનાવવા માટેની જાહેરાત કરી હતી. પાલિકાની જાહેરાત બાદ 119 ગણેશ આયોજકોએ પ્રિકોશન ડોઝ આપવા માટેની કામગીરી પાલિકા સાથે રહીને શરુ કરી હતી. ગણેશ ઉત્સવ ના પહેલા દિવસે 354 લોકોનું વેક્સીનેશન થયું હતું જ્યારે ત્રીજા દિવસે 1287 લોકોનું વેક્સીનેશન કરાયું હતું. જયારે અત્યારસુધીમાં સુરત શહેરના ગણેશ મંડપમાં 5200 થી વધુ લોકોનું વેકસીનેશન કરવામા આવ્યું છે.
આગામી દિવસોમાં આ આંકડો વધે તેવી સંભાવના
સુરતમાં હાલ વિવિધ થીમ બેઇઝ ગણપતિ મંડપની સ્થાપના કરવામાં આવી છે. ત્યારે આ મંડપ અને ગણેશજીના દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. ત્યારે આ સંખ્યાનો લાભ લેવા માટે મહાનગરપાલિકાએ આગોતરું આયોજન કર્યું હતું. જેમાં ગણેશ ઉત્સવ સમિતિ અને વિવિધ ગણેશ મંડળોને સાથે રાખીને વેક્સિનેશન હાથ ધરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારે હજી પણ ગણપતિ 9 સપ્ટેબર સુધી બિરાજમાન રહેવાના હોય કોર્પોરેશન ના આરોગ્ય વિભાગ દ્વારા હજી પણ આ અભિયાન હાથ ધરવામાં આવશે.
ગણપતિ ભક્તિની સાથે સાથે લોકોના આરોગ્યનું પણ ધ્યાન રહે તેમજ કોરોનાને વધુ વકરતો અટકાવી શકાય તે હેતુ સાથે પ્રિકોશન ડોઝ માટે વધુ મંડળોને જોડવામાં આવશે. તેવું આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે.