Surat : હોળી-ધૂળેટી તહેવારને લઇ અસામાજિક તત્વો સામે પોલીસની લાલઆંખ, ત્રણ કલાકમાં 100થી વધુ સામે કાર્યવાહી
સુરત (Surat) શહેરમાં આગામી હોળી-ધૂળેટીના તહેવારને લઇ ગુનાહિત પ્રવૃત્તિ વધુ થતી હોય તેવા વિસ્તારોમાં પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યુ છે. આ માટે પોલીસને ખાસ સૂચના આપવામાં આવી છે.

આગામી હોળી- ધૂળેટીના તહેવારને લઈ સુરતમાં અસામાજિક તત્વો પર પોલીસે લાલ આંખ કરી છે. પાંડેસરા વિસ્તારમાં પોલીસે સરપ્રાઈઝ કોમ્બિંગ હાથ ધર્યું હતું. જેમાં ત્રણ કલાકની પોલીસની સરપ્રાઈઝ ચેકિંગમાં 104 જેટલા ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને ડઝનથી વધુ હથિયારો પોલીસે કબજે કર્યા હતા.
પોલીસનું સરપ્રાઇઝ ચેકિંગ
સુરત શહેરમાં આગામી હોળી-ધૂળેટીના તહેવારને લઇ ગુનાહિત પ્રવૃત્તિ વધુ થતી હોય તેવા વિસ્તારોમાં પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યુ છે. આ માટે પોલીસને ખાસ સૂચના આપવામાં આવી છે. જેના આધારે પાંડેસરા પોલીસ મથક હદ વિસ્તારમાં પોલીસની મોટી ટીમ દ્વારા સરપ્રાઈઝ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા ખાસ વડોદ ખાતે આવેલા એસ.એમ.સી આવાસમાં મોડી રાત્રે સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસે ત્રણ થી સાડા ત્રણ કલાક સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું અને સૌથી વધુ ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.
અલગ અલગ 15 જેટલી ટીમો બનાવી તપાસ
પાંડેસરાના વડોદ ગામ ખાતે આવાસમાં આવેલા 84 બિલ્ડિંગોનું સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ સરપ્રાઈઝ ચેકિંગમાં ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો કામે લાગ્યો હતો. જેમાં 60થી વધુ પોલીસકર્મી કોમ્બિંગ કાર્યવાહીમાં જોડાયા હતા.
પાંડેસરા સહિત ખટોદરા અને અલથાણ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી અને કર્મચારીઓની સાથે મળી કુલ અલગ અલગ 15 જેટલી ટીમો બનાવી હતી. જેમા 2 પોલીસ ઇન્સ્પેકટર, તથા 6 પોલીસ સબ ઈન્સપેકટર સાથે પાંડેસરા, ખટોદરા અને અલથાણ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ મળી કુલ 60 પોલીસ કર્મચારીઓ સાથે લાઠી- હેલ્મેટ તથા ટોર્ચ જેવી પુરતી સાધન સામગ્રી સાથે પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમા આવેલ વડોદગામ ખાતે વડોદ એસ.એમ.સી આવાસમાં સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું.
SMC આવાસમાં કરાઇ તપાસ
પાંડેસરાના વડોદ ગામના એસએમસી આવાસમાં પોલીસ દ્વારા રાત્રે સાડાત્રણ કલાક અસરકારક કોમ્બીગ કરવામાં આવ્યું હતું. જેમા અલગ-અલગ ટીમો દ્વારા સઘન સરપ્રાઈઝ ચેકીંગ હાથ ઘરાતા વડોદ એસ.એમ.સી આવાસમાં આવવા-જવાના એન્ટ્રી-એક્ઝીટ પોઈન્ટ પર નાકાબંધી કરી દેવામાં આવી હતી.પોલીસ દ્વારા કોમ્બિંગની કાર્યવાહીમાં આવાસમાં આવેલા કુલ 84 મકાનો ચેક કરવામાં આવ્યા હતા. આ દરમિયાનન હાજર મળી આવેલા લોકોની સઘન પુછપરછ કરવામાં આવી હતી અને આવાસના રૂમોની ઝડતી તપાસ કરવામાં આવી હતી.
અનેક લોકો સામે કરાઇ કાર્યવાહી
પોલીસ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન અનેક અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે સૌથી વધુ ઈસમોને ડિટેઇન કર્યા હતા. આ કોમ્બિંગમાં પોલીસે નાસતા ફરતા 4 ,જામીન પેરોલ પર છુટેલા 5 આરોપી, ભાડુઆત તરીકે રહેતા 89 ઘર, શકમંદ 68 ઇસમો ,પ્રોહીબિશન અને જુગારી લિસ્ટેડ 19 ઈસમો અને બિનવારસી વાહનો 13ને ચેક કરવામાં આવ્યા હતા.
જ્યારે હીસ્ટ્રીશિટર અને હથિયાર સાથેના 16, તડીપારના 2 , ટપોરી ગીરી સામે સી.આર.પી.સી. કલમ 151 મુજબ 32 , જુગાર સામે 54, ઈંગ્લીશ દારૂના કબ્જાનો 01, પ્રોહિબિશનના પીધેલાના 26 અને એમ.વી.એક્ટ કલમ 207 મુજબ વાહન ડિટેઇન કરી 57 સામે કાર્યવાહી કરી છે. પોલીસે કોમ્બિંગ દરમિયાન કુલ 104 ઈસમ વિરુદ્ધ કેસ કરી અટકાયતી પગલા ભરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.