
આડેધડ રીતે કરી દેવાયેલા સુરતના નાસિર નગરના ડિમોલિશન મામલે હવે સુરત મનપા સહિત રાજ્ય સરકાર પણ બરાબરની ભેખડે ભરાઈ હોય તેવો ઘાટ ઘડાયો છે.
ગુજરાતના ટોક ઓફ ધી નેશન બનેલા સુરતના નાસિર નગરના ડિમોલિશન મામલે હવે ડિમોલિશન ગેરકાયદે હોવાનો ખુદ તંત્રના અધિકારીઓએ સ્વીકાર કર્યો છે. નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન તંત્રના અધિકારીઓએ આ મામલે એકરાર કર્યો છે કે “નાસીર નગરમાં થયેલું ડિમોલિશન ગેરકાયદે થયું હતુ.
હવે ગેરકાયદે ડિમોલિશન મામલે રાજ્ય સરકારે હાઇકોર્ટને ખુલાસો આપવો પડશે. સંપૂર્ણ ગેરકાયદે ડિમોલિશન મામલે રાજ્ય સરકારના એક્શન અંગે ખુલાસો માંગ્યો છે.
હાઇકોર્ટે સુરત મનપા કમિશનર પાસે પણ જવાબ માગ્યો છે. સંપૂર્ણ ગેરકાયદે ડિમોલિશનમાં ઘરવિહોણા થયેલા લોકો અંગે ખુલાસો માંગ્યો છે અને તેમના પુનર્વસન માટેની વ્યવસ્થા અંગે પણ જાણકારી માદી છે. રાજ્ય સરકારે ઘટનાના મૂળ સુધી જવા સમય માંગ્યો છે. ગેરકાયદે ડિમોલિશન મામલે યોગ્ય તપાસ અને જવાબ માટે વધુ સમય ની માગ કરાઈ છે. હવે આ કેસમાં વધુ સુનાવણી 9 જુલાઈના રોજ હાથ ધરાશે.
સુનાવણી દરમ્યાન હાઇકોર્ટે પૂછ્યું કે રાજ્ય સરકારનું શું સ્ટેન્ડ છે? શું રાજ્ય સરકારની કોઈ જવાબદારી નથી? રાજ્ય સરકાર દ્વારા કેમ એક્શન લેવામાં ન આવ્યા? તપાસ કમિટી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના વડપણ હેઠળ રચવામાં આવી એનું કારણ શું? રાજ્ય સરકારે તપાસ કરવી જ જોઈએ કે આમાં કોની સંડોવણી છે.. લોકલ અધિકારીઓ કોઈના ટેકા વિના આ કામ કરી જ ના શકે. હાઇકોર્ટે રાજ્ય સરકારને ફટકાર લગાવતા કહ્યું કે સંબધિત કેસમાં આજ સુધી કેમ FIR દાખલ કરવામાં નથી આવી?
હાઈકોર્ટમાં કમિશનર વતી એડવોકેટ જનરલે જવાબ આપતા કહ્યું કે પ્રાથમિક રિપોર્ટ આવ્યો છે જેમાં એવું કહેવામાં આવ્યું કે વધુ તપાસની જરૂર છે, અધિકારીઓ, કર્મચારીઓ યોગ્ય જવાબ નથી આપી રહ્યા. હાઈકોર્ટે એવો પણ સવાલ કર્યો કે સંબધિત કેસમાં 100 પરિવારો ઘરવિહોણા થયા અને તમને લાગે છે કે માત્ર કેટલાક લોકોને સસ્પેન્ડ કરવાથી કામ ચાલી જશે? સસ્પેન્શનમાં બધાને ખ્યાલ છે કે શું થાય છે, તેઓ 4-5 મહિના ઘરે જશે, ખાતાકીય તપાસ થશે અને વર્ષો સુધી કેસ ચાલશે.
આ ઉપરાંત હાઇકોર્ટે પોલીસને પૂછ્યું, DCP કક્ષાના અધિકારીને ખ્યાલ હતો કે ડિમાર્કેશન માટે બંદોબસ્ત છે તો ડિમોલિશન કઈ રીતે થયું? જો અધિકારીઓને એટલો પણ ખ્યાલ ન આવતો હોય કે ડિમાર્કેશનની જગ્યાએ ડિમોલિશન થઈ રહ્યું છે તો રાજ્ય સરકારે વિચારવાની જરૂર છે.. જેના જવાબમાં સરકારે કહ્યું કે, DCP SOGને SOG PIએ જાણ કરી હતી કે કેટલાક અસમાજિક તત્વો ભેગા થઈ રહ્યા છે જેના માટે DCP સ્થળ પર પહોચ્યા હતા. 26થી વધુ ગંભીર ગુનાના અસમાજિક તત્વો આ સ્થળ પર રહેતા હતા. થોડા દિવસ પહેલા 38 ગેરકાયદે બાંગ્લાદેશીઓને નાસીર નગરમાંથી પકડી ડિપોર્ટ કરવામાં આવ્યા હતા.