Surat: ઉદ્ઘાટન બાદ વિવાદમાં આવેલા ‘મુન ગાર્ડન’ની જાણો ખાસિયતો
સુરતના ઉતરાણ પાવર સ્ટેશન સામે 2.92 કરોડના ખર્ચે મુન ગાર્ડનનું લોકાર્પણ મેયર હેમાલી બોઘાવાળા અને ગાર્ડન સમિતિના ચેરમેન રેશમા લાપસીવાળાના હસ્તે કરવામાં આવ્યું હતું.

Surat: પર્યાવરણ જાળવણી અને સુરતીઓને સતત નવું નજરાણું આપવા સુરત મનપા (SMC) અગ્રેસર છે. ત્યારે વિવિધ થીમ બેઈઝડ ગાર્ડન બનાવવાનું પણ સુરત મનપાનું આયોજન છે. ગઈકાલે જ સુરતના ઉતરાણ વિસ્તારમાં મુન ગાર્ડનનું (Moon Garden) ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતું પણ થીમ બેઈઝડ આ ગાર્ડનને મુન ગાર્ડન શા માટે કહેવાય છે? તે પણ જાણી લઈએ.
ફુલોમાં વ્યક્તિના મૂડને સુધારવાની ગજબ તાકાત હોય છે. ત્યારે સુરતના લોકોને આવું જ એક ગાર્ડન મળ્યું છે. આ ગાર્ડનનો મુખ્ય હેતુ લોકોને એક નવું નજરાણું આપવાનો હતો. રાત્રી દરમ્યાન આ મુન ગાર્ડનનો નજારો માણવા જેવો બની રહેશે.
કેટલાના ખર્ચે તૈયાર કરાયું છે મુન ગાર્ડન?
સુરતના ઉતરાણ પાવર સ્ટેશન સામે 2.92 કરોડના ખર્ચે આ મુન ગાર્ડનનું લોકાર્પણ મેયર હેમાલી બોઘાવાળા અને ગાર્ડન સમિતિના ચેરમેન રેશમા લાપસીવાળાના હસ્તે કરવામાં આવ્યું હતું. 29,955 ચોરસ મીટર એરિયામાં આ મુન ગાર્ડન વિસ્તરેલું છે. જેમાં લોન, વોક વે તેમજ રમતગમતના સાધનો પણ ઉપલબ્ધ છે.
શા માટે મુન ગાર્ડન નામ અપાયું?
આ થીમના ગાર્ડનમાં એ પ્રકારના ફુલોનું પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે, જે રાતના સમયે જ ખીલે છે. મૂન ગાર્ડનમાં રાતરાણી, ચંપા, મધુમાલતી, ગુલમહેંદી, સપ્તપર્ણી, પારિજાત જેવા 23 પ્રકારના રાત્રે ખીલતા ફૂલો ઉગાડવામાં આવ્યા છે. દરેક ફુલોને સફેદ થીમ પર જ ઉગાડવામાં આવ્યા છે. રાત્રે ફુલના છોડ પર ચંદ્રનો પ્રકાશ પડતા સુંદર નજારો જોઈ શકાય છે. જેથી ગાર્ડનનો લુક મુન એટલે કે ચંદ્ર જેવો આવી શકે. આ ગાર્ડનના લોકાર્પણથી આસપાસના લોકોને હરવા ફરવા, બાળકોને રમવા માટેની સુવિધા ઉપલબ્ધ થઈ છે.
નોંધનીય છે કે પાછલા વર્ષોમાં સુરત મનપાએ ઘણા થીમ બેઈઝડ ગાર્ડન બનાવ્યા છે. જેમાં ઓક્સિજન પાર્ક, રોઝ ગાર્ડનઝ ફાર્મ ગાર્ડન, લેક ગાર્ડન, બોટાનીકલ ગાર્ડન વગેરેનો સમાવેશ થાય છે. જોકે આ મુન ગાર્ડન ઉદ્ઘાટન બાદ વિવાદમાં આવ્યો છે. ગાર્ડનમાં પાણીની પરબમાં લીકેજ અને તળાવમાં સફાઈનો અભાવ અને ગંદકી સામે આવી છે. ત્યારે આવનાર દિવસોમાં આ ગાર્ડનનું મેઈન્ટેનન્સ કેવી રીતે જળવાય છે તે પણ જોવાનું છે.