સુરતમાં હિન્દુ યુવક અને મુસ્લિમ યુવતીના લગ્નનો વિવાદ, યશવી ફાઉન્ડેશન પર આક્ષેપ, જુઓ Video

સુરતમાં આંતરધર્મીય લગ્નને લઈને વિવાદ સર્જાયો છે. યશવી ફાઉન્ડેશન દ્વારા હિન્દુ યુવક અને મુસ્લિમ યુવતીના લગ્નની જાહેરાત કરાયા બાદ વિરોધને કારણે રદ કરવા પડ્યા.

સુરતમાં હિન્દુ યુવક અને મુસ્લિમ યુવતીના લગ્નનો વિવાદ, યશવી ફાઉન્ડેશન પર આક્ષેપ, જુઓ Video
| Edited By: | Updated on: Mar 01, 2026 | 7:28 PM

સુરત શહેરમાં આંતરધર્મીય લગ્નને લઈને વિવાદ ઊભો થયો છે. યશવી ફાઉન્ડેશન દ્વારા હિન્દુ યુવક અને મુસ્લિમ યુવતીના લગ્ન કરાવવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ બાદમાં સંસ્થાએ પોતાના નિર્ણયમાંથી પીછેહઠ કરી લેતા મામલો ગરમાયો છે. આ નિર્ણય પછી યુવક અને યુવતીએ સંસ્થા સામે ગંભીર આક્ષેપો કર્યા છે.

ફરહા નામની યુવતીએ સોશિયલ મીડિયા પર વીડિયો જાહેર કરીને દાવો કર્યો છે કે યશવી ફાઉન્ડેશને માત્ર પ્રસિદ્ધિ અને TRP મેળવવા માટે તેમના લગ્નની જાહેરાત કરી હતી. તેણીએ આક્ષેપ કર્યો કે સંસ્થાના પગલાંને કારણે તેમની વ્યક્તિગત જિંદગી પર ગંભીર અસર પડી છે અને હવે તેઓ માટે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. વીડિયોમાં ફરહાએ કહ્યું કે, “અમારી જિંદગી બરબાદ કરવા બદલ યશવી ફાઉન્ડેશનનો આભાર.”

યુવતીએ વધુમાં સવાલ ઉઠાવ્યો કે જો સંસ્થા લગ્ન કરાવવા સક્ષમ ન હતી તો તેમના નામની જાહેર જાહેરાત શા માટે કરવામાં આવી. તેમના મુજબ, શરૂઆતમાં પ્રચાર મેળવ્યા બાદ વિરોધ વધતા સંસ્થાએ પીછેહઠ કરી લીધી.

આ સમગ્ર મામલે દક્ષિણ ગુજરાત મુસ્લિમ સમાજની પણ પ્રતિક્રિયા સામે આવી છે. સમાજના પ્રતિનિધિઓએ જણાવ્યું કે કોઈ પણ પુખ્ત વયની વ્યક્તિ પોતાની મરજી મુજબ લગ્ન કરે તેમાં કોઈ વાંધો નથી. જોકે, જાહેર મંચ પરથી હિન્દુ-મુસ્લિમ લગ્નની જાહેરાત કરવી યોગ્ય નથી અને તે રાજ્યમાં શાંતિ તથા ભાઈચારા પર પ્રતિકૂળ અસર પાડી શકે છે.

વિવાદ વધતા યશવી ફાઉન્ડેશન દ્વારા અંતે આ લગ્ન રદ કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. હાલ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે અને બંને પક્ષોના નિવેદનો બાદ પરિસ્થિતિ પર સૌની નજર છે.

Breaking News : યુદ્ધના ભણકારા વચ્ચે દુબઈમાં રાજકોટનો પરિવાર

Published On - 7:28 pm, Sun, 1 March 26