Surat: જન્માષ્ટમીને લઈને સુરતના જવેલર્સને ચાંદી ચાંદી, 5 હજારથી લઈને 5 લાખ સુધીના પારણાંના ઓર્ડર મળ્યા
સુરતના જવેલર્સના અચ્છે દિન પરત ફરતા દેખાઈ રહ્યા છે. તહેવારોની મોસમ શરૂ થતાં સારી ખરીદીના ઓર્ડર મળવા લાગ્યા છે. જન્માષ્ટમીને લઈને પણ ચાંદીના પારણાંના ઓર્ડર મળ્યા છે.
તહેવારોની મોસમ શરૂ થઇ ગઈ છે. કોરોનાની મહામારી (Corona Pandemic)માં છેલ્લા દોઢ વર્ષથી લોકો માત્ર શારીરિક રીતે જ નહીં પણ માનસિક રીતે પણ હિંમત હારી ચુક્યા છે. તેવામાં કોરોનાના કેસો ઘટતા તહેવારો પણ શરૂ થઈ ગયા છે અને આ તહેવારો લોકોમાં ઉર્જા અને ઉત્સાહની ઈમ્યુનિટી પુરી પાડી રહ્યા છે. સુરતમાં આવનારા જન્માષ્ટમી (Janmashtami)ના પર્વને લઈને તૈયારીઓ જોરશોરમાં થઈ રહી છે.
કૃષ્ણ જન્મોત્સવ એટલે કે જન્માષ્ટમીનો પર્વ સુરતમાં ભારે રંગેચંગે ઉજવાય છે. મંદિરોમાં તો ખરું જ પણ ઘરે ઘરે નંદઘેર આનંદ ભયોના નાદ સાથે કૃષ્ણના જન્મના વધામણાં કરવામાં આવે છે. શ્રી કૃષ્ણને સાંજ શણગાર સજાવીને આ ઉત્સવને શ્રદ્ધાભેર ઉજવવામાં આવે છે. છેલ્લા દોઢ વર્ષથી કોરોનાને કારણે આ શક્ય બન્યું નહોતું. પરંતુ હવે જન્માષ્ટમીને લઈને બજારોમાં રોનક જામી છે.
સુરતના જવેલર્સને હાલ ચાંદી છે. કારણ કે શ્રી કૃષ્ણને ઝુલાવવા માટે તેમને પાંચ હજારથી લઈને 5 લાખ સુધીની કિંમતના પારણાંના ઓર્ડર મળ્યા છે. હાલ ચાંદીનો ભાવ 63 હજાર જેટલો ચાલી રહ્યો છે. ત્યારે સુરતના એક જવેલર્સનું કહેવું છે કે તહેવારો નજીક આવતા હવે બજારમાં ધીરે ધીરે ખરીદી નીકળી છે. રક્ષાબંધન માટે રાખડીના તો એડવાન્સ ઓર્ડર મળી જ રહ્યા છે પણ સાથે સાથે બાળ ગોપાલને ઝુલાવવા માટે ચાંદીના પારણાંની પણ હાલ ખુબ ડિમાન્ડ છે.
સુરતમાં હાલ તેમની પાસે પાંચ હજારની કિંમતથી લઈને પાંચ લાખ સુધીના પારણાંના ઓર્ડર આવ્યા છે. પાંચ લાખ સુધીનું પારણું પાંચ કિલો ચાંદીથી તૈયાર કરવામાં આવ્યું છે અને એક કૃષ્ણ ભક્ત દ્વારા આ પારણાનો ઓર્ડર આપવામાં આવ્યો છે. દરેક ભક્તોની શ્રદ્ધા અલગ અલગ હોય છે અને પોતાની યથાશકિત પ્રમાણે તેઓ ભગવાનને રિઝવતા હોય છે. ત્યારે સુરતમાં અલગ અલગ કિંમતના પારણાનો ઓર્ડર લોકો આપી રહ્યા છે.
જોકે એક વાત નક્કી છે કે તહેવારોની મોસમ શરૂ થતાં હવે જવેલર્સ બજારમાં પણ તેની અસર જોવા મળી રહી છે અને ધીરે ધીરે જવેલરી ક્ષેત્રમાં પણ ચાંદી જોવા મળી રહી છે. આવનારા જન્માષ્ટમીના અને તે પછી આવી રહેલા રક્ષાબંધનના તહેવારને લઈને જવેલર્સમાં આશા જાગી છે.
આ પણ વાંચો: Best From Waste : જૂની ફાટેલી જીન્સને નવી પેટર્ન આપી મહિલાઓને બનાવી અપાય છે આકર્ષક હેન્ડબેગ
આ પણ વાંચો: Junagadh : પોલીસકર્મી માતાએ પોલીસ અધિકારી પુત્રને સેલ્યુટ કરી ગૌરવ અનુભવ્યું