Surat: સુરતના અલથાણ વિસ્તારમાં બનશે મેટ્રો ભવન, સુરત મનપા 6,542 ચો.મી. જગ્યા ફાળવશે
સુરત શહેરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. ત્યારે હવે મેટ્રો રેલ ભવન માટે સુરત મનપા દ્વારા જગ્યા ફાળવવામાં આવી છે. શહેરના અલથાણ વિસ્તારમાં મેટ્રો રેલ ભવન બનશે. જ્યાંથી મેટ્રો રેલનું હેડક્વાર્ટર અને ઓફિસનું સંચાલન થશે.
Surat: શહેર માટે મેટ્રો રેલ પ્રોજેક્ટ (Metro Rail Project) અત્યંત મહત્વાકાંક્ષી છે. 12 હજાર કરોડનો આ મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી હવે ધીરે ધીરે વેગ પકડી રહી છે.સરથાણાથી ડ્રિમ સીટી સુધીના રૂટની કામગીરી હાલ ચાલી રહી છે. તેમાં પણ કાપોદ્રાથી મક્કાઈપુલ સુધીના અંડર ગ્રાઉન્ડ રૂટ માટે સોઈલ ટેસ્ટીંગનું કામ અંતિમ તબક્કામાં છે.
અંડર ગ્રાઉન્ડ ખોદાણ માટે ટનલ બોરિંગ મશીન પણ સુરત શહેરમાં આવી ગયું છે. અલગ અલગ ભાગમાં આવેલા આ મશીનને હાલ એસેમ્બલિંગ કરવાનું કામ ચાલી રહ્યું છે. હવે મેટ્રો રેલ કોર્પોરેશન માટે સૌથી મહત્વના એવા હેડ ક્વાર્ટર અને મેટ્રો રેલ સંબંધિત તમામ ઓફિસો માટે મેટ્રો ભવન બનાવવા માટે મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા અલથાણ કેનાલ નજીક જગ્યા પસંદ કરવામાં આવી છે.
અલથાણ વિસ્તારમાં વિશાળ જગ્યામાં મેટ્રો રેલ ભવન બનશે. આ મેટ્રો ભવન વિશાળ અને અતયાળુંનીક સુવિધાઓથી સજ્જ રહેશે. જેના માટે સુરત મનપા પાસે જમીનની માંગણી કરવામાં આવી હતો. અને જમીન ફાળવણી માટે શાસકો પાસે દરખાસ્ત મુકવામાં આવી છે.
મેટ્રો રેલના બે રૂટ સરથાણાથી ડ્રિમ સીટી અને સારોલીથી ભેંસાણ બંને માટે અલથાણ નજીક આવેલું છે. જેથી અલથાણ કેનાલ ખાતેની આ જમીન પર મેટ્રો ભવન બને તો તમામ કામગીરી સરળતાથી થઇ શકશે. સ્થાયી સમિતિની બેઠકમાં ભેંસાણમાં ડેપો અને વર્કશોપ બનાવવા માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનને 1,65,941 ચોરસ મીટર જમીન ફાળવવાનો ઠરાવ થઇ ચુક્યો છે. અને હવે મેટ્રો ભવન માટે પણ અલથાણ ખાતેની જગ્યા આપી દેવામાં આવશે.
મનપાની જમીન અન્ય કોઈ વિભાગ કે ત્રાહિત વ્યક્તિને ફાળવવાની થાય તો તેની લીઝ તેમજ કિંમત, વન ટાઈમ પ્રીમિયમ, વાર્ષિક ભાડું વગેરે કલેકટર અને મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓની બનેલી કમિટી નક્કી કરે છે. મેટ્રો ભવન માટે સોનાની લગડી સમાન જગ્યા માંગવામાં આવી છે. તે અલથાણ કેનાલની નજીક હોય અહીં બજાર કિંમત જે 60 થી 65 હજાર પ્રતિ ચોરસ મીટર બોલાય છે. તે જોતા અહીં 6542 ચોરસ મીટર જમીનની કિંમત આશરે 35 થી 40 કરોડ થાય છે. જોકે સુરતના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે આ જમીન આપવાની થતી હોય મનપા માટે આ કિંમત મહત્વની રહેતી નથી.
આ પણ વાંચો : Surat : કોરોનાકાળની મંદીના સાઈડ ઇફેક્ટ, કાપડ માર્કેટમાં દુકાનોના ભાડામાં થયો ઘટાડો