Surat : ચોરી કરતી આંતરરાષ્ટ્રીય ગેંગ રંગે હાથે ઝડપાઇ, ફ્લાઇટ દ્વારા પહોંચતા હતા સ્થળ ઉપર, જાણો શું છે તેમની મોડેસ ઓપરેન્ડી
સુરતના (Surat) મહિધરપુરામાં રાતના સમયે ચોરી કરવા આવેલી ગેંગ ચોરી કરતી હતી તે જ સમયે પોલીસના હાથે ઝડપાઇ ચુકી છે. આ ગેંગની ખાસ વાત એ છે કે આ ગેંગ ચોરી કરવા માટે ફ્લાઇટ દ્વારા જે તે સ્થળે પહોંચે છે.
સુરતના મહિધરપુરા વિસ્તારમા ચોરી કરવા માટે બાય ફ્લાઇટ આવેલી ગેંગને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યા છે. જો કે ચોર જે સ્થળે ચોરી કરવાના છે તે સ્થળ પર પહોંચે તે પહેલા જ બે આરોપીઓ 5 લાખ રુપિયાના દાગીના લઇને ફરાર થઇ ગયા હતા. જો કે ચાર આરોપીઓ પોલીસના હાથે ઝડપાઇ ચુક્યા છે. ચોરી કરનારી આ ગેંગ નેપાળી ગેંગ હોવાનું પોલીસને જાણવા મળ્યુ છે. પોલીસે પકડાયેલા આ આરોપીઓની પુછપરછ કરી ચોરાયેલો મુદ્દામાલ કબ્જે કરવા કવાયત હાથ ધરી છે.
સુરતના મહિધરપુરામાં રાતના સમયે ચોરી કરવા આવેલી ગેંગ ચોરી કરતી હતી તે જ સમયે પોલીસના હાથે ઝડપાઇ ચુકી છે. આ ગેંગની ખાસ વાત એ છે કે આ ગેંગ ચોરી કરવા માટે ફ્લાઇટ દ્વારા જે તે સ્થળે પહોંચે છે. સુરતમાં ચોરી કરવા માટે પણ આ ગેંગ ફલાઇટ દ્વારા જ શહેરમાં આવી હતી. જ્યારે આ ગેંગનો એક સભ્ય ટ્રેન મારફતે સુરતમાં પહોંચ્યો હતો. આ ગેંગ મહિધરપુરાના ગોતાલાવાડી એક એપાર્ટમેન્ટની અંદર ચોરી કરવા માટે આવી હતી. આ ગેંગના છ સભ્યો ગેસ કટર સહિત સાધનો લઈ ઘર પર ચોરી કરવા માટે પ્રવેશ કર્યો હતો, પણ ચોરી કરે તે પહેલા જ પોલીસે તેમનો આખો ખેલ ઊંધો પાડી દીધો હતો.
તેલંગણા જેલમાંથી થોડા દિવસ અગાઉ જ જામીન ઉપર છૂટીને આવેલા દિલ બહાદુર હરજી નામના આરોપીએ પોતાના સાગરિતો સાથે મળીને દિલ્હીમાં આ સમગ્ર ચોરીનું આયોજન બનાવ્યુ હતુ. જે પછી થોડા દિવસોમાં રાત્રિના સમયે આ તમામ લોકો સુરતમાં મળ્યા હતા. જે પછી ગોતાલા વાડીના એક એપાર્ટમેન્ટમાં એક સોનીની દુકાનમાં ચોરી કરવા આ આરોપીઓ ઘુસ્યા હતા. જો કે મહિધરપુરા પોલીસના પીઆઇ જે બી ચૌધરીને આ બાબતે જાણ થતા તાત્કાલિક મહિધરપુરા પોલીસ સ્ટેશનના પીઆઇ અને સર્વેલન્સના માણસો સહિત ઘટના સ્થળે પહોંચી ગયા હતા તે દરમિયાન અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
પકડાયેલા આરોપી
- દિલ બહાદુર રઇટા હવજી, નેપાળ
- રાજેશ મૃગેશ શેટ્ટી, મુંબઇ
- કરણ પ્રેમસીંગ વિશ્વકર્મા, નેપાળ
- ગણેશ બિમસીંગ સારકી, નેપાળ
આરોપીઓની પુછપરછમાં થયા મોટા ખુલાસા
પોલીસે ચોરી કરવા આવેલા આરોપીઓ પાસેથી ગેસ કટર સહિતનો કેટલો સામાન પણ કબજે કર્યો હતો. આ ઈસોમોની પૂછપરછ ડીસીપી પિનાકીન પરમાર દ્વારા કરવામાં આવતા જાણવા મળ્યું હતું કે ફરાર બંને આરોપી સુરતથી અમદાવાદ અને પછી અમદાવાદથી બાય ફ્લાઈટ નેપાળ જવા માટે રવાના થઈ ગયા છે. જેના આધારે ડીસીપી પિનાકીન પરમારે સુરત ક્રાઈમ બ્રાન્ચની મદદ લઈ અને બીજા આરોપીઓને પકડવા માટે ટીમ રવાના કરી છે. પુછપરછમાં જાણવા મળ્યુ છે કે આ નેપાળી ગેંગના મુખ્ય આરોપી સહિતના લોકો અલગ અલગ રાજ્યોના શહેરોમાંથી 50થી વધુ ઘરફોડ ચોરી કરી ચુક્યા છે.
કેવી રીતે ચોરીનું આયોજન કરતા ?
મહત્વની વાત એ સામે આવી છે કે આ ગેંગ જ્યાં ચોરી કરવાની છે તે સ્થળની પહેલા રેકી કરતી હતી. કોઇને શંકા ન જાય તે રીતે ફ્લાઇટ દ્વારા જે તે રાજ્ય કે શહેરમાં પહોંચીને ચોરી કરતા હતા. આ ગેંગના સભ્યો VIP હોટલની અંદર રોકાણ કરતા હોવાની વિગતો સામે આવી રહી છે. હાલમાં તો સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ અને મહિધરપુરા પોલીસે આ ગેંગ બાબતે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી ચોરી થયેલો માલ કબ્જે કરવા કવાયત શરુ કરી છે.